Home Tech/Gadgets China Develops Nuclear Battery 50 Years Life No Charging Needed

ચીને બનાવી સિક્કાના સાઈઝની પરમાણુ બેટરી : 50 વર્ષ સુધી ચાર્જ કર્યા વગર ચાલશે

ચીને બનાવી સિક્કાના સાઈઝની પરમાણુ બેટરી
Published by: OBS Bureau
Last Updated: Dec 16, 2025, 06:00 PM IST

ટેકનોલોજીની દુનિયામાં એક મોટી ક્રાંતિ સર્જતા ચીને એક એવી બેટરી વિકસાવી છે જે તમારા ગેજેટ્સને અડધી સદી સુધી પાવર આપી શકે છે. બેઈજિંગ સ્થિત બીટાવોલ્ટ ટેકનોલોજી કંપનીએ દાવો કર્યો છે કે તેમણે એક પરમાણુ બેટરી તૈયાર કરી છે જેનું કદ માત્ર એક સિક્કા જેટલું છે. આ નાનકડી બેટરી એકવાર લગાવ્યા પછી તેને 50 વર્ષ સુધી ચાર્જ કરવાની કે બદલવાની જરૂર પડતી નથી. આ શોધ ઈલેક્ટ્રોનિક્સ જગતમાં ધરમૂળથી ફેરફાર લાવી શકે છે.

આ ચમત્કારિક બેટરીનું નામ BV100 રાખવામાં આવ્યું છે. આ બેટરી નિકલ-63 આઈસોટોપના કિરણોત્સર્ગી સડોમાંથી ઉર્જા ઉત્પન્ન કરે છે. આ પ્રક્રિયામાં બીટા કણો મુક્ત થાય છે જેને વીજળીમાં રૂપાંતરિત કરવામાં આવે છે. આ માટે ચીને પોતાની ચોથી પેઢીની ડાયમંડ સેમીકન્ડક્ટર ટેકનોલોજીનો ઉપયોગ કર્યો છે. કંપનીના જણાવ્યા અનુસાર આ બેટરી સંપૂર્ણપણે સુરક્ષિત છે અને તેમાં આગ લાગવાનો કે વિસ્ફોટ થવાનો કોઈ ભય નથી. તે -60 થી 120 ડિગ્રી સેલ્સિયસ તાપમાનમાં પણ કામ કરી શકે છે.

હાલમાં આ બેટરી 3 વોલ્ટ અને 100 માઈક્રોવોટ પાવર જનરેટ કરે છે જે નાના ઉપકરણો માટે પૂરતો છે. જોકે કંપની ટૂંક સમયમાં 1 વોલ્ટની ક્ષમતા ધરાવતી બેટરી લાવવાની તૈયારી કરી રહી છે. આ ટેકનોલોજીનો ઉપયોગ ભવિષ્યમાં સ્માર્ટફોન અને ડ્રોન જેવા ઉપકરણોમાં થઈ શકશે. કલ્પના કરો કે તમારે તમારો મોબાઈલ ક્યારેય ચાર્જ કરવો જ ન પડે અથવા ડ્રોન સતત હવામાં ઉડતું રહી શકે. આ ઉપરાંત મેડિકલ ક્ષેત્રે પેસમેકર અને આર્ટિફિશિયલ હાર્ટ જેવા ઉપકરણોમાં આ બેટરી આશીર્વાદરૂપ સાબિત થઈ શકે છે.

બીટાવોલ્ટ કંપનીએ આ બેટરીનું માસ પ્રોડક્શન એટલે કે મોટા પાયે ઉત્પાદન કરવાની તૈયારી પણ શરૂ કરી દીધી છે. જો આ પ્રયોગ સફળ રહ્યો તો આવનારા સમયમાં પાવર બેંક અને ચાર્જર ઈતિહાસ બની જશે. પર્યાવરણની દૃષ્ટિએ પણ આ ફાયદાકારક છે કારણ કે લિથિયમ બેટરીની જેમ આમાં રિસાયક્લિંગની ઝંઝટ નથી રહેતી. 50 વર્ષ પછી આ બેટરી તાંબામાં પરિવર્તિત થઈ જાય છે જે બિલકુલ નુકસાનકારક નથી.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now