Surat Congress liquor raid : સુરત શહેરમાં ફરી એકવાર દેશી દારૂના અડ્ડા સામે કોંગ્રેસ દ્વારા જનતા રેડ કરવામાં આવતા ભારે હલચલ મચી ગઈ હતી. સુરતના ઉગત કેનાલ વિસ્તારમાં ચાલી રહેલા દેશી દારૂના અડ્ડા પર કોંગ્રેસના પ્રમુખ સહિત કાર્યકર્તાઓએ અચાનક રેડ પાડી હતી. કોંગ્રેસની રેડની જાણ થતા જ રાંદેર પોલીસ પણ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવી હતી.
દારૂના અડ્ડા ઉપર કોંગ્રેસની 'રેડ'
કોંગ્રેસ દ્વારા રેડ છાપો મારતા દારૂના અડ્ડા પર અફરા-તફરીનો માહોલ સર્જાઈ ગયો હતો. કેટલાક લોકો હાથમાં દેશી દારૂ લઈને ભાગતા નજરે પડ્યા હતા, જ્યારે કેટલાક તો પોતાની બુટ-ચંપલ પણ ત્યાં મૂકીને નાસી ગયા હતા. અચાનક થયેલી કાર્યવાહીથી સમગ્ર વિસ્તારમાં દોડધામ અને ગભરાટ ફેલાઈ ગયો હતો.
બુટલેગરો સામે કાર્યવાહી હાથધરાઈ
રેડ દરમિયાન સ્થળ પરથી મોટી સંખ્યામાં દેશી દારૂનો જથ્થો ખુલ્લેઆમ મળી આવ્યો હતો, જેનાથી વિસ્તારમાં લાંબા સમયથી ગેરકાયદેસર દારૂનો ધંધો ચાલી રહ્યો હોવાની આશંકા મજબૂત બની છે. ઘટનાની જાણ થતાં રાંદેર પોલીસ દ્વારા બુટલેગરો સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.
પોલીસની કામગીરી પર સવાલો ઉઠ્યા?
કોંગ્રેસના કાર્યકર્તાઓએ આ રેડ દ્વારા પોલીસ અને તંત્રની કામગીરી પર પણ પ્રશ્નો ઉઠાવ્યા હતા અને વિસ્તારમાં ગેરકાયદેસર દારૂના ધંધાને બંધ કરવાની માંગ કરી હતી. આ ઘટનાને લઈને સુરત શહેરમાં ફરી એકવાર દારૂના અડ્ડા અને કાયદો-વ્યવસ્થાનો મુદ્દો ચર્ચાના કેન્દ્રમાં આવ્યો છે.





















