Amit Shah Kolkata Press Conference: ગૃહમંત્રી અમિત શાહે કોલકાતામાં એક પ્રેસ કોન્ફરન્સ દરમિયાન મમતા બેનર્જી સરકાર પર આકરા પ્રહારો કર્યા છે. ભાજપે રાજ્ય સરકાર વિરુદ્ધ એક ‘ચાર્જશીટ’ જાહેર કરતા આરોપ લગાવ્યો કે તૃણમૂલ કોંગ્રેસના શાસનમાં પશ્ચિમ બંગાળ હવે ‘સિન્ડિકેટ રાજ’ અને ‘ઔદ્યોગિક કબ્રસ્તાન’ બની ગયું છે. શાહે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે, આ ચૂંટણી માત્ર સત્તા પરિવર્તનની નથી, પરંતુ જીવ ગુમાવવાના ડરથી મુક્તિ અને શાંતિના ભરોસાની ચૂંટણી છે.
દેશની સુરક્ષા અને ઘૂસણખોરી પર મોટું નિવેદન
અમિત શાહે બંગાળની ચૂંટણીને રાષ્ટ્રીય સુરક્ષા સાથે જોડતા કહ્યું, “સમગ્ર દેશની સુરક્ષા પશ્ચિમ બંગાળ સાથે જોડાયેલી છે. આસામમાં અમારી સરકાર આવ્યા પછી ઘૂસણખોરીનો રસ્તો બંધ થઈ ગયો છે, હવે માત્ર બંગાળ જ એવું રાજ્ય બચ્યું છે જ્યાંથી ઘૂસણખોરો દેશભરમાં ફેલાઈ રહ્યા છે.” તેમણે કડક વલણ અપનાવતા સ્પષ્ટ કર્યું કે ઘૂસણખોરોને માત્ર મતદાર યાદીમાંથી જ નહીં, પરંતુ સમગ્ર દેશમાંથી શોધી-શોધીને બહાર કાઢવા એ ભાજપ સરકારનો એજન્ડા છે.
તુષ્ટિકરણ અને ભ્રષ્ટાચારની ‘ગેરંટી’
મમતા સરકાર પર પ્રહાર કરતા શાહે કહ્યું કે, તુષ્ટિકરણ આ સરકારનું મિશન બની ગયું છે અને ‘કટ મની’ નું કલેક્શન તેમની આદત. તેમણે ઉમેર્યું કે ભ્રષ્ટ રાજકીય વ્યવસ્થામાં ‘સિન્ડિકેટ પર કોઈ પગલાં નહીં’ એ મમતા સરકારની ગેરંટી બની ગઈ છે. રાજ્યમાં મહિલાઓ વિરુદ્ધ 34,738 કેસ નોંધાયા છે અને TMC કાર્યકર્તાઓને ગુના માટે ઈનામ આપવામાં આવે છે. શાહે સ્પષ્ટ કર્યું કે ધર્મના આધારે OBCનું નિર્ધારણ કોઈપણ કિંમતે સ્વીકાર્ય રહેશે નહીં.
આંકડાઓ અને જનસમર્થન
શાહે આંકડાઓ દ્વારા જણાવ્યું કે બંગાળની જનતા હવે ભાજપની સાથે છે..
2014: 17 ટકા વોટ શેર
2019: 41 ટકા વોટ શેર
2021: 38 ટકા વોટ શેર
2024: 39 ટકા વોટ શેર
તેમણે કટાક્ષ કરતા કહ્યું કે આજે જનતા કહી રહી છે કે આ સરકાર કરતા તો સામ્યવાદીઓ (કોમ્યુનિસ્ટ) જ સારા હતા. કોંગ્રેસ અને સામ્યવાદીઓ હવે શૂન્ય પર આવી ગયા છે. અમારા કાર્યકરો જન-જન સુધી પહોંચ્યા છે અને આ વખતે બંગાળની જનતા પ્રચંડ બહુમતીવાળી સરકાર બનાવશે.
ભય વિરુદ્ધ ભરોસો
ગૃહમંત્રીએ પ્રશાસન પર સવાલ ઉઠાવતા કહ્યું કે, SIR માં જ્યુડિશિયલ ઓફિસર એટલા માટે લગાવવા પડ્યા કારણ કે DM (જિલ્લા મેજિસ્ટ્રેટ) પણ ડરના કારણે પ્રામાણિકતાથી કામ કરી શકતા નહોતા. તેમણે આહ્વાન કર્યું કે જનતાએ નક્કી કરવાનું છે કે તેઓ ‘જૂઠ અને ડર’ ને પસંદ કરશે કે ‘ભરોસા’ને....બંગાળના યુવાનોનું ભવિષ્ય અંધકારમાં છે અને ભાજપનું લક્ષ્ય આ ડરને દૂર કરી ભરોસો સ્થાપિત કરવાનું છે.





