બોટાદ જીલ્લાની મધુસુદન ડેરી ફરી એકવાર વિવાદમાં આવી છે. જીલ્લાની 20થી વધુ દુધ ઉત્પાદક સહકારી મંડળીઓએ ડેરીના ચેરમેન, મેનેજિંગ ડિરેક્ટર તથા નિયામક મંડળ વિરુદ્ધ ગંભીર ભ્રષ્ટાચારના આક્ષેપો લગાવી રાજ્યના અને દેશના સહકાર મંત્રી સમક્ષ લેખિત રજુઆત કરી છે. આ સંચાલકો ડેરીના નિયામક મંડળને તાત્કાલિક પદ પરથી દૂર કરવાની માંગ સાથે આગળ આવ્યા છે.
કરોડો રૂપિયાના આક્ષેપો:
રજુઆતમાં જણાવ્યા અનુસાર મધુસુદન ડેરીના વાઇસ ચેરમેન પોતાનું આખું પરિવાર એકજ મંડળીમાં સંકળાયેલો હોવાનું, તથા અન્ય ડિરેક્ટરો પણ ત્રણથી વધુ દુધ મંડળીઓ સંચાલિત કરતા હોવાનું સ્પષ્ટ ઉલ્લેખ કરવામાં આવ્યો છે, જે સહકારી કાયદાના નિયમોનો ઉલ્લંઘન છે. સાથે જ, ડેરી દ્વારા લિટર ફેટના આધારે દુધ ખરીદવાથી રોજે રોજ લાખો રૂપિયાનો તફાવત ઉભો થાય છે અને મંડળીના સભ્યોને નફો ગુમાવવો પડે છે.
મંડળીઓનું આક્ષેપઃ
રાજ્યના અન્ય દુધ સંઘો કરતાં 50-70 રૂપિયા કિલો ફેટ ઓછા દરે દુધની ખરીદી થતી હોવાનું કહેવામાં આવ્યું છે.
ફેડરેશન પાસેથી મળતો રૂપિયા 2 પ્રતિ લિટર ભાવતફાવત પણ દૂધ ઉત્પાદક મંડળીઓને ચૂકવવામાં આવતો નથી.
કર્મચારી ભરતી, માલસામાન ખરીદી, પરિવહન, બિલ્ડીંગ કોન્ટ્રાક્ટ સહિતના કામોમાં ભારે ભ્રષ્ટાચારના આક્ષેપો છે.
નિયામક મંડળના ઘણા ડિરેક્ટરો ખાનગી બ્રાન્ડ હેઠળ દુધ વેચાણ કરતા હોવાનું પણ ઉલ્લેખ છે.
ગુજરાત કોંગ્રેસના પ્રવક્તા મનહર પટેલે આ મામલે પ્રતિક્રિયા આપતાં જણાવ્યું કે, “રાજ્યમાં સહકારી ભ્રષ્ટાચાર એ સરકાર સંરક્ષિત ભ્રષ્ટાચાર બની ગયો છે. દરેક જીલ્લાની ડેરીમાં ભ્રષ્ટાચારના મામલા સામે ભલે ફરિયાદ થાય, પરંતુ સરકાર કાર્યવાહી કરવાનું ટાળી રહી છે. મધુસુદન ડેરીની પરિસ્થિતિ એનું તાજેતરનું ઉદાહરણ છે.”
કોંગ્રેસની માગ:
કોંગ્રેસે રાજ્ય સરકાર સમક્ષ માગ કરી છે કે ડેરીમાં થઇ રહેલા કથિત ભ્રષ્ટાચાર સામે તાત્કાલિક તપાસનો આદેશ આપવામાં આવે અને આરોપી અધિકારીઓ સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવે. સૂત્રોના જણાવ્યા અનુસાર, બોટાદની 20થી વધુ સહકારી મંડળીઓએ મુખ્યમંત્રી, સહકાર મંત્રી, સહકાર સચિવ, સહકારી રજીસ્ટાર તેમજ મિલ્ક ફેડરેશનને લેખિતમાં રજુઆત કરી છે અને ડેરીમાં ચાલતી “આપખુદશાહી” ખતમ કરવા દબાણ ઉમેરી રહ્યા છે.
'ગુજરાતનું અપમાન સહન નહીં થાય': મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના મલ્લિકાર્જુન ખડગે સામે આકરા પ્રહાર





