અમદાવાદમાં તાજેતરમાં બનેલી દુર્ભાગ્યપૂર્ણ AI ૧૭૧ વિમાન દુર્ઘટનાના પીડિતોના મૃતદેહોને તેમના વતન પહોંચાડવા માટે સિવિલ હોસ્પિટલ દ્વારા અત્યંત મહત્વપૂર્ણ અને કાયદેસરની પ્રક્રિયાઓનું પાલન કરવામાં આવ્યું છે. બી.જે. મેડિકલ કોલેજના ફોરેન્સિક મેડિસિન વિભાગના હેડ પ્રોફેસર ડૉ. ધર્મેશ પટેલ દ્વારા આ અંગે વિગતવાર માહિતી આપવામાં આવી છે. તેમણે કહ્યું કે જે મૃતદેહોને લાંબા અંતરે લઈ જવાના હતા તેમનું એમ્બાલમિંગ કરવામાં આવ્યું છે.
ડૉ. ધર્મેશ પટેલે જણાવ્યું કે "એમ્બાલમિંગ એ મૃતદેહને લાંબા સમય સુધી સાચવી રાખવાની એક વૈજ્ઞાનિક પ્રક્રિયા છે. આ એટલા માટે કરવામાં આવે છે જેથી મૃતદેહનું વિઘટન ન થાય અને તેને લાંબા અંતર સુધી ખાસ કરીને વિદેશમાં સન્માનપૂર્વક પરિવહન કરી શકાય. આ પ્રક્રિયામાં મૃતદેહની અંદર એક ખાસ પ્રકારનું રાસાયણિક પ્રવાહી (જેમ કે ફોર્માલ્ડીહાઇડ આધારિત સોલ્યુશન) દાખલ કરવામાં આવે છે. આ રસાયણો મૃતદેહને સડતો અટકાવે છે અને તેને સુરક્ષિત રાખે છે. આ પ્રક્રિયા મૃતદેહને લાંબા સમય સુધી સચવાઈ રહે તે સુનિશ્ચિત કરે છે જે ખાસ કરીને હવાઈ પરિવહન માટે અનિવાર્ય છે."
ડૉ. પટેલે વધુમાં ઉમેર્યું કે દરેક મૃતદેહને એમ્બાલમિંગ સર્ટિફિકેટ અને કોફિન સિલીંગ સર્ટિફિકેટ પણ આપવામાં આવ્યા છે જે બંને કાયદેસરના દસ્તાવેજો છે. જ્યારે મૃતદેહને હવાઈ માર્ગે લઈ જવાનો હોય છે ત્યારે કોફિનમાં મૃતદેહની સાથે મૃતકના અંગત સામાન (બિલોંગિંગ્સ) અને અન્ય વસ્તુઓ પણ રાખવામાં આવે છે. આવા સમયે આ વસ્તુઓ સાથે રાખવામાં આવી છે તેનું પ્રમાણપત્ર આપવું જરૂરી બને છે. આ ઉપરાંત હવાઈ યાત્રા દરમિયાન ઓથોરિટી દ્વારા એમ્બાલમિંગ પ્રમાણપત્ર પણ માંગવામાં આવે છે.
આમ સિવિલ હોસ્પિટલ તંત્ર દ્વારા માત્ર મૃતદેહોના પોસ્ટમોર્ટમ અને ફોરેન્સિક તપાસ જ નહીં પરંતુ તેમને સન્માનપૂર્વક તેમના વતન પહોંચાડવા માટેની તમામ નિયત પ્રક્રિયાઓ અને કાયદાકીય પ્રમાણપત્રો પણ પૂરા પાડવામાં આવ્યા છે. આ દર્શાવે છે કે દુર્ઘટનાના વ્યવસ્થાપનમાં સિવિલ હોસ્પિટલે કોઈ કચાશ રાખી નથી.
'ગુજરાતનું અપમાન સહન નહીં થાય': મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના મલ્લિકાર્જુન ખડગે સામે આકરા પ્રહાર






