છોટાઉદેપુર જિલ્લાના સંખેડા તાલુકામાં આવેલા વાસણા ગામ ખાતે એક ભવ્ય અને આધ્યાત્મિક કાર્યક્રમ અંતર્ગત ૨૫ જેટલા લોકોની સનાતન ધર્મમાં 'ઘરવાપસી' કરાવવામાં આવી છે. દ્વારકા શારદાપીઠના જગદગુરુ શંકરાચાર્ય સ્વામી સદાનંદ સરસ્વતી મહારાજની ગરિમામય ઉપસ્થિતિમાં આ તમામ લોકોને હિન્દુ ધર્મમાં પરત લાવવામાં આવ્યા હતા. આ લોકોએ અગાઉ વિવિધ કારણોસર ખ્રિસ્તી ધર્મ અપનાવી લીધો હતો.
આ 'ઘરવાપસી'નો વિશેષ કાર્યક્રમ વાસણા ખાતે નવનિર્મિત ‘શ્રી આનંદ વર્ધન આશ્રમ’ના ઉદ્ઘાટન પ્રસંગે યોજાયો હતો. આશ્રમના ઉદ્ઘાટનની સાથે જ ધાર્મિક વિધિપૂર્વક શુદ્ધિકરણ પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી.
આ પણ વાંચો: 'સિંહ દેખો ત્યાં તેને પકડો, 30 જેટલા સિંહોને પાંજરે પૂર્યા' : વન વિભાગ પર અમરેલીથી સિંહ પ્રેમીઓના ગંભીર આક્ષેપ
પ્રલોભનો અને અજ્ઞાનતાને કારણે થયું હતું ધર્મ પરિવર્તન
છોટાઉદેપુર જિલ્લો મુખ્યત્વે આદિવાસી બહુલ વસ્તી ધરાવતો વિસ્તાર છે. સ્થાનિક સ્તરે એવું જણાવાયું હતું કે, ખ્રિસ્તી મિશનરીઓ દ્વારા આ વિસ્તારના ભોળા અને આર્થિક રીતે નબળા લોકોને વિવિધ લોભ-લાલચ આપીને, ભોળવીને અથવા તો તેમની અજ્ઞાનતાનો લાભ ઉઠાવીને ધર્મ પરિવર્તન કરાવવામાં આવતું હોય છે. આ જ રીતે મૂળ ધર્મથી વિમુખ થયેલા ૨૫ લોકોને સત્ય સમજાતાં તેઓએ સ્વેચ્છાએ પોતાના મૂળ ધર્મમાં પાછા ફરવાનો નિર્ણય કર્યો હતો.
'સુધર્મા નયન' વિધિ દ્વારા મૂળ ધર્મમાં વાપસી
કાર્યક્રમ દરમિયાન, પરત ફરેલા તમામ ૨૫ શ્રદ્ધાળુઓને શાસ્ત્રોક્ત વિધિ અનુસાર અને શ્રીરામ મંત્રની દીક્ષા આપીને સનાતન ધર્મમાં સન્માનભેર પાછા લાવવામાં આવ્યા હતા. સનાતન ધર્મની પરંપરામાં આ પ્રક્રિયાને સુધર્મા નયન તરીકે ઓળખવામાં આવે છે. પવિત્ર મંત્રોચ્ચાર અને ગંગાજળના છંટકાવ સાથે વાતાવરણ ભક્તિમય બની ગયું હતું.
આ પણ વાંચોઃ સિંહનો હુમલો થયો એટલે જે મળે તેને પાંજરે પૂરવો જ એક માત્ર ઉકેલ? : ગીરની બહાર વધતા સંઘર્ષ અને ‘કેદ’ના અદૃશ્ય પરિણામોનું સંપૂર્ણ વિશ્લેષણ
"અમે હિન્દુઓને જ હિન્દુ બનાવી રહ્યા છીએ" : શંકરાચાર્ય
આ પ્રસંગે ઉપસ્થિત જનમેદનીને સંબોધતા જગદગુરુ શંકરાચાર્ય સદાનંદ સરસ્વતીએ સ્પષ્ટ અને માર્મિક શબ્દોમાં જણાવ્યું હતું કે, "અહીં કોઈ ખ્રિસ્તી વ્યક્તિ હિન્દુ નથી બની રહી. અમે તો માત્ર એવા હિન્દુઓને જ ફરીથી હિન્દુ બનાવી રહ્યા છીએ, જેઓ કોઈક કારણસર કે ભુલથી ત્યાં જતા રહ્યા હતા. પોતાની મૂળ સંસ્કૃતિ અને જડ તરફ પાછા ફરવું એ જ આપણી સાચી સંસ્કૃતિ અને ઓળખ છે." આ પ્રસંગે સ્થાનિક અગ્રણીઓ, સાધુ-સંતો અને મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા. આ ઘરવાપસીના કાર્યક્રમથી સમગ્ર પંથકમાં સનાતન ધર્મના ગૌરવ અને જાગૃતિનો નવો સંચાર જોવા મળ્યો છે.





