Dubai Flight Ban: અમેરિકા અને ઈરાન વચ્ચે વધી રહેલા ભૌગોલિક-રાજકીય તણાવની સીધી અસર હવે હવાઈ મુસાફરી પર જોવા મળી રહી છે. દુબઈ એરપોર્ટ ઓથોરિટીએ એકાએક વિદેશી એરલાઈન્સ માટે ફ્લાઈટના સંચાલન અંગે નવા નિયમો જાહેર કર્યા છે. આ નિર્ણય મુજબ, હવે વિદેશી એરલાઈન્સ 31 મે સુધી દરરોજ માત્ર એક જ ફ્લાઈટ ઉડાવી શકશે. દુબઈના આ પગલાથી ભારતીય એરલાઈન્સ કંપનીઓને કરોડો રૂપિયાનું નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી છે, કારણ કે, ભારત માટે દુબઈ એ સૌથી વ્યસ્ત અને મોટું ઇન્ટરનેશનલ માર્કેટ છે.
વર્ષ 2025ના આંકડા મુજબ, આશરે 1.19 કરોડ ભારતીયોએ દુબઈની મુસાફરી કરી હતી. એવામાં અચાનક લાદવામાં આવેલા આ પ્રતિબંધોને કારણે હજારો મુસાફરોની ટિકિટ કેન્સલ થવાની અને ભાડામાં તોતિંગ વધારો થવાની શક્યતા છે. ભારતીય એરલાઈન્સ કંપનીઓએ આ મામલે કેન્દ્ર સરકાર પાસે દખલગીરી કરવાની માંગ કરી છે.
શું છે દુબઈનો ‘વન રોટેશન પર ડે’ નિયમ?
દુબઈ એરપોર્ટે એરલાઈન્સ કંપનીઓને મોકલેલા સત્તાવાર ઈમેલ મુજબ, ઈરાન સંકટ અને સુરક્ષાના કારણોસર 20 એપ્રિલથી 31 મે સુધી ‘વન રોટેશન પર ડે’ નિયમ લાગુ કરવામાં આવ્યો છે. આનો અર્થ એ છે કે કોઈપણ વિદેશી એરલાઈન દિવસમાં માત્ર એક જ વાર દુબઈ એરપોર્ટ પર ઉતરાણ કરી શકશે અને ત્યાંથી પરત ફરી શકશે. અગાઉ ઘણી ભારતીય એરલાઈન્સ દિવસમાં 10 થી 15 ફ્લાઈટોનું સંચાલન કરતી હતી, જે હવે ઘટીને માત્ર એક પર આવી જશે.
આ પણ વાંચો: મુંબઈના મીરા-ભાયંદર ઝૂંપડપટ્ટીમાં ભયાનક આગ : 3નાં મોત, સિલિન્ડર વિસ્ફોટથી તબાહી
ભારતીય એરલાઈન્સને મોટું આર્થિક નુકસાન
ભારતની અગ્રણી એરલાઈન્સ જેવી કે એર ઈન્ડિયા એક્સપ્રેસ અને ઈન્ડિગોએ એપ્રિલ અને મે મહિના માટે મોટાપાયે બુકિંગ કરી લીધું છે.
એર ઈન્ડિયા એક્સપ્રેસ: એપ્રિલ-મેમાં 750 થી વધુ ફ્લાઈટોનું શેડ્યૂલ નક્કી કર્યું હતું.
ઈન્ડિગો: અંદાજે 481 ફ્લાઈટો ચલાવવાની યોજના હતી. હવે આ નિયમ બાદ એરલાઈન્સે તેમની સેંકડો ફ્લાઈટો રદ કરવી પડશે, જેના કારણે રિફંડ અને વિમાનો ખાલી રહેવાને લીધે ભારે ખોટ જશે. ઈન્ડિગોના જણાવ્યા મુજબ, દિલ્હી-દુબઈ રૂટ પર તેઓ દૈનિક 15 ફ્લાઈટ ચલાવતા હતા, જે હવે મહિનાની માત્ર 30-31 ફ્લાઈટ સુધી મર્યાદિત થઈ જશે.
ભેદભાવનો આક્ષેપ: માત્ર વિદેશી કંપનીઓ પર જ કેમ પ્રતિબંધ?
આ વિવાદનું મુખ્ય કારણ એ છે કે દુબઈએ આ પ્રતિબંધ માત્ર વિદેશી એરલાઈન્સ પર જ લાદ્યો છે. દુબઈની પોતાની સરકારી એરલાઈન્સ જેવી કે Emirates અને flydubai પર કોઈ મર્યાદા નથી. તેઓ હજુ પણ તેમની પૂર્ણ ક્ષમતા સાથે ભારત અને અન્ય દેશોમાં ફ્લાઈટો ઉડાવી રહ્યા છે. ભારતીય એરલાઈન્સ સંગઠનોએ આને અસમાન અને પક્ષપાતી નિર્ણય ગણાવ્યો છે.
FIA એ કેન્દ્ર સરકાર પાસે કરી કડક કાર્યવાહીની માંગ
ભારતીય એરલાઈન્સના સંગઠન ફેડરેશન ઓફ ઈન્ડિયન એરલાઈન્સ (FIA) એ આ મુદ્દે કેન્દ્ર સરકારને પત્ર લખીને દરમિયાનગીરી કરવા વિનંતી કરી છે. FIA ની માંગ છે કે જો દુબઈ આ પક્ષપાતી નિયમ પાછો ન ખેંચે, તો ભારતે પણ વળતી કાર્યવાહી (Reciprocity) કરવી જોઈએ. એટલે કે, ભારતમાં આવતી દુબઈની એરલાઈન્સ (Emirates અને flydubai) પર પણ સમાન પ્રતિબંધો લાદવા જોઈએ જેથી ભારતીય કંપનીઓના હિતોનું રક્ષણ થઈ શકે.





