Home Gujarat Datar Lion Attack Gujarat Government New Safety Measures Drone Surveillance Silent Zone

જૂનાગઢમાં સિંહના હુમલા બાદ સરકારનો મોટો નિર્ણય : હવે ડ્રોન નજરથી લઈને કાયમી ચેકપોસ્ટ સુધી કડક એક્શન, વનમંત્રી અર્જુન મોઢવાડિયાએ જાહેર કર્યો માસ્ટર પ્લાન

Datar Lion Attack
Published by: Nirali Gohil
Last Updated: Jul 13, 2026, 12:06 PM IST

Datar Lion Attack: જૂનાગઢ નજીક આવેલા દાતાર પર્વત વિસ્તારમાં એક બાળક પર સિંહના હુમલાની ઘટનાએ સમગ્ર રાજ્યનું ધ્યાન ખેંચ્યું છે. આ ઘટનાને સરકાર દ્વારા અત્યંત ગંભીરતાથી લેવામાં આવી છે. મુખ્યમંત્રીના માર્ગદર્શન હેઠળ વન વિભાગના ઉચ્ચ અધિકારીઓ સાથે તાત્કાલિક બેઠક યોજાઈ હતી, જેમાં ભવિષ્યમાં આવી ઘટના ફરી ન બને તે માટે અનેક મહત્વપૂર્ણ નિર્ણયો લેવામાં આવ્યા છે. વનમંત્રી અર્જુન મોઢવાડિયાએ જણાવ્યું કે યાત્રાળુઓની સુરક્ષા, જંગલ વિસ્તારમાં માનવ-વન્યજીવ અથડામણ અટકાવવી અને વન્યજીવોની સુરક્ષા – ત્રણેય બાબતોને ધ્યાનમાં રાખીને નવી કામગીરી શરૂ કરવામાં આવશે. વન વિભાગના જણાવ્યા મુજબ, દાતાર વિસ્તારમાં હવે સુરક્ષા વ્યવસ્થાને વધુ મજબૂત બનાવવામાં આવશે. ટેક્નોલોજીનો વધુ ઉપયોગ, ફિલ્ડ સ્ટાફમાં વધારો અને સંવેદનશીલ વિસ્તારોમાં સતત દેખરેખ જેવી વ્યવસ્થાઓ અમલમાં મૂકવામાં આવશે. સરકારનું સ્પષ્ટ માનવું છે કે ધાર્મિક સ્થળે આવતા યાત્રાળુઓની સલામતી સાથે વન્યજીવોનું કુદરતી રહેઠાણ પણ સુરક્ષિત રહે તે માટે સંતુલિત આયોજન જરૂરી છે.

મુખ્યમંત્રીની બેઠક બાદ વન વિભાગે તૈયાર કર્યો એક્શન પ્લાન

વનમંત્રી અર્જુન મોઢવાડિયાએ જણાવ્યું કે, ઘટના બાદ મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં ઉચ્ચ અધિકારીઓ સાથે બેઠક યોજાઈ હતી. ત્યારબાદ આજે ફિલ્ડ અધિકારીઓ સાથે પણ વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી. બેઠકમાં સ્થળ પરની સ્થિતિનું મૂલ્યાંકન કરીને સુરક્ષા વ્યવસ્થામાં ક્યાં સુધારો જરૂરી છે તેની સમીક્ષા કરવામાં આવી. તેમણે જણાવ્યું કે, આગામી સમયમાં દાતાર વિસ્તારમાં સુરક્ષા માટે અનેક નવા પગલાં અમલમાં મૂકવામાં આવશે જેથી યાત્રાળુઓ વધુ સુરક્ષિત રીતે દર્શન કરી શકે.

દાતારની સીડી વિસ્તારમાં રહેશે વન સુરક્ષા ગાર્ડ

દાતાર પર્વત તરફ જતાં સીડી માર્ગ પર હવે વન સુરક્ષા ગાર્ડની કાયમી તૈનાતી કરવામાં આવશે. યાત્રાળુઓની અવરજવર દરમિયાન સતત દેખરેખ રાખવામાં આવશે જેથી કોઈપણ જોખમી પરિસ્થિતિ સર્જાય તો તાત્કાલિક કાર્યવાહી કરી શકાય. વન વિભાગનું માનવું છે કે, માનવ અને સિંહ વચ્ચેનું અંતર જાળવવું અને સમયસર ચેતવણી આપવી સૌથી મહત્વપૂર્ણ છે.

આ પણ વાંચો: ગિરનારમાં સિંહના હુમલામાં જીવ ગુમાવનાર 12 વર્ષના માસૂમની અંતિમ વિદાય : હિબકે ચડ્યું મોદજ ગામ

સંવેદનશીલ વિસ્તારોમાં બનશે કાયમી ચેકપોસ્ટ

વન વિભાગે દાતારના સંવેદનશીલ વિસ્તારોમાં કાયમી ચેકપોસ્ટ સ્થાપિત કરવાનો નિર્ણય લીધો છે. આ ચેકપોસ્ટ મારફતે યાત્રાળુઓની અવરજવર પર નજર રાખવામાં આવશે તેમજ જરૂરી સૂચનાઓ આપવામાં આવશે. આ ઉપરાંત જોખમી વિસ્તારોમાં પ્રવેશ અંગે માર્ગદર્શન અને નિયંત્રણ માટે પણ નવી વ્યવસ્થા ઊભી કરવામાં આવશે.

