અમદાવાદના વ્યસ્ત વિસ્તારોમાં વધતા ટ્રાફિક અને બેદરકારી પૂર્વક ડ્રાઈવિંગ વચ્ચે વધુ એક ગંભીર અકસ્માત સામે આવ્યો છે. અમદાવાદનાં નિકોલ વિસ્તારમાં એક BMW કારે રિક્ષાને ટક્કર મારતા ભયજનક દૃશ્યો સર્જાયા હતા. ટક્કર એટલી ભયંકર હતી કે રિક્ષા રસ્તા પરથી ઉછળી ગઈ અને આસપાસના લોકોમાં અફરાતફરી મચી ગઈ. અકસ્માત બાદ લોકો તરત જ ઘટનાસ્થળે ભેગા થયા અને ઈજાગ્રસ્તોને બહાર કાઢવાનો પ્રયાસ કર્યો હતો.
કાર ચાલકે ગુમાવ્યો કાબૂ
અમદાવાદના નિકોલ વિસ્તારમાં BMW કાર અચાનક બેકાબૂ થઈ ગઈ હતી. કારની સ્પીડ વધુ હોવાથી કાર ચાલક કારને કાબૂ કરી શક્યો ન હતો અને રસ્તા પર ચાલી રહેલી રિક્ષાને જોરદાર ટક્કર મારી હતી. આ અકસ્માતમાં રિક્ષામાં બેઠેલા મુસાફરો ગંભીર રીતા ઈજાગ્રસ્ત થતાં તેમને નજીકની હોસ્પિટલમાં લઈ જવાયા છે.
સ્થાનિકોએ જણાવ્યું કે, અકસ્માત એટલો અચાનક થયો કે કોઈને સમજવાની તક જ ના મળી. આ ઘટનાથી વિસ્તારના લોકોમાં ભય અને રોષનો માહોલ સર્જાયો.
કાર ચાલક પર ઉઠ્યા સવાલો
અકસ્માત બાદ BMW કારના ડ્રાઈવર પર અનેક સવાલો ઊભા થયા છે. અકસ્માત સર્જી કાર સાલક નાશી છૂટ્યો છે જેથી કેટલાક લોકોનું અનુમાન છે કે ચાલક નશામાં કાર ચલાવી રહ્યો હશે. પોલીસે કારને કબજે લઈ આગળની કાર્યવાહી હાથ ધરી છે. નજીકના CCTV ફૂટેજ પણ તપાસવામાં આવી રહ્યાં છે.
આ પણ વાંચો: જમ્મુ-કાશ્મીરમાં ભયાનક બસ અકસ્માત : 15થી વધુ લોકોના મોત, અનેક ઘાયલ
શહેરમાં વધતા અકસ્માતો ચિંતાજનક
અમદાવાદમાં છેલ્લા કેટલાક સમયમાં રોડ અકસ્માતોની સંખ્યા વધી છે. ખાસ કરીને લક્ઝુરિયર્સ કારનાં અકસ્માતોની સંખ્યા વધી છે. મોટા ભાગનાં કિસ્સાઓમાં નશાની હાલતમાં કાર ચલાવામાં આવતી હોવાનું સામે આવ્યું છે. ટ્રાફિક નિયમોનું પાલન ન થવું, ઝડપ પર નિયંત્રણનો અભાવ અને બેદરકારી. આ તમામ કારણો આવી ઘટનાઓ માટે જવાબદાર છે. નિકોલની આ ઘટના પણ એ જ ચક્રનો એક ભાગ છે.
હાલતો પોલીસે આ કેસમાં પ્રાથમિક ગુનો નોંધ્યો છે. જો તપાસમાં બેદરકારી અથવા નશામાં ડ્રાઈવિંગ સાબિત થશે તો કડક પગલાં લેવામાં આવશે. અધિકારીઓએ જણાવ્યું છે કે આવા કેસોમાં કડક કાર્યવાહીથી જ રોડ સલામતીમાં સુધારો શક્ય છે. સાથે જ લોકોને પણ સાવચેત રહેવા અને ટ્રાફિક નિયમોનું પાલન કરવા અપીલ કરાઈ છે.





