Home Gujarat Ahmedabad Deo Notices To 133 Schools In Ahmedabad Seventh Day School Gets Notice Suspicious Transactions 731 Crore

સેવન્થ ડે સ્કૂલનું કરોડોનું શંકાસ્પદ ટ્રાન્જેક્શન? : અમદાવાદની 133 ગ્રાન્ટેડ શાળાઓ પર સરકારી બોજો દાખલ કરવાની તૈયારી, જાણો શું છે સમગ્ર મામલો

Seventh Day School DEO Notice
Published by: Nirali Gohil
Last Updated: Apr 07, 2026, 04:22 AM IST

Education Department Action: અમદાવાદ શહેર જિલ્લા શિક્ષણાધિકારી (DEO) રોહિત ચૌધરીએ શહેરની શિક્ષણ સંસ્થાઓમાં ચાલતી નાણાકીય ગેરરીતિઓ સામે લાલ આંખ કરી છે. એક તરફ શહેરની 133 ગ્રાન્ટેડ શાળાઓ પાસેથી રૂ.2.91 કરોડની જૂની રિકવરી મેળવવા માટે મિલકત જપ્તી સુધીની તૈયારીઓ બતાવી છે, તો બીજી તરફ ખોખરાની વિવાદાસ્પદ સેવન્થ ડે સ્કૂલને રૂ.7.31 કરોડના શંકાસ્પદ વ્યવહારો મામલે માત્ર 3 દિવસની અંતિમ મહેતલ આપી છે. શિક્ષણ વિભાગની આ આક્રમક કાર્યવાહીને પગલે શાળા સંચાલકોમાં ભારે ફફડાટ વ્યાપી ગયો છે.

133 ગ્રાન્ટેડ શાળાઓ પાસે રૂ.2.91 કરોડની વસૂલાત બાકી

ખાતાકીય ઓડિટ દરમિયાન બહાર આવ્યું છે કે, અમદાવાદની 133 જેટલી ગ્રાન્ટેડ શાળાઓએ સરકારી અનુદાન લીધા બાદ નિયમ મુજબ પરત કરવાની થતી રકમ હજુ સુધી જમા કરાવી નથી. કુલ રૂ.2,91,00,000 જેટલી સરકારી રકમ વર્ષોથી પેન્ડિંગ છે. આ મામલે DEO એ સ્પષ્ટ ચેતવણી આપી છે કે, જો શાળાઓ ચલણ રજૂ નહીં કરે અથવા રકમ જમા નહીં કરાવે, તો કલેક્ટર મારફતે તેમની મિલકત પર સરકારી બોજો દાખલ કરી જપ્તીની કાર્યવાહી કરવામાં આવશે.

મુખ્ય શાળાઓ જેની રિકવરી બાકી છે:

  • જય સોમનાથ શાળા (મણિનગર): રૂ.62.55 લાખ (સૌથી વધુ)

  • શ્રી વિદ્યાનગર હાઈસ્કૂલ (આશ્રમ રોડ): રૂ.29.79 લાખ

  • અન્ય 5 શાળાઓ પાસે રૂ.12 લાખથી વધુની વસૂલાત બાકી છે.

સેવન્થ ડે સ્કૂલનું રૂ.7.31 કરોડનું શંકાસ્પદ ટ્રાન્ઝેક્શન

ખોખરાની સેવન્થ ડે સ્કૂલમાં નાણાકીય ગેરરીતિઓનો મામલો વધુ ગંભીર બન્યો છે. તપાસમાં ખૂલ્યું છે કે શાળાએ રૂ.7.31 કરોડથી વધુની રકમ કોઈપણ કાયદેસરના આધાર વગર ખાનગી કંપનીઓ જેવી કે 'લર્નિંગ બોર્ડ ઓફ એજ્યુકેશન' અને 'ઈ-મિશન એક્ઝિબિશન' તેમજ અન્ય કોલેજોમાં ડાયવર્ટ કરી છે. વારંવાર નોટિસ આપવા છતાં શાળા વહીવટદારો હિસાબ રજૂ કરવામાં નિષ્ફળ રહ્યા છે, જેથી હવે તેમને માત્ર 3 દિવસનો સમય અપાયો છે.

આ પણ વાંચો: અમદાવાદ માટે કોંગ્રેસનો 'માસ્ટર પ્લાન'! : સ્થાનિક ચૂંટણી માટે કોંગ્રેસે બહાર પાડ્યો મેનિફેસ્ટો, જાણો શું છે વાયદા

વિદ્યાર્થીની હત્યા બાદ ખૂલ્યા ભ્રષ્ટાચારના પડળ

સેવન્થ ડે સ્કૂલનો વિવાદ મૂળભૂત રીતે કેમ્પસ બહાર થયેલી એક વિદ્યાર્થીની હત્યા બાદ શરૂ થયો હતો. આ ઘટના બાદ સરકારે શાળાનો વહીવટ હસ્તગત કર્યો હતો. પરંતુ વહીવટ સંભાળ્યા બાદ જ્યારે ઊંડાણપૂર્વક તપાસ થઈ ત્યારે આ કરોડો રૂપિયાના નાણાકીય ગોટાળા સામે આવ્યા છે. DEO રોહિત ચૌધરીના જણાવ્યા મુજબ, જો આગામી 72 કલાકમાં સંતોષકારક ખુલાસો નહીં મળે, તો રાજ્ય સરકારને લાયસન્સ રદ કરવા સહિતની કડક ભલામણ કરવામાં આવશે.

નિભાવ ગ્રાન્ટ અને રિકવરીનો પેચ

શિક્ષણાધિકારીએ સ્પષ્ટ કર્યું હતું કે, જે શાળાઓએ 'ફી વિકલ્પ' સ્વીકાર્યો છે, તેમને સરકાર તરફથી માત્ર પગારનું જ અનુદાન મળે છે, નિભાવ ગ્રાન્ટ મળતી નથી. આવી શાળાઓ પાસે જ્યારે ઓડિટમાં રિકવરી નીકળે છે, ત્યારે તેમની પાસે સરકારી તિજોરીમાં નાણાં જમા કરાવવા સિવાય બીજો કોઈ વિકલ્પ રહેતો નથી. જે શાળાઓ હજુ પણ નિભાવ ગ્રાન્ટ મેળવે છે, તેમની ગ્રાન્ટમાંથી કાપ મૂકીને વસૂલાત કરવામાં આવી રહી છે.

શિક્ષણ વિભાગની આ કડક કાર્યવાહી એ સંકેત આપે છે કે હવે સરકારી નાણાંનો દુરુપયોગ કરનાર કે હિસાબમાં પારદર્શિતા ન રાખનાર શાળાઓ સામે કોઈ પણ પ્રકારની નરમાશ રાખવામાં આવશે નહીં.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now