Home International Usa Idaho Mountain Home Air Force Base F18 Fighter Jets Crash Pilots Safe

આકાશમાં સર્જાયો ખોફનાક મિડ-એર અકસ્માત : એર શો દરમિયાન હવામાં અથડાયા બે ફાઇટર જેટ, જુઓ કેવી રીતે થયો 4 પાયલોટનો ચમત્કારિક બચાવ

US air show fighter jet crash
Image Credit: Open Source Intel (X)
Published by: Nirali Gohil
Last Updated: May 18, 2026, 04:04 AM IST

fighter jet crash: અમેરિકાના ઇડાહો (Idaho) માં આવેલા એક પ્રખ્યાત એરફોર્સ બેઝ પર આયોજિત એર શો દરમિયાન એક એવી દિલધડક ઘટના સામે આવી છે, જેણે જોનારા તમામ લોકોના શ્વાસ અધ્ધર કરી દીધા હતા! આકાશમાં અદ્ભુત કરતબો બતાવી રહેલા બે અત્યાધુનિક ફાઇટર જેટ્સ એકબીજા સાથે પ્રચંડ વેગે અથડાયા હતા. હવામાં સર્જાયેલી આ જોરદાર ટક્કર બાદ બંને વિમાનો ક્ષણભરમાં જ કાટમાળમાં ફેરવાઈ ગયા હતા અને આકાશમાં કાળા ધુમાડાના ગોટેગોટા છવાઈ ગયા હતા. જો કે, આ કાળજું કંપાવનારી પળો વચ્ચે એક એવો અદ્ભુત ચમત્કાર સર્જાયો હતો, જેણે સૌને હેરાન કરી દીધા છે. વિમાનમાં સવાર ચારેય પાયલોટોએ હિંમત અને સમયસૂચકતાનો એવો પરિચય આપ્યો કે મોતના મુખમાંથી પણ તેઓ હેમખેમ બહાર નીકળી આવ્યા હતા.

આસમાનમાં જ વિમાનોના પરખચ્ચા ઉડ્યા, એરબેઝ પર લોકડાઉન

પ્રાપ્ત અહેવાલો અનુસાર, આ ભયાનક ઘટના અમેરિકાના જાણીતા 'માઉન્ટેન હોમ એરફોર્સ બેઝ' (Mountain Home Air Force Base) ખાતે આયોજિત એર શો દરમિયાન સ્થાનિક સમય મુજબ બપોરે 12:30 વાગ્યે બની હતી. યુએસ નેવીના બે અત્યાધુનિક 'EA-18G ગ્રાઉલર' (Growler) લડાકુ વિમાનો હવામાં હાઈ-સ્પીડ સ્ટન્ટ્સ કરી રહ્યા હતા, ત્યારે અચાનક બંને વચ્ચે ભીષણ ટક્કર થઈ હતી. ટક્કર એટલી પ્રચંડ હતી કે, આકાશમાં જ વિમાનોના ટુકડે-ટુકડે થઈ ગયા હતા અને વિમાન આગના ગોળામાં ફેરવાઈને નીચે ખાબક્યા હતા. આ અણધારી આફત બાદ એરબેઝ પર તાત્કાલિક લોકડાઉન જાહેર કરી દેવામાં આવ્યું હતું અને રાહત તેમજ બચાવ કામગીરીની ટીમોને ઘટનાસ્થળે રવાના કરવામાં આવી હતી.

4 પાયલોટનો હવામાં જ રોમાંચક બચાવ: સેકન્ડોની રમત અને પેરાશૂટ ખુલ્યા!

આ રોમાંચક અકસ્માતનો લાઈવ વીડિયો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. વિમાનો જ્યારે એકબીજા સાથે અથડાયા, તેના બરાબર થોડી જ સેકન્ડોમાં આકાશમાં ચાર પેરાશૂટ ખુલતા જોવા મળ્યા હતા. સ્થાનિક મીડિયા 'ઇડાહો સ્ટેટ્સમેન' ના અહેવાલ મુજબ, વિમાન ક્રેશ થઈને જમીન પર પડે તે પહેલાં જ બંને વિમાનોમાં સવાર કુલ 4 ક્રૂ મેમ્બર્સ (પાયલોટ) સફળતાપૂર્વક 'ઇજેક્ટ' (Eject) થઈ ગયા હતા. જો કે, વિમાનો હવામાં સળગી રહ્યા હતા, પરંતુ ચારેય પાયલોટ પેરાશૂટની મદદથી સંપૂર્ણ સુરક્ષિત રીતે જમીન પર ઉતરી આવ્યા હતા. આ દિલધડક રેસ્ક્યૂ જોઈને એર શો જોવા આવેલા હજારો દર્શકોએ પણ રાહતનો શ્વાસ લીધો હતો.

અમેરિકા-ઈરાન તણાવ વચ્ચે નવો વળાંક: યુરેનિયમ મુદ્દે અમેરિકાની 5 કડક શરતો

8 વર્ષના લાંબા ઇન્તેજાર બાદ યોજાયો હતો શો, તમામ કાર્યક્રમો રદ

માઉન્ટેન હોમ એરફોર્સ બેઝના પ્રવક્તાએ જણાવ્યું છે કે, બંને વિમાનો એરબેઝથી આશરે બે માઈલ દૂર ખુલ્લા મેદાનમાં જઈને ખાબક્યા હતા, જેથી જમીન પર કોઈ જાનહાનિ થઈ નથી. જો કે, આ અકસ્માતના પગલે રવિવારે યોજાનારા અન્ય તમામ એર શોના કાર્યક્રમો તાત્કાલિક અસરથી રદ કરી દેવાયા છે. નોંધનીય છે કે આ 'ગનફાઇટર સ્કીઝ એર શો' (Gunfighter Skies Air Show) પૂરા ૮ વર્ષના લાંબા સમય બાદ યોજવામાં આવ્યો હતો, જેની આયોજકો છેલ્લા બે વર્ષથી રાત-દિવસ તૈયારી કરી રહ્યા હતા.

હોર્મુઝ સ્ટ્રેટ પાર કરીને ગુજરાત પહોંચ્યું LPG જહાજ 'સિમી': 20 હજાર ટન ગેસ લઈને આવ્યું જહાજ

એરબેઝના ભૂતકાળના અકસ્માતોની યાદ તાજી થઈ

આ અકસ્માતે માઉન્ટેન હોમ એરબેઝના ભૂતકાળના કડવા ઇતિહાસની યાદ તાજી કરાવી દીધી છે. આ પહેલાં વર્ષ ૨૦૧૮માં અહીં એક હેંગ ગ્લાઈડર પાયલોટનું અકસ્માતમાં મોત થયું હતું, જ્યારે 2003માં એક પ્રખ્યાત થંડરબર્ડ જેટ પણ ક્રેશ થયું હતું. હાલમાં આર્મીની ઉચ્ચ સ્તરીય તપાસ ટીમો ઘટનાસ્થળે હાજર છે અને મિલિટરી વિમાનોની ટેકનિકલ ખામી તેમજ સુરક્ષા વ્યવસ્થાને લઈને બારીકાઈથી તપાસ શરૂ કરવામાં આવી છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now