રાજસ્થાનના પાલી જિલ્લામાં તાજેતરમાં જૈન સંત પુંડરીક રત્નસૂરીશ્વરજીના અકસ્માતમાં થયેલા મૃત્યુ બાદ સમગ્ર જૈન સમાજમાં રોષની લાગણી વ્યાપી છે. અમદાવાદના જૈન સમાજે ગંભીર આક્ષેપ લગાવતા કહ્યું છે કે આ મૃત્યું અકસ્માત નહીં, પણ પૂર્વયોજિત હત્યા છે. હવે સમાજ દ્વારા કેન્દ્ર સરકાર સમક્ષ સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ (SIT) રચી, મૃત્યુની તપાસ કરવાની માંગ ઉઠી છે.
સંત પુંડરીક રત્નસૂરીશ્વરજીના મૃત્યું બાદ, આજે અમદાવાદના પાલડી અને વાસણા વિસ્તારમાં જૈન સમાજ દ્વારા શાંતિસભા તથા રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. જ્યાં ઘટનાની નિંદા સાથે ગંભીર આક્ષેપો કર્યા ગયા હતા કે, “વિહાર દરમિયાન થતા અકસ્માતો પાછળ ગૂંચવાયેલો ષડયંત્ર કાર્યરત છે.”
અકસ્માત કે હત્યા?
જૈન સમાજના આગેવાનોએ કહ્યું કે, જે સ્થળે “અકસ્માત” થયો ત્યાં વાહનને ખાસ નુકસાન પણ થયું નહોતું અને પરિસ્થિતિ પરથી આ બનાવને “હત્યા” તરીકે જ જોવવો જોઈએ. તેઓએ જણાવ્યું કે, વર્ષોથી સાધુ-સાધ્વી વિહાર પર જતા હતા ત્યારે એકથી વધુ વાર આવા બનાવો બન્યા છે, જે સંજોગોચિત નહી લાગતા.
જૈન સમાજની માંગ: સાધુ-સાધ્વીઓને જાહેર કરાવો રાષ્ટ્રીય સંપત્તિ
સભા દરમિયાન સમાજ દ્વારા માગ કરવામાં આવી કે, દેશભરમાં વિહાર કરતા જૈન સાધુ-સાધ્વીઓને “રાષ્ટ્રીય સંપત્તિ” જાહેર કરવામાં આવે. સાથે જ, રાજસ્થાન અને ગુજરાત સહિતના રાજ્યોમાં વિહાર માર્ગોને સુરક્ષિત અને સુવ્યવસ્થિત બનાવવાની પણ અપીલ કરવામાં આવી.
જૈન રાષ્ટ્રીય એકતા સંગઠનના રાષ્ટ્રીય અધ્યક્ષ સંજય શાહે જણાવ્યું હતું કે, “ગુજરાત સરકારે કેટલાક માર્ગો માટે પગદંડીના આયોજન કર્યાં છે, પણ તેનું અમલ અધૂરું છે અને જ્યાં પગદંડીઓ છે ત્યાં દેખરેખ ન હોવાનું જણાય છે. ખાસ કરીને પાલિતાણા જેવા મુખ્ય ધર્મસ્થાનોના માર્ગોની હાલત દયનિય છે.”
કાનૂની કાર્યવાહી અને આવેદનપત્રની જાહેરાત
આ મુદ્દે હાઇકોર્ટના નિવૃત્ત જજની અધ્યક્ષતામાં SIT દ્વારા તપાસ કરવાની માંગ સાથે જૈન સમાજ દ્વારા વડાપ્રધાન નરેન્દ્ર મોદી, રાષ્ટ્રપતિ, તેમજ ગુજરાત અને રાજસ્થાનના મુખ્યમંત્રીઓને આવેદનપત્ર પાઠવવાની જાહેરાત કરવામાં આવી છે. કરણી સેના સહિતના અન્ય હિંદુ સંગઠનોએ પણ આ મામલે સમાજને સમર્થન આપ્યું છે.
નિષ્ણાતોનું માનવું છે કે, ધર્મગુરૂઓની સુરક્ષા અને સંતોના વિહાર માટે યોગ્ય સુરક્ષાકવચ અને નીતિ બનાવવા રાજ્ય અને કેન્દ્ર સરકારની જવાબદારી છે.
જૈન સમાજ દ્વારા આ મુદ્દે આગામી દિવસોમાં વધુ આંદોલન થવાની પણ સંભાવના છે.
"કોંગ્રેસના આગેવાનોએ કહ્યું, 'તમે આવી રીતે બોલજો'": ભાવનગરના પૂર્વ નગરસેવિકા સેજલ ગોહિલનું કોંગ્રેસથી ભાજપમાં અચાનક વાપસીનું રહસ્ય શું?





