દિલ્હી વિધાનસભા કેમ્પસમાં સોમવારે બપોરે સુરક્ષામાં મોટી ચૂક સામે આવી છે, જેના કારણે સુરક્ષા વ્યવસ્થાઓ પર ગંભીર પ્રશ્નો ઊભા થયા છે. મળતી માહિતી મુજબ, બપોરે લગભગ 2 વાગ્યે યુપી નંબરની એક કાર VIP એન્ટ્રી માટેના ગેટ નંબર-2ની બેરિકેડિંગ તોડી અંદર ઘૂસી ગઈ હતી. કાર ચલાવનાર વ્યક્તિએ ચહેરા પર નકાબ પહેરેલો હતો, જેના કારણે તેની ઓળખ તાત્કાલિક થઈ શકી નથી.
વિધાનસભા સ્પીકર વિજેન્દ્ર ગુપ્તાની ઓફિસ તરફ ગઈ
અધિકારીઓના જણાવ્યા મુજબ, કાર સીધી વિધાનસભા સ્પીકર વિજેન્દ્ર ગુપ્તાની ઓફિસ તરફ પહોંચી હતી. ત્યાં ડ્રાઈવરે એક બૂકે મૂકીને તાત્કાલિક સ્થળ પરથી ફરાર થઈ ગયો હતો. આ ઘટના બાદ સમગ્ર વિધાનસભા પરિસરમાં હડકંપ મચી ગયો હતો.
ઘટનાની જાણ થતાં જ Delhi Police તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી અને તપાસ શરૂ કરી દીધી હતી. હાલ પોલીસ દ્વારા કાર અને આરોપીની શોધખોળ ચાલી રહી છે. સાથે જ સમગ્ર વિસ્તારમાં CCTV ફૂટેજની તપાસ કરીને આરોપીની ઓળખ મેળવવાના પ્રયાસો થઈ રહ્યા છે.
સુરક્ષા દૃષ્ટિએ ગેટ નંબર-2 પર Central Reserve Police Force (CRPF)ના જવાનોને તૈનાત કરવામાં આવ્યા છે, જેથી આવી ઘટના ફરી ન બને.
મળી હતી બોમ્બથી ઉડાવવાની ધમકી
ઉલ્લેખનીય છે કે, તાજેતરમાં જ વિધાનસભાને બોમ્બથી ઉડાવી દેવાની ધમકીઓ મળી હતી, જેના કારણે સુરક્ષા એજન્સીઓ પહેલેથી જ સતર્ક હતી. તેમ છતાં આવી ઘટના બનતા સુરક્ષા વ્યવસ્થામાં ખામી હોવાની ચર્ચા તેજ બની છે.
હાલમાં સમગ્ર મામલે ઊંડાણપૂર્વક તપાસ ચાલી રહી છે અને જવાબદાર વ્યક્તિ સુધી પહોંચવા માટે વિવિધ એજન્સીઓ સંકલિત રીતે કામ કરી રહી છે.





