Home Sports IPL 2026 Csk Ayush Vartak Trial Ipl Young Batsman

CSK ને મળ્યો નવો 'વૈભવ સૂર્યવંશી!' : 36 બોલમાં સેન્ચુરી મારનાર યુવા ખેલાડીને ટ્રાયલ માટે બોલાવાયો

Chennai Super Kings
Image Credit: Instagram
Published by: Aryan Shah
Last Updated: Apr 28, 2026, 11:15 AM IST

CSK : ઈન્ડિયન પ્રીમિયર લીગની પાંચ વખતની ચેમ્પિયન ટીમ ચેન્નાઈ સુપર કિંગ્સ (CSK) હંમેશા મેદાન પર પોતાની રણનીતિ અને નવા ખેલાડીઓને તક આપવા માટે જાણીતી છે. આ વર્ષે ટીમનું અત્યાર સુધીનું પરફોર્મન્સ શાનદાર રહ્યું છે અને પણ ખાસ કરીને બેટિંગ વિભાગમાં કેટલીક નબળાઈઓ સ્પષ્ટપણે જોવા મળી છે. આ નબળાઈને દૂર કરવા અને ભવિષ્ય માટે એક મજબૂત બેટ્સમેન તૈયાર કરવાના ઈરાદા સાથે મહેન્દ્ર સિંહ ધોનીની ટીમે મુંબઈના 21 વર્ષીય વિસ્ફોટક બેટ્સમેન આયુષ વર્તકને ટ્રાયલ માટે આમંત્રિત કર્યો છે. આયુષના ડોમેસ્ટિક રેકોર્ડ્સ જોતાં એવું લાગે છે કે, તે CSK ની બેટિંગ લાઇન-અપમાં નવી ઉર્જા ભરી શકે છે.

શા માટે CSK ને પડી આયુષની જરૂર

સિઝન જેમ જેમ આગળ વધી રહી છે, તેમ તેમ ચેન્નાઈ સુપર કિંગ્સની મુશ્કેલીઓ પણ વધી રહી છે. સ્ટાર બોલર ખલીલ અહેમદ ઈજાગ્રસ્ત થવાને કારણે ટીમમાં એક સ્થાન ખાલી પડ્યું છે. જોકે ટીમે આકાશ માધવાલને પોતાની ટીમમાં સામેલ કરી લીધો છે, પરંતુ ગુજરાત ટાઇટન્સ સામે ઘરઆંગણે મળેલી કારમી હાર બાદ મેનેજમેન્ટને સમજાયું છે કે, ટીમમાં એક આક્રમક યુવા બેટ્સમેનની ખૂબ જ આવશ્યક જરૂરિયાત છે. આયુષ વર્તક જે હાલમાં શાનદાર ફોર્મમાં છે, તે ઓક્શનમાં અનસોલ્ડ રહ્યો હતો પરંતુ તેના હાલના પરફોર્મન્સને જોતાં CSK એ તેને મંગળવારે ટ્રાયલ માટે બોલાવ્યો છે.

36 બોલમાં સેન્ચુરીનો ગજબનો રેકોર્ડ

આયુષ વર્તક કોઈ સામાન્ય ખેલાડી નથી, પરંતુ મુંબઈ ક્રિકેટનો એક ઉગતો સિતારો છે. તેને કાંગા લીગમાં મુંબઈ ઈન્ડિયન્સની જુનિયર ટીમ તરફથી રમતા માત્ર 36 બોલમાં સેન્ચુરી ફટકારીને ક્રિકેટ જગતમાં સનસનાટી મચાવી દીધી હતી. આટલું જ નહીં, તેની પ્રતિબદ્ધતા પણ કાબિલેદાદ છે કારણ કે, એક વર્ષ પહેલા પગમાં ઈજા હોવા છતાં તેને બેટિંગ ચાલુ રાખી હતી. તેની આ આક્રમક રમત અને દબાણ હેઠળ રમવાની ક્ષમતા જ તેને અન્ય યુવા ખેલાડીઓથી અલગ પાડે છે, જેના કારણે ચેન્નાઈની સ્કાઉટિંગ ટીમ તેના પર નજર રાખી રહી હતી.

ડોમેસ્ટિક ક્રિકેટમાં છગ્ગાની રમઝટ

વર્ષ 2025 ની મેન્સ સ્ટેટ એ ટ્રોફી આયુષ માટે ટર્નિંગ પોઈન્ટ સાબિત થઈ છે. તેને માત્ર 6 ઇનિંગ્સમાં 363 રન બનાવીને પોતાની તાકાત બતાવી હતી. આ ટુર્નામેન્ટ દરમિયાન તેને કુલ 26 છગ્ગા ફટકાર્યા હતા, જે આખી ટુર્નામેન્ટમાં કોઈપણ ખેલાડી દ્વારા ફટકારવામાં આવેલા બીજા ક્રમના સૌથી વધુ સિક્સર છે. તેને 132 અને નોટઆઉટ 92 રન જેવી ઇનિંગ્સ રમીને સાબિત કર્યું કે, તે લાંબી ઇનિંગ્સ પણ રમી શકે છે અને સ્ટ્રાઇક રેટ પણ જાળવી શકે છે. મુંબઈ તરફથી તે સૌથી વધુ રન બનાવનાર ખેલાડી રહ્યો હતો.

મુંબઈ ક્રિકેટનો સન્માનિત સિતારો

આયુષે માત્ર T20 ફોર્મેટમાં જ નહીં, પરંતુ CK ​​નાયડુ ટ્રોફી જેવી ફોર-ડે મેચોમાં પણ પોતાનો સિક્કો જમાવ્યો છે. 2024-26 ની સિઝનમાં તેને 9 મેચોમાં 770 રન બનાવ્યા હતા, જેમાં 192 રનનો સર્વોચ્ચ સ્કોર સામેલ છે. તેની આ સાતત્યપૂર્ણ રમતને કારણે મુંબઈ ક્રિકેટ એસોસિએશન (MCA) દ્વારા તેને 'આઉટસ્ટેન્ડિંગ પરફોર્મન્સ એવોર્ડ' થી નવાજવામાં આવ્યો હતો. આવા મજબૂત આંકડાઓ સાથે જ્યારે કોઈ ખેલાડી CSK જેવી ટીમમાં ટ્રાયલ માટે જાય છે, ત્યારે ચાહકોની અપેક્ષાઓ વધી જાય છે.

અશ્વિને કરી સ્કાઉટિંગ ટીમની પ્રશંસા

ભારતના દિગ્ગજ ખેલાડી રવિચંદ્રન અશ્વિને પણ CSK ના આ નિર્ણયને આવકાર્યો છે. અશ્વિને સોશિયલ મીડિયા પર લખ્યું કે, CSK પોતાની ટીમને મજબૂત કરવા માટે સિઝનની વચ્ચે પણ સતત મહેનત કરી રહી છે. તેણે આયુષ વર્તક જેવા ખેલાડીને ટ્રાયલ માટે બોલાવવાના નિર્ણયને 'સ્માર્ટ રિક્રુટમેન્ટ' ગણાવ્યું છે. જો આયુષ ટ્રાયલ્સમાં પાસ થઈ જાય છે, તો તે ધોનીના નેતૃત્વમાં IPL ના મેદાન પર ડેબ્યુ કરતો જોવા મળી શકે છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now