ભરૂચની મેટ્રો પોલીમર કંપનીમાં 23 એપ્રિલ 2026 ગુરુવારે આગ લાગવાની ઘટના સામે આવી હતી. આ અકસ્માતમાં કુલ 15 જેટલા કામદારો દાઝી જવાના અહેવાલ સામે આવ્યા હતા, જેમાંથી આજે સારવાર દરમિયાન બે કામદારોના મોત નિપજતાં પરિસ્થિતિ વધુ સંવેદનશીલ બની હતી. ત્યારે આ ઘટનામાં વધુ એક મુદ્દો ઉછળ્યો છે જેમાં AAP MLA ચૈતર વસાવા અને મૃતકના કૌટુંબિક ભાઈ રોશન વસાવા વચ્ચે છુટ્ટા હાથની મારામારી થઈ છે.
આ મારામારી બાદ રોશન વસાવાએ એક વીડિયો શેર કરીને આક્ષેપ કર્યા હતા કે, "ચૈતર વસાવા પૈસા પડાવવા માટે આવ્યા છે, કોઈએ તેમણે બોલાવ્યા નથી." વધુમાં તેમણે જણાવ્યું કે, "અમારે પોલીસની હાજરીમાં કંપનીના ડાયરેક્ટર વચ્ચે સમાધાન પણ થઈ ગયું હતું." ત્યારે હવે આ મામલે AAP MLA ચૈતર વસાવાએ વીડિયો શેર કર્યો છે.
ગેટ પર તણાવ: વળતર મુદ્દે ટકરાવ
ચૈતર વસાવાના કહ્યું કે, તેઓ તેમના સમર્થકો અને પીડિત પરિવારજનો સાથે કંપનીના ગેટ પર પહોંચ્યા હતા. તેમના જણાવ્યા મુજબ, સવારે 11:30 થી બપોરે 1:00 વાગ્યા સુધી તેઓ ગેટ બહાર રાહ જોઈ રહ્યા હતા અને કંપની મેનેજમેન્ટ સાથે વાતચીત માટે પોલીસને વિનંતી કરી હતી.
તેમણે આક્ષેપ કર્યો કે પોલીસ અધિકારીઓએ મેનેજમેન્ટના પ્રતિનિધિઓને બોલાવવાની જગ્યાએ કેટલાક એવા લોકોને હાજર રાખ્યા હતા, જેઓ પીડિત પરિવારો સાથે સીધો સંબંધ ધરાવતા નહોતા. આ દરમિયાન વળતર અંગે ચર્ચા થઈ, જેમાં કંપની તરફથી માત્ર 15 લાખ રૂપિયાની મર્યાદા દર્શાવવામાં આવી હોવાનું જણાવાયું છે.
પીડિત પરિવારજનો આ રકમથી અસંતોષ વ્યક્ત કરતા હતા અને “માનવતાના ધોરણે વધુ સહાય”ની માંગણી કરી રહ્યા હતા. આ મુદ્દે બંને પક્ષ વચ્ચે લાંબા સમય સુધી ટકરાવ ચાલ્યો હતો.
આ પણ વાંચો: ઝઘડીયા ફેક્ટરી કાંડમાં મૃતકના ભાઈ અને ચૈતર વસાવા વચ્ચે લાફાલાફી! : AAP ના MLA પર પૈસા લીધાનો આક્ષેપ!
ગેટ કૂદીને પ્રવેશ અને ઝપાઝપીનો આરોપ
ચૈતર વસાવાના નિવેદન મુજબ, લાંબા સમય સુધી ગેટ ન ખોલાતા તેઓ અને તેમની ટીમ કંપનીના પરિસરમાં પ્રવેશ્યા હતા. તેમણે દાવો કર્યો કે અંદર પ્રવેશ્યા બાદ એક વ્યક્તિ દ્વારા તેમની સાથે ઝપાઝપી કરવામાં આવી હતી, જે ઘટનાના વીડિયો સોશિયલ મીડિયા પર પણ ચર્ચાનો વિષય બન્યા છે.
તેમણે જણાવ્યું કે તેઓ માત્ર પીડિત પરિવારો માટે વાતચીત કરવા ગયા હતા, પરંતુ પરિસ્થિતિ બગડતી ગઈ અને સંવાદની જગ્યાએ અથડામણ સર્જાઈ. બાદમાં તેઓ બહાર આવ્યા ત્યારે પોલીસ દ્વારા “જાહેરનામું”નો હવાલો આપી લાઠીચાર્જ જેવા પ્રયાસોથી લોકોને હટાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હોવાનું પણ તેમણે આરોપ લગાવ્યો છે.
AAPના સોશિયલ મીડિયા ગ્રૂપમાં આ તસવીર વાયરલ કરાઈ
પોલીસ પર ગંભીર આક્ષેપ
ચૈતર વસાવાએ પોલીસની ભૂમિકા પર પણ ગંભીર સવાલો ઉઠાવ્યા છે. તેમણે આરોપ લગાવ્યો કે ઘટનાના પાંચ દિવસ દરમિયાન પોલીસ સ્થળ પર સક્રિય નહોતી, પરંતુ જ્યારે તેઓ ત્યાં પહોંચ્યા ત્યારે પોલીસ મોટી સંખ્યામાં હાજર રહી અને કંપની મેનેજમેન્ટના પક્ષમાં કાર્ય કર્યું.
તેમણે આક્ષેપ કર્યો કે પોલીસ અધિકારીઓએ કંપનીના માલિકના કહેવા મુજબ વર્તન કર્યું અને પીડિતોને યોગ્ય વળતર મળવા દેવા માટે પ્રયાસ કર્યા નથી. તેમણે આ વર્તનને “નિંદનીય” અને “દુઃખદાયક” ગણાવ્યું છે.
આ પણ વાંચો: "તારે હીરો બનવાની કોઈ જરૂર નથી" : ચૈતર વસાવા સાથે લાફાલાફી કરનાર કોણ છે રોશન વસાવા?
કામદારો અને સમાજને અપીલ
ચૈતર વસાવાએ આ સમગ્ર ઘટનાને ગંભીર ગણાવતા ઝઘડિયા અને આસપાસની GIDC વિસ્તારોમાં કામ કરતા તમામ કામદારો અને સ્થાનિક લોકોને એકજુટ થવાની અપીલ કરી છે. તેમણે જણાવ્યું કે આ માત્ર એક પરિવારનો પ્રશ્ન નથી, પરંતુ સમગ્ર કામદારોના હકો અને સુરક્ષાનો મુદ્દો છે.
તેમણે ચેતવણી આપી કે જો આવી ઘટનાઓ સામે મજબૂત અવાજ નહીં ઉઠાવવામાં આવે, તો ભવિષ્યમાં આવી દુર્ઘટનાઓ વધવાની શક્યતા છે. તેમણે લોકોને આગાહી આપી કે આગામી સમયમાં આ મુદ્દે વધુ કાર્યક્રમો યોજાશે અને ત્યારે સૌએ ઉપસ્થિત રહીને પીડિતોને ન્યાય અપાવવો જોઈએ.





