Home Sports IPL 2026 Ms Dhoni Ipl 2026 Csk Comeback Reason

ફિટ હોવા છતાં MS Dhoni કેમ નથી રમી રહ્યા? : IPL 2026 માં ન રમવા પાછળનું અસલી કારણ જાણીને ફેન્સ પણ હેરાન!

MS Dhoni
Image Credit: IPL
Published by: Aryan Shah
Last Updated: Apr 26, 2026, 11:53 AM IST

MS Dhoni : IPL 2026 ની સિઝન અત્યારે તેના રોમાંચક તબક્કે પહોંચી ગઈ છે. ચેન્નાઈ સુપર કિંગ્સના ચાહકો માટે આ સિઝન મિશ્ર લાગણીઓથી ભરેલી રહી છે. એક તરફ ટીમ જીત મેળવી રહી છે, તો બીજી તરફ દરેકના મનમાં એક જ સવાલ છે કે, 'થાલા' એટલે કે મહેન્દ્ર સિંઘ ધોની ક્યારે મેદાન પર બેટિંગ કરવા ઉતરશે? સિઝનની શરૂઆતમાં સ્નાયુઓની ઈજાના કારણે ધોની બહાર થઈ ગયા હતા, પરંતુ હવે તે સંપૂર્ણપણે ફિટ હોવાના રિપોર્ટ્સ છે. આમ છતાં, તે પ્લેઈંગ ઈલેવનમાં જોવા નથી મળી રહ્યા, જેની પાછળ એક મોટું અને સ્વાર્થ વગરનું કારણ છુપાયેલું છે.

ધોનીની વાપસી પર કેમ લાગી બ્રેક?

ધોની વિશે એવી ચર્ચા હતી કે, તે ગુજરાત ટાઇટન્સ સામેની મહત્વની મેચમાં વાપસી કરશે. નેટ્સમાં તેની પ્રેક્ટિસ જોઈને ફેન્સ ખુશ હતા, પરંતુ મેચના દિવસે તે મેદાનમાં ન દેખાયો. રિપોર્ટ્સના જણાવ્યા અનુસાર, ધોની અત્યારે માનસિક અને શારીરિક રીતે તૈયાર હોવા છતાં પોતે જ રમવાની ના પાડી રહ્યો છે. ધોનીનું માનવું છે કે, ટીમના હિત કરતાં તેનો વ્યક્તિગત રેકોર્ડ મોટો નથી. તે નથી ઈચ્છતો કે તેના કારણે કોઈ સેટ થયેલા ખેલાડીને અન્યાય થાય.

CSK નું વિજેતા કોમ્બિનેશન

ચેન્નાઈની શરૂઆત આ સિઝનમાં ખૂબ જ નબળી રહી હતી. ટીમે તેની શરૂઆતની સતત ત્રણ મેચો ગુમાવતા ફેન્સ નિરાશ થયા હતા. જોકે, ત્યારબાદ ટીમે શાનદાર કમબેક કરી અને છેલ્લી ચારમાંથી ત્રણ મેચ જીતીને પોઈન્ટ ટેબલમાં પોતાનું સ્થાન મજબૂત કર્યું છે. ખાસ કરીને મુંબઈ ઈન્ડિયન્સ સામેની મોટી જીત બાદ ટીમનું મનોબળ ઊંચું છે. અત્યારે ટીમમાં એક પરફેક્ટ બેલેન્સ જોવા મળી રહ્યું છે અને ધોની આ વિજેતા લયને તોડવા માંગતો નથી.

સંજુ સેમસનનું તોફાની ફોર્મ

CSK માટે આ વખતે સૌથી મોટી એસેટ સંજુ સેમસન છે. સેમસને આ સિઝનમાં અત્યાર સુધી બે શાનદાર સેન્ચુરી ફટકારીને સાબિત કરી દીધું છે કે, તે અત્યારે સર્વશ્રેષ્ઠ ફોર્મમાં છે. તે માત્ર બેટિંગ જ નહીં, પણ વિકેટકીપિંગમાં પણ ધોનીની ખોટ વર્તાવા દેતો નથી. સંજુ સેમસનની હાજરીથી મિડલ ઓર્ડર ખૂબ મજબૂત બન્યો છે, જેના કારણે ટીમ મેનેજમેન્ટ પર ધોનીને ઉતાવળમાં મેદાનમાં ઉતારવાનું કોઈ દબાણ નથી.

યુવા પ્રતિભાને પ્રાથમિકતા

મહેન્દ્ર સિંઘ ધોની હંમેશા યુવા ખેલાડીઓને પ્રોત્સાહન આપવામાં માને છે. અત્યારે ટીમમાં કાર્તિક શર્મા જેવા યુવા ખેલાડીને તક આપવામાં આવી રહી છે. ભલે કાર્તિક અત્યારે સંઘર્ષ કરી રહ્યો હોય, પણ તેની પાસે લાંબી રેસનો ઘોડો બનવાની ક્ષમતા છે. ધોની જાણે છે કે, જો તે પોતે પ્લેઈંગ ઈલેવનમાં આવશે, તો કોઈ યુવા ખેલાડીએ બેન્ચ પર બેસવું પડશે. ટીમના ભવિષ્યનું નિર્માણ કરવા માટે ધોની અત્યારે એક મેન્ટરની ભૂમિકામાં રહીને પડદા પાછળ કામ કરવાનું વધુ પસંદ કરી રહ્યો છે.

મેનેજમેન્ટ અને કોચનો અભિપ્રાય

ટીમના કોચ સ્ટીફન ફ્લેમિંગે ધોનીની સ્થિતિ પર ટિપ્પણી કરતા કહ્યું હતું કે, "એમએસ ખૂબ જ સારી રીતે રિકવર થઈ રહ્યો છે, પરંતુ અમે કોઈ પણ ઉતાવળ કરવા માંગતા નથી." બીજી તરફ બેટિંગ કોચ માઇક હસીએ સ્પષ્ટ કર્યું છે કે, ધોની એક પ્યોર વિકેટકીપર-બેટ્સમેન છે, તેથી તેને 'ઇમ્પેક્ટ પ્લેયર' તરીકે મેદાનમાં લાવવો મુશ્કેલ છે. આ નિર્ણય સંપૂર્ણપણે ધોની પર છોડવામાં આવ્યો છે કે, તે ક્યારે મેદાનમાં ઉતરીને ફેન્સને ફરી એકવાર હેલિકોપ્ટર શોટનો નજારો બતાવશે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now