Home Gujarat Student Attack Surat Pandesarah School Ahmedabad Bapunagar Knife Attack

ગુજરાતમાં એક દિવસમાં સેવન્થ ડે સ્કૂલ જેવી 2 ઘટના : સુરત અને અમદાવાદમાં વિદ્યાર્થીઓ પર ધારદાર હથિયાર વડે હુમલા

ગુજરાતમાં એક દિવસમાં સેવન્થ ડે સ્કૂલ જેવી 2 ઘટના
Published by: OBS Bureau
Last Updated: Mar 16, 2026, 09:05 AM IST

ગુજરાતમાં વિદ્યાર્થીઓ વચ્ચે વધતી જતી હિંસાની ઘટનાઓ ચિંતાજનક બની રહી છે. તાજેતરમાં રાજ્યમાં સેવન્થ ડે સ્કૂલ જેવી 2 ઘટનાઓ સામે આવી છે. સુરત અને અમદાવાદમાં વિદ્યાર્થીઓ પર જીવલેણ હુમલાની બે અલગ-અલગ ઘટનાઓ સામે આવી છે. બંને કિસ્સાઓમાં સગીર વિદ્યાર્થી પર ધારદાર હથિયાર વડે હુમલો કરવામાં આવ્યો છે.

સુરતના પાંડેસરામાં ધોરણ 10ના વિદ્યાર્થી પર હુમલો

પાંડેસરા વિસ્તારમાં ગેલેક્સી આર્મી ઇન્ટરનેશનલ સ્કૂલ નજીક ધોરણ 10માં અભ્યાસ કરતા એક વિદ્યાર્થી પર જીવલેણ હુમલો કરવામાં આવ્યો હતો. 14 માર્ચે બનેલી આ ઘટનાએ સમગ્ર વિસ્તારમાં ચકચાર મચાવી દીધી હતી.

શાળાના ટ્રસ્ટી કૃણાલ શાહે જણાવ્યું હતું કે આ ઘટના શાળાની અંદર નહીં પરંતુ બહાર બની હતી. હાલ ઈજાગ્રસ્ત વિદ્યાર્થીની ધોરણ 10 ની બોર્ડ પરીક્ષા ચાલી રહી છે. જોકે હોસ્પિટલમાં હોવાથી તે પરીક્ષા આપી શકશે નહીં. સમગ્ર ઘટનાના સીસીટીવી ફૂટેજ પોલીસને સોંપવામાં આવ્યા છે. પ્રાથમિક તપાસ મુજબ હુમલો કરનાર યુવકો શાળાના વિદ્યાર્થીઓ નહીં પરંતુ અન્ય શાળાના હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે.

શાળા સંચાલન તરફથી પણ પોલીસમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે અને અસામાજિક તત્વો સામે કડક કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી છે.

અમદાવાદમાં સહાધ્યાયી પર છરી વડે હુમલો

બીજી ઘટના બાપુનગર વિસ્તારમાં સામે આવી છે, જ્યાં ધોરણ 11 માં અભ્યાસ કરતા સગીર વિદ્યાર્થીએ તેના જ સહાધ્યાયી પર છરી વડે હુમલો કર્યો હતો.

પ્રતીક્ષા માર્કેટ પાસે આવેલા એક ટ્યુશન ક્લાસમાં બેસવાની જગ્યા બાબતે બંને વચ્ચે તકરાર થઈ હતી. ક્લાસ પૂરો થયા બાદ ભોમિયા ડેરી પાસે ઉભેલા વિદ્યાર્થી પર આરોપીએ પેટના ડાબા ભાગે છરીનો ઘા મારી દીધો હતો. ઈજાગ્રસ્ત વિદ્યાર્થીને તાત્કાલિક રિક્ષા મારફતે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. પોલીસે આ મામલે ગુનો નોંધી આરોપી સગીરની અટકાયત કરી છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now