Home Gujarat Girnar Lion Attack Mayur Chauhan Final Journey Modaj Kheda

ગિરનારમાં સિંહના હુમલામાં જીવ ગુમાવનાર 12 વર્ષના માસૂમની અંતિમ વિદાય : હિબકે ચડ્યું મોદજ ગામ

બાળક મયુરસિંહના અંતિમ યાત્રાના દ્રશ્યો
Image Credit: OBS Bureau
Published by: Niraj Chokshi
Last Updated: Jul 12, 2026, 07:32 AM IST

ગુજરાતના પ્રસિદ્ધ યાત્રાધામ ગિરનારમાં સિંહના હુમલામાં જીવ ગુમાવનાર ખેડા જિલ્લાના મહેમદાવાદ તાલુકાના મોદજ ગામના 12 વર્ષીય મયુરસિંહ ચૌહાણને આજે ગમગીન વાતાવરણ વચ્ચે અંતિમ વિદાય આપવામાં આવી હતી. સવારે આશરે 10 વાગ્યે ગામમાંથી તેની અંતિમયાત્રા નીકળતા સમગ્ર વિસ્તાર શોકમાં ગરકાવ થઈ ગયો હતો. મોટી સંખ્યામાં ગ્રામજનો, સ્નેહીજનો અને સ્વજનો અંતિમ દર્શન માટે ઉમટી પડ્યા હતા. માસૂમ બાળકના અકાળે અવસાનથી સમગ્ર ગામમાં આક્રંદનો માહોલ જોવા મળ્યો હતો.

ગત રાત્રે મયુરનો પાર્થિવ દેહ ગિરનારથી તેના વતન મોદજ ગામ લાવવામાં આવ્યો હતો. રાતભર પરિવારજનો અને ગામલોકો શોકમાં ડૂબેલા રહ્યા હતા. આજે સવારે અંતિમયાત્રા દરમિયાન માતા-પિતા સહિત પરિવારજનોના કરુણ આક્રંદથી દરેકની આંખો ભીની થઈ ગઈ હતી. એકના એક લાડકવાયા દીકરાને ગુમાવવાના દુઃખથી પરિવાર પર આભ તૂટી પડ્યું હોય તેવી સ્થિતિ સર્જાઈ હતી.

પ્રવાસ દરમિયાન બની હતી દુર્ઘટના

પ્રાપ્ત માહિતી મુજબ, મોદજ ગામમાંથી આશરે 40 લોકોનો એક જૂથ સૌરાષ્ટ્ર પ્રવાસે ગયો હતો. આ પ્રવાસમાં મયુર પોતાના પરિવાર સાથે જોડાયો હતો. ગિરનાર વિસ્તારમાં પ્રવાસ દરમિયાન અચાનક સિંહના હુમલામાં મયુરસિંહનું મોત થયું હતું. આ ઘટનાએ સમગ્ર રાજ્યને હચમચાવી દીધું છે. ગિરનાર જેવા પ્રવાસન અને ધાર્મિક સ્થળે બનેલી આ ઘટનાને લઈને લોકોમાં પણ અનેક સવાલો ઉભા થયા છે.

મયુર ધોરણ-5માં અભ્યાસ કરતો હતો અને પરિવારનો એકમાત્ર દીકરો હોવાનું જાણવા મળે છે. થોડા સમય પહેલાં સુધી પરિવાર સાથે આનંદથી પ્રવાસ માણી રહેલો બાળક પળવારમાં મોતને ભેટતા સમગ્ર

ગામ શોકમાં ગરકાવ થઈ ગયું છે.

આ પણ વાંચો: ઉનાના પાણખણ ગામે સિંહબાળનું મોત : ઇનફાઇટની આશંકા વચ્ચે વન વિભાગે શરૂ કરી સઘન તપાસ

ધારાસભ્ય અર્જુનસિંહ ચૌહાણે પરિવારને આપી સાંત્વના

મયુરસિંહની અંતિમયાત્રામાં મહેમદાવાદના ધારાસભ્ય અર્જુનસિંહ ચૌહાણ પણ હાજર રહ્યા હતા. તેમણે શોકગ્રસ્ત પરિવારને સાંત્વના પાઠવી હતી અને મયુરને ભાવભીની શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી.

