બેઇજિંગ: ચીનના દક્ષિણ ભાગમાં કુદરતનો પ્રકોપ જોવા મળ્યો છે, જ્યાં સોમવારની વહેલી સવારે આવેલા એક શક્તિશાળી ભૂકંપને કારણે મોટો વિનાશ સર્જાયો છે. ચીનના Guangxi સ્વાયત્ત પ્રદેશમાં મધ્યરાત્રિએ આવેલા આ જોરદાર આંચકાથી અનેક રહેણાંક ઇમારતો પળવારમાં ધરાશાયી થઈ ગઈ હતી. આ કુદરતી આપત્તિમાં અત્યાર સુધીમાં 2 લોકોના કરુણ મોતના સમાચાર સામે આવ્યા છે, જ્યારે એક વ્યક્તિ હજી પણ લાપતા હોવાનું જાણવા મળ્યું છે. ભૂકંપ એટલો જોરદાર હતો કે, ગાઢ નિદ્રામાં સૂતેલા લોકોમાં ભારે ગભરાટ ફેલાઈ ગયો હતો અને જીવ બચાવવા માટે અબાલ-વૃદ્ધ સૌ અડધી રાત્રે જ પોતાના ઘરો છોડીને રસ્તા પર દોડી આવ્યા હતા. હાલ આખા વિસ્તારમાં ભયનો માહોલ છે અને પ્રશાસન દ્વારા યુદ્ધના ધોરણે બચાવ કામગીરી શરૂ કરવામાં આવી છે
અડધી રાત્રે 5.2ની તીવ્રતાનો આંચકો, પૃથ્વીની સપાટીની નજીક હતું કેન્દ્રબિંદુ
ચીનની સરકારી સમાચાર એજન્સી 'શિન્હુઆ' અને સરકારી ટીવી ચેનલ 'સીસીટીવી'ના સત્તાવાર અહેવાલો અનુસાર, સોમવારે રાત્રે 12:21 વાગ્યે આ વિનાશક આંચકો અનુભવાયો હતો. રિક્ટર સ્કેલ પર આ ભૂકંપની તીવ્રતા 5.2 માપવામાં આવી છે. આ ધરતીકંપ લિઉઝોઉ શહેરના લિઉનાન જિલ્લામાં આવ્યો હતો, જેનું મુખ્ય કેન્દ્રબિંદુ તાઇયાંગચુન નગર પાસે હોવાનું સરકારી એજન્સીઓએ જણાવ્યું છે. ભૂગર્ભ વૈજ્ઞાનિકોના જણાવ્યા મુજબ, આ ભૂકંપનું કેન્દ્ર જમીનથી માત્ર 8 કિલોમીટરની ઊંડાઈએ હતું. કેન્દ્રબિંદુ પૃથ્વીની સપાટીથી ઘણું નજીક હોવાને કારણે આંચકાની તીવ્રતા અત્યંત ઘાતક સાબિત થઈ હતી અને આસપાસના વિસ્તારોમાં મોટું નુકસાન પહોંચાડ્યું છે.
13 ઇમારતો જમીનદોસ્ત: સાવચેતીના ભાગરૂપે 7000થી વધુ લોકોનું સ્થળાંતર
ધરતી ધ્રુજવાના કારણે લિઉઝોઉ અને તેની આસપાસના વિસ્તારોમાં સેકન્ડોની અંદર જ 13 જેટલી ઇમારતો પત્તાના મહેલની જેમ જમીનદોસ્ત થઈ ગઈ હતી. આ ઉપરાંત સેંકડો અન્ય મકાનો અને રહેણાંક સોસાયટીઓમાં મોટી તિરાડો પડી ગઈ છે. પરિસ્થિતિની ગંભીરતા અને માનવ જિંદગીની સુરક્ષાને ધ્યાનમાં રાખીને સ્થાનિક વહીવટીતંત્રે તાત્કાલિક એક્શન લીધા છે. સંભવિત આફ્ટરશોક્સના જોખમને ટાળવા માટે અત્યાર સુધીમાં 7000થી વધુ લોકોને અસરગ્રસ્ત વિસ્તારોમાંથી સુરક્ષિત સ્થળોએ ખસેડવામાં આવ્યા છે. આપત્તિ વ્યવસ્થાપન વિભાગ દ્વારા વિસ્થાપિતો માટે અસ્થાયી રાહત શિબિરો (Relief Camps) શરૂ કરવામાં આવી છે, જ્યાં તેમને રહેવા અને જમવા સહિતની તમામ જરૂરી સુવિધાઓ પૂરી પાડવામાં આવી રહી છે.
કાટમાળ હટાવવા રેસ્કયૂ ઓપરેશન તેજ, અન્ય મોટા શહેરો પણ ધ્રુજ્યા
સ્થાનિક પ્રશાસનના જણાવ્યા અનુસાર, ધરાશાયી થયેલી ઇમારતોના કાટમાળ નીચે હજી પણ કેટલાક લોકો દબાયા હોવાની આશંકાને પગલે બચાવ ટુકડીઓ (Rescue Teams) આધુનિક સાધનો સાથે સતત કાર્યરત છે. આ દુર્ઘટનામાં ઇજાગ્રસ્ત થયેલા ચાર લોકોને તાત્કાલિક નજીકની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે, જ્યાં હાલ તેમની સ્થિતિ સ્થિર હોવાનું તબીબોએ જણાવ્યું છે. ગુમ થયેલી એક વ્યક્તિની શોધખોળ માટે રેસ્કયૂ ઓપરેશન હજી પણ ચાલુ છે. નોંધનીય છે કે. આ ભૂકંપની અસર માત્ર લિઉઝોઉ શહેર પૂરતી સીમિત નહોતી, પરંતુ ગુઆંગ્શી પ્રદેશના અન્ય મોટા અને પ્રખ્યાત શહેરો જેવા કે નાનિંગ અને ગુઇલિનમાં પણ લોકોએ લાંબા સમય સુધી જોરદાર આંચકા અનુભવ્યા હતા.
રેલ સેવાઓ ખોરવાઈ, આવશ્યક સુવિધાઓ સામાન્ય રાખવા પ્રયાસ
ભૂકંપના પગલે રેલ્વે સત્તાવાળાઓ દ્વારા ભારે સાવચેતી રાખવામાં આવી રહી છે. ટ્રેનના પાટાઓને કોઈ નુકસાન થયું છે કે નહીં તેની ચકાસણી કરવા માટે તમામ મુખ્ય રેલ લાઇનો પર ઇમરજન્સી સુરક્ષા તપાસ શરૂ કરવામાં આવી છે. ટ્રેક ચેકિંગના કારણે કેટલીક ટ્રેનોના શિડ્યુલ ખોરવાયા છે, જેના લીધે મુસાફરોને થોડો વિલંબ સહન કરવો પડી શકે છે. જોકે, વહીવટીતંત્ર માટે રાહતની વાત એ છે કે, આટલી મોટી આપત્તિ છતાં પ્રદેશમાં વીજળી, પાણી, રાંધણ ગેસ અને ટેલિકોમ્યુનિકેશન (મોબાઇલ અને ઇન્ટરનેટ) જેવી તમામ આવશ્યક સેવાઓ સંપૂર્ણપણે સામાન્ય રીતે કામ કરી રહી છે. ચીનના આપત્તિ વ્યવસ્થાપન વિભાગે આગામી કલાકોમાં હળવા આંચકા (Aftershocks) આવવાની સંભાવના વ્યક્ત કરીને લોકોને ખુલ્લા મેદાનમાં રહેવા અને અત્યંત સતર્ક રહેવાની અપીલ કરી છે.





