રાજકોટ શહેરમાં બાળમજૂરીના એક ગંભીર કેસનો પર્દાફાશ થયો છે. શહેર પોલીસના સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ (SOG) અને સમાજ સુરક્ષા વિભાગે સંયુક્ત કાર્યવાહી કરીને પશ્ચિમ બંગાળથી લાવવામાં આવેલા અંદાજિત 20 સગીર બાળકોને એક મકાનમાંથી રેસ્ક્યુ કર્યા છે. શંકા છે કે આ બાળકોને ઇમિટેશન દાગીના બનાવટના કામ માટે રાજકોટ લાવવામાં આવ્યા હતા.
આ બાળકોને બેડી ચોકડી નજીકના મકાનમાં ગોંધી રાખવામાં આવ્યા હતા. તંત્ર દ્વારા તમામ બાળકોને તરત જ રેસ્ક્યુ કરીને તેમની તબિયત માટે મેડિકલ ચેકઅપ અર્થે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું કે બે બાળકોની ઉંમર 14 વર્ષથી ઓછી છે જ્યારે બાકી 18 બાળકોની ઉંમર 14થી 18 વર્ષની વચ્ચે છે.
ઠેકેદાર વિરુદ્ધ કાર્યવાહી
આ પ્રકરણમાં જે ઠેકેદાર દ્વારા બાળકોને લાવવામાં આવ્યા હતા અને તેમને બાંધકામ કે દાગીનાની મજૂરીમાં રોકવામાં આવ્યા હતા, તેમના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. બાંગ્લાદેશી નાગરિકોની તપાસના ભાગરૂપે મળેલી માહિતીના આધારે પોલીસ કાર્યવાહી આગળ વધારશે.
પોલીસ અને સુરક્ષા વિભાગે સંયુક્ત રીતે ચલાવ્યું ઓપરેશન
આ રેસ્ક્યુ ઓપરેશનમાં SOG ઉપરાંત એન્ટી હ્યુમન ટ્રાફિકિંગ યુનિટ, સમાજ સુરક્ષા વિભાગ અને બી-ડિવિઝન પોલીસ સ્ટેશનના કર્મચારીઓ પણ સામેલ રહ્યા હતા. ગોપાલનગરની શેરી નંબર એકના ખૂણે આવેલ મકાનમાં રેહતું બાળક સમૂહ મળી આવતાં તત્કાળ કાર્યવાહી કરવામાં આવી હતી.
હાલમાં બાળકોના નિવાસ, લાવવાનું માધ્યમ અને વધુ કોઈ માસ્ટરમાઇન્ડ પાછળ છે કે નહીં તે દિશામાં તપાસ ચાલી રહી છે. પોલીસ દ્વારા જણાવ્યું છે કે આ કેસમાં બાળ મજૂરી અને માનવ વેપાર સંબંધિત કાયદા હેઠળ ગુનો દાખલ કરવામાં આવશે.
'ગુજરાતનું અપમાન સહન નહીં થાય': મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના મલ્લિકાર્જુન ખડગે સામે આકરા પ્રહાર





