Ahmedabad News: મહિલા આરક્ષણ બિલ અને રાજકારણમાં મહિલાઓની ભાગીદારી મુદ્દે રાજ્યના મંત્રી દર્શનાબેન વાઘેલા અને ચૂંટણી સંયોજક ગોરધનભાઈ ઝડફિયાએ કોંગ્રેસ પર આકરા પ્રહારો કર્યા છે. તેમણે કોંગ્રેસની નીતિઓને મહિલા વિરોધી ગણાવી વંશવાદના રાજકારણ પર નિશાન સાધ્યું હતું.
'કોંગ્રેસમાં માત્ર પરિવારવાદ, ભાજપમાં દરેકને તક'
રાજ્ય મંત્રી દર્શનાબેન વાઘેલાએ જણાવ્યું હતું કે, જ્યારે સંસદમાં મહિલા આરક્ષણ બિલ પર ચર્ચા ચાલતી હતી, ત્યારે સમગ્ર દેશની મહિલાઓની નજર ત્યાં ટકેલી હતી. તેમણે કોંગ્રેસ પર નિશાન સાધતા કહ્યું કોંગ્રેસમાં માત્ર પરિવારવાદ ચાલે છે. ઇન્દિરા ગાંધી બાદ સોનિયા ગાંધી અને હવે પ્રિયંકા ગાંધી આવ્યા છે. પ્રિયંકા ગાંધીનો દેશ માટે શું રોલ છે? તેઓ માત્ર ગાંધી પરિવારના હોવાથી સાંસદ બન્યા છે. તેની સામે NDA સરકારમાં દરેક સામાન્ય વ્યક્તિને આગળ વધવાની તક મળે છે.
સરકાર જ્યારે પણ કોઈ સારું બિલ લાવે છે, ત્યારે કોંગ્રેસ હંમેશા વિરોધ જ કરે છે. પછી તે રામ મંદિર હોય કે તીન તલાક વિરોધી કાયદો. નરેન્દ્ર ભાઈની સરકારે દરેક સમાજની મહિલાને સન્માન આપવાનો પ્રયત્ન કર્યો છે. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ જેવી પાયાની વ્યક્તિનું પણ કોંગ્રેસીઓએ અપમાન કર્યું છે. દર્શનાબેને વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે, "એક સમય ચોક્કસ આવશે કે આ બિલ પાસ થશે અને મહિલાઓ રાજનીતિમાં મોટું પ્રતિનિધિત્વ કરશે."
ગોરધન ઝડફિયા: 'બંધારણ અને ઇતિહાસમાં મહિલાઓનું મહત્વ, પણ કોંગ્રેસમાં કેમ નહીં?'
ચૂંટણી સંયોજક ગોરધનભાઈ ઝડફિયાએ પણ કોંગ્રેસની મથામણ પર સવાલો ઉઠાવ્યા હતા. તેમણે જણાવ્યું હતું કે આપણા સાહિત્ય અને ઇતિહાસમાં હંમેશા મહિલાઓને પ્રાધાન્ય આપવામાં આવ્યું છે. ખુદ બાબા સાહેબ આંબેડકરે પણ બંધારણમાં મહિલાઓને અનામત આપવાની હિમાયત કરી હતી. મહિલાઓને આશા હતી કે આ બિલ પાસ થવાથી આગામી ચૂંટણીઓમાં તેમનું 50 ટકા પ્રતિનિધિત્વ સુનિશ્ચિત થશે. કોંગ્રેસ અત્યારે 2023ના બિલની વાતો કરી રહી છે, પણ જ્યારે સત્તામાં હતા ત્યારે શું બગડી ગયું હતું? ત્રણ-ત્રણ વર્ષ સુધી જૂના નિર્ણયો કેમ બદલી નાખવામાં આવ્યા?
ભાજપના નેતાઓએ સ્પષ્ટ કર્યું કે દેશની બહેનોએ ભૂતકાળમાં ઘણી યાતનાઓ સહન કરી છે અને કોંગ્રેસના વલણથી તેઓ હતાશ થઈ છે. હવે સમય બદલાયો છે અને મહિલાઓ પોતાના હકની લડાઈમાં ભાજપ સરકાર સાથે અડીખમ ઉભી છે.





