"કોંગ્રેસમાં જૂથવાદ ચરમસીમા પર છે"
કોંગ્રેસના વોર્ડ પ્રમુખે લગાવ્યાં ગંભીર આક્ષેપો
"વર્ષોથી કોંગ્રેસમાં આંતરિક લડાઈ ચાલે છે"
કોંગ્રેસમાં ફરી એકવાર સામે આવ્યો લાફાકાંડ
મહિલા કોર્પોરેટરે વોર્ડ પ્રમુખને માર્યો લાફો
અમદાવાદના ચાંદખેડા વોર્ડની ઘટના
Gujarat Politics: ગુજરાત કોંગ્રેસમાં આંતરિક જૂથવાદે ચરમસીમા પાર કરી દીધી હોય તેવો એક ગંભીર ઘટનાક્રમ અમદાવાદના ચાંદખેડા વોર્ડમાં સામે આવ્યો છે. અહીં કોંગ્રેસના સંગઠન સર્જન અભિયાન અંતર્ગત યોજાયેલી બેઠકમાં મહિલા કોર્પોરેટર રાજશ્રી કેસરીએ વોર્ડ પ્રમુખ અમિત પટેલને જાહેરમાં લાફો ઝીંક્યો હોવાનો આક્ષેપ થયો છે.
આ બનાવ બાદ કોંગ્રેસ સંગઠનમાં ફરી એક વખત આંતરિક કલહ, દુષ્મનાવટ અને શિસ્તભંગના મુદ્દા તેજ થયા છે. ઘટનાને લઈને વોર્ડ પ્રમુખ અમિત પટેલે માધ્યમો સમક્ષ જણાવ્યું હતું કે, "મહિલા કોર્પોરેટર રાજશ્રી કેસરીએ તેમના પિતા સાથે મળીને મારી પર અટેક કર્યો અને લાફો માર્યો. શું હવે કોંગ્રેસમાં જ સાથી કાર્યકરો પર હિંસા સહન કરવી પડે એવી સ્થિતિ આવી ગઈ છે?"
ટીવી ઈન્ટરવ્યૂમાં અમિત પટેલે કોંગ્રેસના ઉચ્ચ નેતૃત્વ સામે પણ નારાજગી વ્યક્ત કરતાં કહ્યું કે, "પાર્ટી આવા વર્તન પર કોઈ કાર્યવાહી નહીં કરે તો સંગઠન ક્યારેય મજબૂત નહીં બને. પાર્ટી હવે નેતાઓની વફાદારીને નહીં, જૂથવાદ અને મહેઇચ્છાઓને મહત્વ આપે છે." તેમણે પોતાની વફાદારી પર ભાર આપતાં કહ્યું કે, "હું રાહુલ ગાંધીનો બબ્બર શેર છું. કદાચ મારી નિષ્ઠાને કારણે મને આ અપમાન સહન કરવું પડ્યું છે. પણ ચાંદખેડાના કાર્યકરો હતાશ ન થાય – આ તો એક લડાઈ છે જે જીતવી જ પડશે."
આ ઘટના માત્ર એક વોર્ડ સુધી સીમિત રહી હોય એવું લાગતું નથી. આ પહેલા પણ અમદાવાદ મહિલા કોંગ્રેસમાં આવી જ પ્રકારની આંતરિક અસંતોષની ઘટનાઓ પ્રકાશમાં આવી છે. જેના કારણે કાર્યકરોમાં ભારે અસંતોષ જોવા મળી રહ્યો છે. સ્થાનિક સ્તરે શરૂ થયેલી આ બબાલ હવે સમગ્ર પ્રદેશની રાજકીય ગણતરીને અસર કરી શકે તેવું લાગી રહ્યું છે. 2027ની વિધાનસભા ચૂંટણી નજીક આવી રહી છે ત્યારે પાર્ટી માટે આવા આંતરિક વિવાદો નુકશાનકારક સાબિત થઈ શકે છે.
ચાંદખેડાના કોંગ્રેસના વોર્ડ પ્રમુખ અમિત પટેલે વધુમાં જણાવ્યું હતુંકે, આવું ને આવું શહેરમાં થશે પછી પ્રદેશમાં થશે તો કાર્યકરોનું મનોબળ તૂટશે. પછી કોંગ્રેસ પાર્ટી આગામી 2027ની વિધાનસભા ચૂંટણી તો ભૂલી જાય, કોર્પોરેશનની પણ કોંગ્રેસ ભૂલી જાય. આવું ને આવું થશે તો કોંગ્રેસ પાર્ટી નષ્ટ થઈ જશે. ચાંદખેડાની આ ઘટના માત્ર એક વ્યક્તિગત તકરાર નહીં પરંતુ ગુજરાત કોંગ્રેસની અંદરની તકલીફોને ઉજાગર કરતી એક ચેતવણીરૂપ ઘટના છે. હવે જોવાનું એ રહેશે કે કોંગ્રેસ નેતૃત્વ આવા વર્તન સામે શું પગલાં લે છે.






