Chandigarh BJP office scooty blast: ચંદીગઢમાં ભારતીય જનતા પાર્ટીના કાર્યાલયની બહાર એક જોરદાર વિસ્ફોટ થયો છે. અહીં સેક્ટર 37 સ્થિત ઓફિસની બહાર એ સમયે ભારે નાસભાગ મચી ગઈ જ્યારે એક સ્કૂટીમાં અચાનક ધડાકો થયો. આ વિસ્ફોટ એટલો શક્તિશાળી હતો કે જમીન પર તેના નિશાન પડી ગયા છે, જેના પરથી ઘટનાની ગંભીરતાનો અંદાજ લગાવી શકાય છે.
પોલીસ દ્વારા તપાસ તેજ
ઘટનાની જાણ થતા જ ચંદીગઢ પોલીસના ઉચ્ચ અધિકારીઓ સ્થળ પર દોડી આવ્યા હતા. એસએસપી (SSP) પણ પોતાની ટીમ સાથે ઘટનાસ્થળે પહોંચી ગયા છે અને પરિસ્થિતિની સમીક્ષા કરી છે. હાલ પોલીસે સમગ્ર વિસ્તારને ઘેરી લીધો છે અને તપાસ શરૂ કરી દીધી છે. આ ધડાકો કયા કારણોસર થયો અને તેની પાછળ કોઈ ષડયંત્ર છે કે કેમ, તે દિશામાં તપાસ હાથ ધરવામાં આવી રહી છે.
વિસ્ફોટ બાદ ઘટનાસ્થળે દૂર-દૂર સુધી છરા વિખરાયેલા જોવા મળ્યા હતા, જે સુરક્ષા એજન્સીઓ માટે ચિંતાનો વિષય છે. પોલીસે અત્યારે સુરક્ષા વધારી દીધી છે અને આસપાસના સીસીટીવી ફૂટેજ પણ તપાસવામાં આવી રહ્યા છે.





