Home Gujarat Cm Bhupendra Patels Tweet Regarding Ahmedabad Plane Crash Said Rescue Work Started On War Footing

રાજ્ય સરકારની યુદ્ધના ધોરણે કામગીરી : લોકોની સેવામાં આરોગ્ય, પોલીસ અને જિલ્લા પ્રશાસન ખડે પગે

રાજ્ય સરકારની યુદ્ધના ધોરણે કામગીરી
Published by: OBS Bureau
Last Updated: Jun 13, 2025, 02:34 PM IST

અમદાવાદથી લંડન જતાં એર ઇન્ડિયાના વિમાનની સર્જાયેલી ગમખ્વાર દુર્ઘટનામાં રાજ્ય સરકારે બચાવ અને રાહત કામગીરી સાથે ઘાયલોને સારવાર માટે હોસ્પિટલ પહોંચાડવાની કામગીરી યુદ્ધના ધોરણે હાથ ધરી હતી. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને આ દુર્ઘટનાની જાણ થતાં જ તેમણે સમગ્ર તંત્રને બચાવ-રાહત કામગીરી માટે જોડાવાની તત્કાલ સૂચનાઓ આપી હતી.

વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી તથા કેન્દ્રીય ગૃહ મંત્રી અમિતભાઈ શાહે આ દુર્ઘટનાની ગંભીરતા જોતા રાજ્ય સરકારને કેન્દ્રીય એજન્સીઓની મદદ પૂરી પાડી હતી. એટલું જ નહિ, વડાપ્રધાન અને કેન્દ્રીય ગૃહમંત્રીએ દુર્ઘટના સ્થળની તથા ઇજાગ્રસ્તોની મુલાકાત પણ અમદાવાદ આવીને લીધી હતી અને રાજ્ય સરકારને બચાવ-રાહત કામગીરી માટે માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. વિમાન દુર્ઘટનાના સ્થળે આર્મીના 250થી વધુ જવાનો, રેપિડ એક્શન ફોર્સની 1 ટીમ, એન.ડી.આર.એફ.- એસ.ડી.આર.એફ.ની 3 ટીમે બચાવ-રાહત કામગીરી માટે મોરચો સંભાળ્યો હતો.

માત્ર 3 મિનિટના રિસ્પોન્સ ટાઈમમાં ફાયર સર્વિસીસની બે ટીમોએ ઘટના સ્થળે પહોંચીને 30થી વધુ વ્યક્તિઓનું રેસ્ક્યૂ કર્યું હતું. 139 પ્રકારના વિવિધ ફાયરના સાધનો સાથે ફાયર સર્વિસીસના 612 કર્મચારીઓએ વિમાનના કાટમાળમાં ફસાયેલા મુસાફરોને બહાર કાઢવા તથા આસપાસના વિસ્તારના ઘાયલ થયેલા લોકોને સારવાર માટે પહોંચાડવામાં મદદરૂપ થયા હતા. ઘટના સ્થળે મૃતદેહો અને માનવ અંગોને શોધવા માટે પોલીસતંત્રએ ખાસ ડોગ સ્ક્વોડ પણ કામગીરીમાં જોડ્યું હતું.


પ્લેનના મુસાફરોના સગાં-સંબંધીઓને યોગ્ય જાણકારી અને મદદ માટે સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર તેમજ સિવિલ હોસ્પિટલ ખાતે રાઉન્ડ ધ ક્લોક 24X7 કંટ્રોલરૂમ કાર્યરત કરવામાં આવેલા છે. આ દુર્ઘટનાનો ભોગ બનેલા મુસાફરોના સ્વજનો માટે અમદાવાદમાં રહેઠાણ અને વાહન સુવિધા પણ રાજ્ય સરકારના માર્ગ મકાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. દુર્ઘટના સ્થળની આસપાસના રહેણાંક વિસ્તારના ભોગ બનેલા લોકો પૈકીના આઠ વ્યક્તિઓના મૃતદેહોની ઓળખ થતા તેમના સ્વજનોને સોંપવામાં આવ્યા છે.


વિમાન દુર્ઘટનાનો ભોગ બનેલા વ્યક્તિઓના 219 જેટલા સંબંધીઓ ડી.એન.એ. ટેસ્ટીંગ અને બ્લડ સેમ્પલ માટે અત્યાર સુધીમાં આવ્યા છે તેમના સેમ્પલ લેવામાં આવ્યાં છે અને બાકીના તમામ સંબંધિતોના પરિવારજનોનો આ હેતુસર સંપર્ક કરવામાં આવ્યો છે. એફ.એસ.એલ.ની 10 ટીમના 36 જેટલા એક્સપર્ટ્સ આ માટે 24X7 ફરજરત છે. આ દુર્ઘટના બાદ 50 જેટલા વ્યક્તિઓને ઇજાગ્રસ્ત હાલતમાં સિવિલ હોસ્પિટલમાં લાવવામાં આવ્યા હતા. આ ઇજાગ્રસ્તોમાંથી 16ને બહારના દર્દી તરીકે તથા 31ને ઇન્ડોર પેશન્ટ તરીકે સારવાર અપાઈ રહી છે. આજે સાંજ સુધીમાં 12 જેટલા ઇજાગ્રસ્તોને રજા આપવામાં આવશે.


ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શનમાં રાજ્ય સરકારે વિમાનના મુસાફરો જે જિલ્લા-શહેરમાં વસવાટ કરતા હતા ત્યાંના કલેક્ટરતંત્રને સૂચનાઓ આપીને તેમના સ્નેહીજનોનો સામે ચાલીને સંપર્ક કરીને સાંત્વના આપી હતી અને સંબંધિત સંપર્ક માટે જરૂરી સહયોગ આપ્યો હતો. કોમ્યુનિકેશન પ્લાન અંતર્ગત ખાસ ટીમોની રચના કરીને આ દુર્ઘટનાનો ભોગ બનેલા સ્વજનોનું કાઉન્સેલીંગ કરીને તેમને માર્ગદર્શન અને મનોબળ પૂરું પાડવામાં આવી રહ્યું છે. રાજ્ય સરકારે દુર્ઘટના સ્થળે નાગરિક ઉડ્ડયનમંત્રાલય સાથેની કામગીરી માટે મ્યુનિસિપલ કોર્પોરેશન તથા માર્ગ-મકાન વિભાગના ૧૫૦ જેટલા કર્મીઓ, 41 ડમ્પર-ટ્રેક્ટર, 16 જેસીબી અને 3 એક્સકેવેટર સ્ટેન્ડબાય રાખવામાં આવ્યાં છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now