Wedding Viral Story : ચીનમાંથી એક અત્યંત વિચિત્ર અને આઘાતજનક લગ્નની કહાની સોશિયલ મીડિયા પર ભારે વાયરલ થઈ રહી છે. અહીં એક 32 વર્ષના યુવકે માત્ર 5 મિનિટના વીડિયો કોલના આધારે લગ્ન કરવાનો મોટો નિર્ણય લઈ લીધો હતો. આ લગ્ન પાછળ પરિવારે આશરે 36.95 લાખ રૂપિયાનો મોટો ખર્ચ કર્યો હતો, પરંતુ અફસોસ કે આ સંબંધ માત્ર 9 દિવસ જ ટકી શક્યો. લગ્ન પછી પત્ની વિશે એવા ખુલાસા થયા કે યુવકે તરત જ છૂટાછેડા માંગી લીધા હતા.
ઉતાવળિયો નિર્ણય અને મેચમેકિંગ સેન્ટર
આજકાલના સમયમાં લગ્નજીવનનો નિર્ણય ખૂબ જ સમજી વિચારીને લેવો જોઈએ, પરંતુ ચીનના ઝેજિયાંગ પ્રાંતમાં રહેતા ગુ નામના યુવકે ભારે ઉતાવળ કરી દીધી. 32 વર્ષના ગુએ એક સ્થાનિક મેચમેકિંગ સેન્ટરમાં આશરે 200 યુઆન એટલે કે 2,800 ભારતીય રૂપિયા આપીને રજીસ્ટ્રેશન કરાવ્યું હતું. આ સેન્ટરે તેની મુલાકાત શાંક્સી પ્રાંતની એક 30 વર્ષની મહિલા સાથે કરાવી હતી. બંને વચ્ચે માત્ર 5 મિનિટનો વીડિયો કોલ થયો અને ગુએ લગ્ન માટે હા પાડી દીધી.
આ પણ ખાસ વાંચો : 2015માં પાકની ચીન સાથે 8 સબમરીનની થઈ હતી ડીલ, પણ 2026માં મળી 1 : જાણો દરિયામાં ભારતનો કેટલો છે પાવર
પરિવારનું દબાણ અને પ્રોફાઇલનો દાવો
ગુ પોતાના માતાપિતાનો એકમાત્ર પુત્ર હોવાથી તેના પર વહેલા લગ્ન કરવાનું પારિવારિક દબાણ હતું. મેચમેકિંગ સેન્ટરે તેને જે મહિલાની પ્રોફાઇલ બતાવી હતી, તેમાં દાવો કરાયો હતો કે મહિલા પર કોઈ દેવું નથી, તેનો કોઈ ગુનાહિત રેકોર્ડ નથી અને તે એકદમ સ્વસ્થ છે. પ્રોફાઇલમાં એવું પણ લખ્યું હતું કે તે ઝડપી લગ્ન એટલે કે 'ફ્લેશ મેરેજ' માટે અને લગ્ન પછી બીજા શહેરમાં રહેવા માટે પણ તૈયાર છે. 5 મિનિટના કોલ દરમિયાન યુવકે થોડા પ્રશ્નો પૂછ્યા હતા, પણ મોટાભાગના જવાબો મેચમેકરે જ આપ્યા હતા.
લાખો રૂપિયાનો આંધળો ખર્ચ
વીડિયો કોલ પૂરો થતાં જ ગુ અને તેના પરિવારે લગ્નની પ્રક્રિયા આગળ વધારી દીધી. લગ્નની તૈયારીઓમાં પરિવારે આશરે 265000 યુઆન એટલે કે 36.95 લાખ રૂપિયાનો મોટો ખર્ચ કરી નાખ્યો. આમાંથી 100000 યુઆન (આશરે 13.94 લાખ રૂપિયા) દહેજ તરીકે અપાયા હતા, જ્યારે 160000 યુઆન (આશરે 22 લાખ રૂપિયા) મેચમેકિંગ સેન્ટરની ફી તરીકે ચૂકવાયા હતા. નવાઈની વાત એ હતી કે લગ્ન પહેલા ગુ કે તેના પરિવારે મહિલાને રૂબરૂ મળી પણ નહોતી. મેચમેકર તે મહિલાને ગુના શહેરમાં લાવ્યો અને 3 દિવસમાં લગ્ન રજીસ્ટર થઈ ગયા.
આ પણ વાંચો: ભારતની ચિંતા વધી! : 1971ની હાર બાદ પાકિસ્તાનનો મોટો પ્લાન, બંગાળની ખાડીમાં વધશે હાજરી?
લગ્ન પછી સામે આવ્યું પત્નીનું સત્ય
લગ્ન પછી જ્યારે ગુ તેની પત્ની સાથે બેંકમાં ક્રેડિટ રિપોર્ટ ચેક કરવા ગયો ત્યારે તેના હોશ ઉડી ગયા. રિપોર્ટમાં જાણવા મળ્યું કે પત્ની પર 100000 યુઆનનું દેવું હતું. મહિલાએ બહાનું બનાવ્યું કે આ દેવું તેના જૂના બોયફ્રેન્ડનું છે. એટલું જ નહીં, ગુએ જોયું કે પત્નીના મોબાઈલ પેમેન્ટ એપ પર નામ અલગ હતું, જે મેચમેકિંગ સેન્ટરે આપેલા નામ સાથે મેચ થતું નહોતું. બાદમાં ગુને ખબર પડી કે મહિલાના લીવર એન્ઝાઇમ્સ પણ વધેલા છે અને તેને વજન ઘટાડવાની જરૂર છે.
9 દિવસમાં સંબંધનો અંત અને કાનૂની લડાઈ
લગ્નના માત્ર 9 દિવસમાં પત્નીના જૂઠથી પરેશાન થઈને ગુએ છૂટાછેડાની માંગ કરી. શરૂઆતમાં મહિલા સહમત થઈ, પણ પછીથી તેણે ગુ સામે માનસિક સતામણીનો કેસ કરીને 50000 યુઆન (આશરે 7,00,000 ભારતીય રૂપિયા) ના વળતરની માંગ કરી દીધી. બીજી તરફ, ગુએ મેચમેકિંગ સેન્ટર સામે પણ છેતરપિંડીનો કેસ કર્યો છે અને પોતાની ફી પાછી માંગી છે. જોકે, સેન્ટરે રિફંડ આપવાની ના પાડી દીધી છે.
આ પણ વાંચો: ચીનથી નીકળી પરંતુ પાણી ઉતરી કેમ નહીં? : પાકિસ્તાનની નવી સબમરીન અંગે કેમ ઊભા થયા સવાલો?
ઉતાવળિયા લગ્નથી સોશિયલ મીડિયા પર ચર્ચા
આ વિચિત્ર કિસ્સો અત્યારે આખા ચીનમાં ભારે ચર્ચાનો વિષય બન્યો છે. સોશિયલ મીડિયા પર લોકો કહી રહ્યા છે કે ઓનલાઈન પ્રોફાઇલ અને 5 મિનિટની વાતચીતના આધારે જીવનનો આટલો મોટો નિર્ણય લેવો ખૂબ જ જોખમી છે. કોઈપણ સંબંધમાં વિશ્વાસ અને સાચી માહિતી હોવી જરૂરી છે, નહીં તો પરિવારના દબાણમાં લીધેલો ઉતાવળિયો નિર્ણય આવી મોટી મુશ્કેલી ઊભી કરી શકે છે.