યાત્રાળુઓ માટે તૈયાર થશે નવી SOP

દાતાર ખાતે આવતા હજારો શ્રદ્ધાળુઓની સુરક્ષા માટે હવે વિશેષ સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રોસિજર (SOP) તૈયાર કરવામાં આવશે. આ SOPમાં કયા સમયે યાત્રા કરવી, કયા વિસ્તારોમાં ન જવું, વન્યજીવ દેખાય તો શું કરવું અને કઈ બાબતોનું પાલન કરવું તેની સ્પષ્ટ માર્ગદર્શિકા આપવામાં આવશે.

દાતાર વિસ્તારને જાહેર કરાશે 'સાયલેન્ટ ઝોન'

વનમંત્રીના જણાવ્યા અનુસાર દાતારના જંગલ વિસ્તારને કાયમી સાયલેન્ટ ઝોન જાહેર કરવાની પ્રક્રિયા હાથ ધરાશે. મોટા અવાજ, લાઉડસ્પીકર અથવા અન્ય અવાજથી વન્યજીવો ઉશ્કેરાય નહીં અને તેમનું કુદરતી વર્તન જળવાઈ રહે તે માટે આ નિર્ણય મહત્વપૂર્ણ માનવામાં આવી રહ્યો છે.

ડ્રોનથી થશે સતત દેખરેખ

આધુનિક ટેક્નોલોજીના ઉપયોગને પ્રોત્સાહન આપતાં દાતારના સમગ્ર જંગલ વિસ્તાર પર હવે ડ્રોન મારફતે સતત નજર રાખવામાં આવશે. ડ્રોન સર્વેલન્સ દ્વારા સિંહોની હિલચાલ, યાત્રાળુઓની અવરજવર અને સંવેદનશીલ વિસ્તારોની સ્થિતિ પર વાસ્તવિક સમયની માહિતી મેળવી શકાશે, જેથી જોખમ ઉભું થાય તે પહેલાં જ યોગ્ય પગલાં લઈ શકાય.

આ પણ વાંચો: ગિરનાર પર ગોઝારી ઘટના : 50માં પગથિયેથી સિંહે 11 વર્ષના બાળકને ઉપાડ્યું, પ્રવાસીઓ માટે ગિરનાર અનિશ્ચિતકાળ માટે બંધ

ટ્રેકર્સ અને સ્ટાફની સંખ્યામાં થશે વધારો

વન વિભાગે ટ્રેકર્સની સંખ્યા વધારવાનો પણ નિર્ણય લીધો છે. ઉપરાંત લાંબા સમયથી ખાલી પડેલી બીટ ગાર્ડની જગ્યાઓ ભરવા માટે ભરતી પ્રક્રિયા પણ શરૂ કરવામાં આવશે. વનમંત્રીના જણાવ્યા મુજબ, મેદાનમાં વધુ માનવબળ ઉપલબ્ધ રહેશે તો વન્યજીવોની દેખરેખ વધુ અસરકારક રીતે કરી શકાશે.

વન્યજીવોની પજવણી સામે ઝીરો ટોલરન્સની નીતિ

વનમંત્રીએ દાતાર સિવાયના વિસ્તારોમાં પણ કેટલાક પ્રવાસીઓ દ્વારા સિંહો અને અન્ય વન્યજીવોને હેરાન કરવામાં આવતા વીડિયો સામે આવ્યા હોવાનું જણાવ્યું. તેમણે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે,વન્યજીવોની પજવણી, તેમને ઉશ્કેરવા અથવા તેમની નજીક જઈ જોખમ ઊભું કરવાના કોઈપણ કૃત્ય સામે 'ઝીરો ટોલરન્સ પોલિસી' અપનાવવામાં આવશે. આવા કિસ્સાઓમાં કાયદા મુજબ કડક કાર્યવાહી કરવામાં આવશે અને કોઈને પણ બક્ષવામાં આવશે નહીં.

સુરક્ષા અને સંરક્ષણ બંને પર સરકારનો ભાર

વન વિભાગનું કહેવું છે કે, દાતાર જેવી ધાર્મિક અને જંગલ વિસ્તાર ધરાવતી જગ્યાઓ પર યાત્રાળુઓની સુરક્ષા અને વન્યજીવોનું સંરક્ષણ બંને સમાન રીતે મહત્વપૂર્ણ છે. સરકાર દ્વારા લેવામાં આવેલા નવા નિર્ણયોનો હેતુ માત્ર અકસ્માતો અટકાવવાનો નથી, પરંતુ માનવ અને વન્યજીવ વચ્ચે સંતુલન જાળવીને સુરક્ષિત વાતાવરણ ઊભું કરવાનો પણ છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now