ધારાસભ્યએ જણાવ્યું કે આ અત્યંત દુઃખદ અને દુર્ભાગ્યપૂર્ણ ઘટના છે. પીડિત પરિવારને સરકાર તરફથી યોગ્ય નાણાકીય સહાય મળે તે માટે રાજ્ય સરકાર સમક્ષ ભલામણ કરવામાં આવશે. તેમણે પરિવારને શક્ય તમામ મદદની ખાતરી પણ આપી હતી.

પરિવાર અને ગ્રામજનોમાં રોષ

આ દુર્ઘટના બાદ પરિવારજનો અને ગામલોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. તેઓએ જવાબદારો સામે કડક કાર્યવાહી કરવાની માંગ ઉઠાવી છે. પરિવારનું કહેવું છે કે પ્રવાસીઓની સુરક્ષા માટે પૂરતી વ્યવસ્થા અને તકેદારી રાખવામાં આવી હોત તો કદાચ આ ઘટના ટાળી શકાઈ હોત.

ગ્રામજનોએ પણ સરકાર અને વન વિભાગ પાસે સમગ્ર ઘટનાની નિષ્પક્ષ તપાસ કરવાની માંગ કરી છે. સાથે જ ભવિષ્યમાં આવી દુર્ઘટનાઓ ન બને તે માટે ગિરનાર અને અન્ય વન્યજીવ વિસ્તારોમાં પ્રવાસીઓની સુરક્ષા વધુ મજબૂત બનાવવાની માંગ પણ કરવામાં આવી છે.

આ પણ વાંચો: છોટાઉદેપુરમાં શંકરાચાર્યની ઉપસ્થિતિમાં યોજાયો 'ઘરવાપસી' કાર્યક્રમ : 25 લોકો ખ્રિસ્તી ધર્મ છોડી મૂળ સનાતન ધર્મમાં પરત ફર્યા

સુરક્ષા વ્યવસ્થાને લઈને ઉઠ્યા સવાલ

ગિરનાર અને તેની આસપાસનો વિસ્તાર એશિયાઈ સિંહોના વસવાટ માટે ઓળખાય છે. દર વર્ષે લાખો પ્રવાસીઓ અને શ્રદ્ધાળુઓ અહીં આવે છે. આવી સ્થિતિમાં પ્રવાસીઓની સુરક્ષા માટે પૂરતી વ્યવસ્થા હતી કે નહીં, ચેતવણીના બોર્ડ, સુરક્ષા સ્ટાફ અને માર્ગદર્શન પૂરતું હતું કે નહીં જેવા મુદ્દાઓ ફરી ચર્ચાના કેન્દ્રમાં આવ્યા છે. વન્યજીવ વિસ્તારોમાં માનવ અને જંગલી પ્રાણીઓ વચ્ચેનું અંતર જળવાઈ રહે તે માટે કડક માર્ગદર્શિકાનું પાલન કરાવવું જરૂરી હોવાનું નિષ્ણાતો પણ માને છે.

સમગ્ર રાજ્યમાં શોકની લાગણી

માસૂમ મયુરના અવસાનના સમાચાર સામે આવ્યા બાદ સમગ્ર રાજ્યમાં શોકની લાગણી પ્રસરી ગઈ છે. સોશિયલ મીડિયા પર પણ લોકો બાળકને શ્રદ્ધાંજલિ આપી રહ્યા છે અને પરિવારને હિંમત મળે તેવી પ્રાર્થના કરી રહ્યા છે. મોદજ ગામમાં આજે દરેક આંખ ભીની હતી. એક હસતો-રમતો બાળક હવે માત્ર યાદોમાં જ રહી ગયો છે. પરિવારને ન્યાય મળે અને આવી દુર્ઘટના ફરી ક્યારેય ન બને તે માટે લોકો સરકાર અને તંત્ર પાસેથી અસરકારક પગલાંની અપેક્ષા રાખી રહ્યા છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now