Home Gujarat Chotila Highway Illegal Pistols Seized Rajkot Range Ig Squad

ચોટીલા હાઇવે પરથી બે પિસ્તોલ અને કારતૂસ સાથે શખ્સ ઝડપાયો : રાજકોટ રેન્જ IG સ્ક્વોડની કાર્યવાહી

ચોટીલા હાઇવે પરથી રાજકોટ રેન્જ IG સ્ક્વોડે જપ્ત કરેલા બે ગેરકાયદે પિસ્તોલ અને કારતૂસ.
Published by: Prashant Doshiyar
Last Updated: Jul 19, 2026, 11:03 AM IST

સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલા નજીક રાજકોટ રેન્જ આઈજી સ્ક્વોડે ગેરકાયદે હથિયારો સામે મોટી કાર્યવાહી કરતાં એક શખ્સને બે પિસ્તોલ અને જીવંત કારતૂસ સાથે ઝડપી પાડ્યો છે. પોલીસે આરોપીની ફોર્ચ્યુનર કારમાંથી ગેરકાયદે હથિયારો કબજે કરી કુલ રૂ. 20.80 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. સમગ્ર મામલે આરોપીની ધરપકડ કરીને આગળની તપાસ હાથ ધરવામાં આવી છે. પોલીસને બાતમી મળી હતી કે એક વ્યક્તિ ચોટીલા-આણંદપર રોડ પર ગેરકાયદે પિસ્તોલ સાથે ફરી રહ્યો છે. આ માહિતીના આધારે રાજકોટ રેન્જ આઈજી સ્ક્વોડે વોચ ગોઠવી હતી. દરમિયાન ડેરી નજીક ફોર્ચ્યુનર કાર સાથે ઉભેલા શખ્સને રોકીને તેની અને વાહનની તપાસ કરવામાં આવી હતી. તપાસ દરમિયાન કારમાંથી બે ગેરકાયદે પિસ્તોલ તેમજ જીવંત કારતૂસ મળી આવ્યા હતા.

આરોપીની ધરપકડ, હથિયારો ક્યાંથી લાવ્યો તે અંગે તપાસ

પોલીસે ચોટીલાના રહેવાસી અને મૂળ ગઢડા તાલુકાના ખાચરવાડી ગામના નૃપેશ મહેન્દ્રભાઈ પટગીરની ધરપકડ કરી છે. આરોપી પાસેથી બે પિસ્તોલ, જીવંત કારતૂસ, ફોર્ચ્યુનર કાર સહિત કુલ રૂ. 20.80 લાખનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે.

હથિયારોનો હેતુ શું હતો? તપાસમાં થશે ખુલાસો

પ્રાથમિક તપાસ બાદ પોલીસે હવે આરોપી ગેરકાયદે હથિયારો ક્યાંથી લાવ્યો હતો, તેનો ઉપયોગ કોઈ ગુનાને અંજામ આપવા માટે થવાનો હતો કે પછી તે હથિયારો વેચવાની ફિરાકમાં હતો તે સહિતના તમામ પાસાઓની તપાસ શરૂ કરી છે. આરોપીના ગુનાહિત ઇતિહાસ, સંપર્કો અને હથિયારોના સ્ત્રોત અંગે પણ પૂછપરછ કરવામાં આવી રહી છે.

ગેરકાયદે હથિયારોના નેટવર્ક સુધી પહોંચવાનો પ્રયાસ

આરોપીની ધરપકડ બાદ પોલીસે હવે ગેરકાયદે હથિયારોના સપ્લાય નેટવર્ક સુધી પહોંચવા તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. બંને પિસ્તોલ ક્યાંથી ખરીદવામાં આવ્યા, તેની પાછળ કોઈ આંતરરાજ્ય ગેંગ અથવા હથિયારોની હેરાફેરી સાથે સંકળાયેલું નેટવર્ક છે કે નહીં, તે દિશામાં તપાસ ચાલી રહી છે. સાથે જ આરોપીએ અગાઉ પણ આવા હથિયારોની ખરીદી-વેચાણ કરી છે કે કેમ તેની પણ માહિતી એકત્ર કરવામાં આવી રહી છે.

આ પણ વાંચો: સોનમ વાંગચૂકને મેદાંતામાં લઈ જવાની માંગ : હાઈકોર્ટમાં સરકારનું મોટું નિવેદન- 'રાષ્ટ્રપતિ પણ સરકારી હોસ્પિટલમાં સારવાર કરાવે છે'

FSL તપાસ અને મોબાઇલ ડેટાની થશે ચકાસણી

પોલીસે જપ્ત કરાયેલા પિસ્તોલ અને જીવંત કારતૂસને ફોરેન્સિક સાયન્સ લેબોરેટરી (FSL)માં તપાસ માટે મોકલવાની તજવીજ હાથ ધરી છે. આ હથિયારોનો અગાઉ કોઈ ગુનામાં ઉપયોગ થયો છે કે નહીં તે અંગે બેલેસ્ટિક તપાસ કરવામાં આવશે. ઉપરાંત આરોપીના મોબાઇલ ફોન, કોલ ડિટેઇલ રેકોર્ડ (CDR) અને અન્ય ડિજિટલ પુરાવાઓની પણ તપાસ કરવામાં આવશે, જેથી તેના સંપર્કમાં રહેલા અન્ય લોકો અને સમગ્ર ષડ્યંત્ર અંગે વધુ માહિતી મળી શકે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now