Home Gujarat Dediyapada Harsh Sanghavi Rally Bjp Aap

ડેડીયાપાડામાં DyCM હર્ષ સંઘવીની જનસભા : સ્થાનિક ચૂંટણી માટે ભાજપનો જોરદાર પ્રચાર

હર્ષ સંઘવી
Published by: Chintan Chavda
Last Updated: Apr 20, 2026, 01:07 PM IST

આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને અનુલક્ષીને નર્મદા જિલ્લાના ડેડીયાપાડા, સાગબારા તથા ચીકદા વિસ્તારના જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતના ભાજપ ઉમેદવારોના પ્રચાર માટે ગુજરાત રાજ્યના માનનીય DyCM હર્ષ સંઘવી આજે ડેડીયાપાડાની મુલાકાતે આવ્યા હતા.

ડેડીયાપાડા વિધાનસભા વિસ્તારના પીઠા ગ્રાઉન્ડ ખાતે આયોજિત વિશાળ જનસભામાં તેમણે જનમેદનીને સંબોધી ભાજપના ઉમેદવારોને પ્રચંડ સમર્થન આપવા આહ્વાન કર્યું હતું. આ સભામાં નર્મદા લોકસભાના સાંસદ મનસુખ વસાવા તેમજ જિલ્લા ભાજપ પ્રમુખ નીલ રાવની વિશેષ ઉપસ્થિતિ રહી હતી.

આ જનસભામાં ડેડીયાપાડા વિધાનસભા વિસ્તારની કુલ 21 જિલ્લા પંચાયત તથા 49 તાલુકા પંચાયત બેઠકોના ભાજપ ઉમેદવારોના સમર્થનમાં પ્રચાર કરવામાં આવ્યો હતો.

AAP પર કડક પ્રહાર

ઉપમુખ્યમંત્રી હર્ષ સંઘવીએ પોતાના ઉદ્દબોધનમાં આમ આદમી પાર્ટી પર આકરા પ્રહાર કરતા જણાવ્યું હતું કે, “ઝાડુવાળા દિલ્હીથી કરોડો રૂપિયા લાવીને નર્મદા જિલ્લામાં મત ખરીદવાનો પ્રયાસ કરી રહ્યા છે. એક મતના 100-100 રૂપિયા આપવાના પ્રલોભનો આપવામાં આવી રહ્યા છે.”

તેમણે વધુમાં કહ્યું કે, “સુરતથી આવેલ કૌભાંડમાંથી ગામડાંમાં અશાંતિ ફેલાવવા માટે કરોડો રૂપિયાના હવાલા પડાયા હોવાનો ઘટસ્ફોટ થયો છે. નર્મદા જિલ્લામાં પણ આપવાળાઓ કરોડો રૂપિયા લઈને આવ્યા છે.”

ભાજપના વિકાસ કાર્યોનું વર્ણન

હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે ભાજપ સરકાર દ્વારા નર્મદા જિલ્લામાં વિકાસના અનેક કાર્યો કરવામાં આવ્યા છે. રસ્તા, શાળા, પીવાના પાણીની સુવિધા તેમજ મફત સારવાર જેવી લોકહિતકારી યોજનાઓ દ્વારા ભાજપ સતત જનસેવામાં કાર્યરત છે.

તેમણે કહ્યું કે, “ભાજપ વિકાસની રાજનીતિ કરે છે, જ્યારે અન્ય પક્ષો માત્ર ખોટા વાયદા અને ગેરમાર્ગે દોરવાની રાજનીતિ કરે છે.”

નર્મદા જિલ્લામાં 200 નવી બસો ફાળવાશે

સભામાં ઉપમુખ્યમંત્રી હર્ષ સંઘવીએ મહત્વપૂર્ણ જાહેરાત કરતા જણાવ્યું કે નર્મદા જિલ્લાના જનહિતમાં આગામી સમયમાં 200 નવી બસો ફાળવવામાં આવશે, જેથી ગ્રામ્ય વિસ્તારોના લોકો માટે પરિવહન સુવિધા વધુ સુદ્રઢ બને.

આપમાંથી રાજીનામું આપનાર આગેવાનો ભાજપમાં જોડાયા

આ જનસભા દરમિયાન આમ આદમી પાર્ટીમાંથી રાજીનામું આપનાર અનેક આગેવાનો ભાજપમાં જોડાયા. ડેડીયાપાડા તાલુકાના આપ અધ્યક્ષ રાજેન્દ્ર વસાવા, ચૈતર વસાવાના નિકટના ગણાતા જગદીશ વસાવા સહિત કુલ 15 નેતાઓએ હર્ષ સંઘવીના હસ્તે ભાજપમાં જોડાણ કર્યું હતું.

આ પ્રસંગે ઉપમુખ્યમંત્રીએ તમામ જોડાયેલા આગેવાનોનું ભાજપ પરિવારમાં સ્વાગત કરી જણાવ્યું કે “ભાજપ એ વિશ્વાસ, વિકાસ અને સંગઠનની પાર્ટી છે. લોકો હવે આપ અને કોંગ્રેસના ભ્રમજાળમાંથી બહાર આવી રહ્યા છે.

આ પણ વાંચો: "મોદીજીએ જ્ઞાતિવાદને નકારી વિકાસવાદને કેન્દ્રસ્થાને મૂક્યો" : ગીર સોમનાથમાં જગદીશ વિશ્વકર્માનું પ્રેરક સંબોધન

ડેડીયાપાડા પીઠા ગ્રાઉન્ડ ખાતે યોજાયેલી આ સભામાં મોટી સંખ્યામાં નાગરિકો, કાર્યકરો તથા ઉમેદવારો હાજર રહ્યા હતા. સમગ્ર કાર્યક્રમ દરમિયાન ભાજપના સમર્થકોમાં ઉત્સાહ અને ઉમંગ જોવા મળ્યો હતો.

અંતે ઉપમુખ્યમંત્રી હર્ષ સંઘવીએ તમામ મતદારોને ભાજપના ઉમેદવારોને મત આપી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ભાજપને ભવ્ય જીત અપાવવાની અપીલ કરી હતી.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now