Home National Chandrayaan 2 Discovers Subsurface Ice Moon South Pole Prl Study

જ્યાં સૂર્યનો પ્રકાશ ક્યારેય પહોંચતો નથી, ત્યાંથી મળ્યું પાણી : ચંદ્રયાન-2 ના આ ડેટાને જોઈ વૈજ્ઞાનિકો પણ આશ્ચર્યમાં!

Moon
Published by: Aryan Shah
Last Updated: May 29, 2026, 10:28 AM IST

Chandrayaan-2 : ભારતના સ્પેસ મિશન ચંદ્રયાન-2 ને લઈને એક ખૂબ જ ઉત્સાહજનક સમાચાર સામે આવ્યા છે. આ મિશન લોન્ચ થયાના લગભગ છ વર્ષ પછી પણ સ્પેસ એજન્સી ઇસરોને સતત મહત્વનો ડેટા મોકલી રહ્યું છે. હાલમાં જ વૈજ્ઞાનિકોએ આ ડેટાના આધારે ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર જમીનની અંદર બરફ હોવાની સંભવિત હાજરી શોધી કાઢી છે. આ શોધથી આખી દુનિયાના વૈજ્ઞાનિકોમાં ખુશીનો માહોલ છે.

નવી શોધ પાછળ કોનો હાથ છે

ચંદ્ર પર બરફ શોધવાનું આ મહત્વનું કામ અમદાવાદની ભૌતિક સંશોધન પ્રયોગશાળા એટલે કે PRL ના વૈજ્ઞાનિકોએ કર્યું છે. તેમણે ચંદ્રયાન-2 માં લગાવેલા ખાસ રડાર પેલોડ જેનું નામ ડ્યુઅલ ફ્રીક્વન્સી સિન્થેટિક એપર્ચર રડાર (DFSAR) છે તેના દ્વારા લેવાયેલા અવલોકનોનો ઊંડો અભ્યાસ કર્યો અને આ પરિણામ મેળવ્યું છે.

અંધારા ખાડાઓમાં છુપાયેલું રહસ્ય

આ સંશોધનમાં વૈજ્ઞાનિકોએ ચંદ્રના એવા ખાડાઓ પર ધ્યાન કેન્દ્રિત કર્યું હતું જ્યાં ક્યારેય સૂર્યપ્રકાશ પહોંચતો નથી. આ વિસ્તારો કાયમી અંધારામાં રહે છે અને સૂર્યના કિરણો ન પડવાને કારણે અહીંનું તાપમાન માઈનસ 25 કેલ્વિન સુધી નીચું રહે છે. આટલી ભયંકર ઠંડીને કારણે આ સ્થાનો કરોડો વર્ષોથી પાણી અને બરફને સાચવી રાખવા માટે સૌથી ઉત્તમ માનવામાં આવે છે.

ISROને ઐતિહાસિક સફળતા!: ચંદ્રયાન-2એ શોધ્યા બરફના મજબૂત નિશાન, શું મળશે પાણીનો ભંડાર?

વૈજ્ઞાનિકોને કેવી રીતે ખબર પડી

અદ્યતન રડાર ટેકનોલોજીનો ઉપયોગ કરીને વૈજ્ઞાનિકોએ દક્ષિણ ધ્રુવના ચાર મોટા ખાડાઓની નીચે ખાસ રડાર સિગ્નલ મેળવ્યા છે. ઇસરોના જણાવ્યા અનુસાર જ્યારે રડારના ખાસ માપદંડો જેમ કે સીપીઆર (CPR) નું મૂલ્ય 1 થી વધુ અને ડીઓપી (DOP) નું મૂલ્ય 0.13 થી ઓછું હોય ત્યારે તે જમીનની અંદર બરફ હોવાનો પાકો સંકેત આપે છે. આ પદ્ધતિ પથ્થરો અને બરફ વચ્ચેનો તફાવત સરળતાથી સમજાવે છે.

ફોસ્ટિની ખાડાની ખાસિયત

વૈજ્ઞાનિકોએ જે ચાર ખાડાઓનો અભ્યાસ કર્યો તેમાંથી ફોસ્ટિની નામના ખાડાની અંદર આવેલો 1.1 કિલોમીટર વ્યાસનો નાનો ખાડો સૌથી ખાસ છે. અહીં જમીનની અંદર બરફ હોવાના પાકા પુરાવા મળ્યા છે. આ ખાડાની કિનારીઓ વહેતા પ્રવાહી જેવી દેખાય છે જે દર્શાવે છે કે ભૂતકાળમાં જ્યારે કોઈ ઉલ્કા અહીં ટકરાઈ હશે ત્યારે તે જમીનની અંદરના બરફને ચીરીને અંદર ગઈ હશે.

ભવિષ્યના મિશન માટે અમૃત સમાન શોધ

આ શોધ ભવિષ્યમાં ચંદ્ર પર મોકલવામાં આવનારા માનવ મિશન અને સ્પેસ ક્રાફ્ટ માટે ગેમ ચેન્જર સાબિત થશે. તેનાથી એ જાણવામાં મદદ મળશે કે ચંદ્ર પર કઈ જગ્યાએ પાણી ઉપલબ્ધ છે જેથી ભવિષ્યના લેન્ડિંગ માટે યોગ્ય જગ્યા પસંદ કરી શકાય અને ત્યાં રહેલા સંસાધનોનો સીધો ઉપયોગ સ્પેસ રિસર્ચમાં કરી શકાય.

ચંદ્રયાન-2 મિશનનો ઇતિહાસ

તમને જણાવી દઈએ કે, ભારતનું આ બીજું ચંદ્ર મિશન જુલાઈ 2019 માં લોન્ચ કરવામાં આવ્યું હતું. જોકે તે સમયે વિક્રમ લેન્ડરનું ચંદ્રની સપાટી પર લેન્ડિંગ કરતી વખતે ગ્રાઉન્ડ સ્ટેશન સાથેનો સંપર્ક તૂટી ગયો હતો પરંતુ ચંદ્રયાન-2 નું ઓર્બિટર હજી પણ ચંદ્રની આસપાસ એકદમ સુરક્ષિત રીતે ફરી રહ્યું છે અને તેના તમામ સાધનો યોગ્ય રીતે કામ કરી રહ્યા છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now