Sabarkantha News: આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ પૂર્વે સાબરકાંઠા જિલ્લા રાજકારણમાં ગરમાવો આવી ગયો છે. પક્ષના સત્તાવાર ઉમેદવારો સામે બળવો કરીને અપક્ષ ઉમેદવારી નોંધાવનારા કાર્યકરો સામે ભાજપે લાલ આંખ કરી છે. શિસ્તભંગના પગલાં સ્વરૂપે જિલ્લા ભાજપ પ્રમુખ દ્વારા ઈડરના 9 અને હિંમતનગરના 1 મળી કુલ 10 આગેવાનોને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.
ઈડર નગરપાલિકામાં 'બળવો' ભારે પડ્યો
ઈડર નગરપાલિકાની ચૂંટણીમાં ભાજપે જાહેર કરેલા ઉમેદવારો સામે પક્ષના જ જૂના જોગીઓએ મોરચો માંડ્યો હતો. ઈડરના ત્રણ અલગ-અલગ વોર્ડમાં ૯ જેટલા પૂર્વ કોર્પોરેટરો અને આગેવાનોએ ભેગા મળીને અપક્ષ પેનલ રચી હતી. આ બાબતને પક્ષ વિરોધી પ્રવૃત્તિ ગણીને જિલ્લા ભાજપ સંગઠને કડક કાર્યવાહી કરી છે.
આ પણ વાંચો: ડેડીયાપાડામાં DyCM હર્ષ સંઘવીની જનસભા : સ્થાનિક ચૂંટણી માટે ભાજપનો જોરદાર પ્રચાર
જયસિંહ તંવર પર ગાજ
સસ્પેન્ડ કરાયેલા નેતાઓમાં ઈડર નગરપાલિકાના પૂર્વ પ્રમુખ જયસિંહ તંવરનો પણ સમાવેશ થાય છે. તેમના જેવા કદાવર નેતા સામેના આ પગલાથી રાજકીય આલમમાં ચર્ચાઓ જાગી છે. ઈડરના ત્રણ વોર્ડમાં પક્ષના શિસ્તને નેવે મૂકીને નવ જણાએ અપક્ષ તરીકે ફોર્મ ભર્યા હતા.
આ પણ વાંચો: મહિલા આરક્ષણ બિલ મુદ્દે ભાજપ આક્રમક : 'કોંગ્રેસે મહિલાઓના સપના ચકનાચૂર કર્યા': દર્શનાબેન વાઘેલા
હિંમતનગરમાં પણ કાર્યવાહી
માત્ર ઈડર જ નહીં, પરંતુ જિલ્લા મથક હિંમતનગરમાં પણ ભાજપ શિસ્તના આગ્રહી દેખાયા છે. હિંમતનગરમાં પક્ષના આદેશ વિરુદ્ધ જઈને અપક્ષ ઉમેદવારી કરનાર એક કાર્યકરને પણ સસ્પેન્ડ કરવામાં આવ્યો છે. ભાજપે સ્પષ્ટ સંકેત આપ્યો છે કે પક્ષમાં શિસ્ત સર્વોપરી છે. સત્તાવાર ઉમેદવાર સામે પડકાર ફેંકનારા કોઈપણ કાર્યકર કે નેતાને સાંખી લેવામાં આવશે નહીં.





