Home Gujarat Chaos As City Bus Crashes Into Tree After Driver Suddenly Loses Control

વડોદરા યુનિવર્સિટી બહાર સીટી બસનો અકસ્માત : ડ્રાઇવરને અચાનક ખેચ આવતાં સીટી બસ ઝાડ સાથે અથડાતા અફરાતફરીનો માહોલ

વડોદરા યુનિવર્સિટી બહાર સીટી બસનો અકસ્માત
Published by: OBS Bureau
Last Updated: Jan 18, 2026, 03:44 AM IST

Vadodara City Bus Accident: વડોદરા શહેરમાં એક મોટી દુર્ઘટના સર્જાતી ટળી હતી. સયાજીગંજ વિસ્તારમાં વડોદરા રેલવે સ્ટેશન તરફથી નીકળેલી સર્ક્યુલર સીટી બસ અચાનક અકસ્માતનો ભોગ બની હતી. સાંજના વ્યસ્ત સમયમાં બનેલી આ ઘટનાએ થોડા ક્ષણો માટે લોકોમાં ભયનો માહોલ ફેલાવી દીધો હતો. પ્રાથમિક માહિતી મુજબ, બસ ચાલકને અચાનક ખેંચ (ફિટ) આવતા સ્ટિયરિંગ પરથી કાબૂ ગુમાવી બેઠો હતો, જેના કારણે બસ સીધી યુનિવર્સિટી બહાર આવેલા ઝાડ સાથે જોરદાર રીતે અથડાઈ હતી.

અકસ્માત બાદ અફરાતફરી મચી

બસમાં અંદાજે 10 જેટલા મુસાફરો સવાર હતા. બસ ઝાડ સાથે અથડાતાની સાથે જ અંદર બેઠેલા મુસાફરોમાં અફરાતફરી મચી ગઈ હતી. એકાએક બનેલી ઘટનાને કારણે મુસાફરોના જીવ અધ્ધર થઈ ગયા હતા. સદનસીબે બસની ગતિ વધુ ન હોવાને કારણે કોઈ મોટી જાનહાની સર્જાઈ નહોતી. અકસ્માત બાદ સ્થળ પર ભારે અફરાતફરી જોવા મળી હતી અને આસપાસના લોકો મદદ માટે દોડી આવ્યા હતા. અકસ્માત સમયે બસના ચાલક ધર્મેન્દ્ર ઝાલા સ્ટિયરિંગ નીચે ફસાઈ ગયા હતા. યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ તથા સ્થાનિક લોકોએ તરત જ ચાલકને બહાર કાઢવાના પ્રયાસો કર્યા હતા, પરંતુ તેઓ સ્ટિયરિંગમાં ફસાયેલા હોવાથી બહાર કાઢવું મુશ્કેલ બન્યું હતું.

ઇજાગ્રસ્ત ચાલકને હોસ્પિટલમાં ખસેડાયો

ઘટનાની જાણ થતાં જ ફાયર બ્રિગેડના જવાનો તાત્કાલિક સ્થળ પર પહોંચ્યા હતા. ફાયર લશ્કરોએ કટર મશીનની મદદથી ડ્રાઇવર સાઈડનો દરવાજો કાપી ચાલકને સહીસલામત રીતે બહાર કાઢ્યો હતો. રેસ્ક્યુ બાદ ઇજાગ્રસ્ત બસ ચાલકને 108 એમ્બ્યુલન્સ મારફતે નજીકની હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો. તબીબોના જણાવ્યા અનુસાર ચાલકને સમયસર સારવાર મળી જતા તેની હાલત હાલ સ્થિર છે. બસમાં સવાર તમામ મુસાફરો સુરક્ષિત રહ્યા હતા અને કોઈને ગંભીર ઈજા પહોંચેલી નહોતી, જેને લઈ સૌએ રાહતનો શ્વાસ લીધો હતો.

કેવી રીતે બની સમગ્ર ઘટના

બસના કંડકટર શૈલેષ બામણીયાએ ઘટનાની વિગત આપતાં જણાવ્યું હતું કે, “ડેરી ડેન પાસે ડ્રાઇવર સાઈડનો ગ્લાસ અચાનક ભટકાયો હતો. મેં તરત જ બ્રેક મારવાની વાત કરી હતી, પરંતુ ચાલકને ખેંચ આવતાં તેને કશું સમજાયું નહોતું અને બસ ઝાડ સાથે અથડાઈ ગઈ.” ઘટનાને પગલે થોડા સમય માટે માર્ગ પર વાહન વ્યવહાર અસરગ્રસ્ત બન્યો હતો. પોલીસ અને ટ્રાફિક વિભાગે તાત્કાલિક કાર્યવાહી કરી સ્થિતિ પર કાબૂ મેળવ્યો હતો. મોટી દુર્ઘટના ટળી જતા તંત્ર તેમજ સ્થાનિક લોકોએ સંતોષ અને રાહતનો અનુભવ કર્યો હતો.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now