Home Tech/Gadgets China Humanoid Robot Training Schools Future Tech

ચીનમાં શરૂ થઈ રોબોટ્સની 'સ્કૂલ' : ઘરકામ અને ફેક્ટરી ડ્યુટી શીખી રહ્યા છે હ્યુમનોઇડ્સ

ચીનમાં શરૂ થઈ રોબોટ્સની 'સ્કૂલ'
Published by: OBS Bureau
Last Updated: Mar 18, 2026, 07:30 PM IST

અત્યાર સુધી તમે ચીન દ્વારા હ્યુમનોઇડ રોબોટ્સ બનાવવાની વાતો સાંભળી હશે, પરંતુ હવે ચીન આ રોબોટ્સને તાલીમ આપવા માટે ખાસ શાળાઓ ચલાવી રહ્યું છે. ગ્લોબલ ટાઈમ્સના અહેવાલ મુજબ ચીનનો ઉદ્દેશ્ય આગામી પેઢીના રોબોટિક્સને માત્ર પ્રયોગશાળાના પ્રયોગો સુધી મર્યાદિત ન રાખતા તેને એક એવા પ્રોડક્ટ તરીકે વિકસાવવાનો છે જેને લોકો ખરીદી શકે અને તેનો ઉપયોગ કરી શકે. આ માટે ચીનના વિવિધ ઔદ્યોગિક વિસ્તારોમાં ટ્રેનિંગ સેન્ટર્સ શરૂ કરવામાં આવ્યા છે.

ફેબ્રુઆરી 2026ની શરૂઆતમાં 'સ્પ્રિંગ ફેસ્ટિવલ ગાલા'માં પોતાની હ્યુમનોઇડ ટેકનોલોજી રજૂ કર્યા પછી ચીને આ દિશામાં ઝડપથી પગલાં ભર્યા છે. અનહુઈ, ઝેજિયાંગ અને શૈનડોંગ જેવા વિસ્તારોમાં રોબોટ્સને અસલી દુનિયાના કામોમાં ઉતારવા માટે તાલીમ કેન્દ્રો સ્થાપિત કરવામાં આવ્યા છે. હાલમાં શૈનડોંગના એક સેન્ટરમાં ડઝનબંધ હ્યુમનોઇડ્સને ટ્રે ઉઠાવવી, કપડાં સંકેલવા અને શેલ્ફમાંથી પાણી લાવવા જેવા મૂળભૂત કામો શીખવવામાં આવી રહ્યા છે.

અન્ય AI ક્ષેત્રોની તુલનામાં રોબોટ્સને તાલીમ આપવી વધુ મુશ્કેલ છે કારણ કે તેના માટે જરૂરી ડેટા ઓનલાઈન ઉપલબ્ધ હોતો નથી. આ ડેટા મશીનો સાથે સીધી વાતચીત કરીને જ તૈયાર કરવો પડે છે. આ ડેટામાં સાંધાની હલનચલન, રફ્તાર, વિઝ્યુઅલ ઇનપુટ, સ્પર્શનો અહેસાસ અને દબાણ જેવી વિગતો હોય છે. હુબેઈના એક સેન્ટરમાં આશરે 100 જેટલા રોબોટ્સ વારંવાર કપડાં પ્રેસ કરવા અને ટેબલ સાફ કરવા જેવા ઘરગથ્થુ કામો કરીને ડેટા એકત્રિત કરી રહ્યા છે.

આ રોબોટ ટ્રેનિંગ સેન્ટર્સ હવે રોબોટિક્સ કંપનીઓ માટે કમાણીનું સાધન પણ બન્યા છે. જિયાંગ્શી અને ગુઆંગ્શીમાં સ્થિત ડેટા કલેક્શન સેન્ટર્સે ચીની રોબોટિક્સ કંપની UBTECH Robotics પાસેથી 566 મિલિયન યુઆનના હ્યુમનોઇડ રોબોટ્સ ખરીદ્યા છે. એવી અપેક્ષા રાખવામાં આવે છે કે આ હ્યુમનોઇડ રોબોટ્સ સૌથી પહેલા ઓટોમોબાઈલ ફેક્ટરીઓ અને લોજિસ્ટિક્સ ક્ષેત્રે કાર્યરત થશે, જ્યાં એકનું એક કામ વારંવાર કરવાનું હોય છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now