Home Gujarat Vadodara Chaitar Vasava Roadshow Dediapada Sagbara Aap Power Show

ચૈતર વસાવાએ ગજવ્યું ડેડીયાપાડા-સાગબારા : ભવ્ય રોડ શો અને પ્રચંડ જનમેદની સાથે AAPનું શક્તિ પ્રદર્શન

ચૈતર વસાવાની આગેવાનીમાં યોજાયેલા રોડ શોમાં ઉમટેલી જનમેદની
Published by: Viral Patel
Last Updated: Apr 09, 2026, 12:23 PM IST

Narmada News: ગુજરાતના રાજકારણમાં આદિવાસી નેતા અને ડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાએ ફરી એકવાર પોતાની લોકપ્રિયતા અને સંગઠન શક્તિનો પરિચય આપ્યો છે. આગામી ચૂંટણીના માહોલ વચ્ચે, ચૈતર વસાવાની આગેવાનીમાં સાગબારા અને ડેડીયાપાડા ખાતે ઉમેદવારોના ફોર્મ ભરવા માટે યોજાયેલા કાર્યક્રમમાં હજારોની સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા, જે એક મોટા શક્તિ પ્રદર્શન સમાન બની રહ્યો હતો.

સાગબારામાં પ્રચંડ જનમેદની સાથે ફોર્મ ભરાયા

દિવસની શરૂઆત સાગબારા તાલુકાથી થઈ હતી. ધારાસભ્ય ચૈતર વસાવાની પ્રત્યક્ષ ઉપસ્થિતિમાં આમ આદમી પાર્ટીના ઉમેદવારો ફોર્મ ભરવા માટે પહોંચ્યા હતા. આ સમયે સાગબારામાં 'પ્રચંડ જનમેદની' જોવા મળી હતી. આદિવાસી પરંપરાગત વાદ્યોના ગુંજારવ અને પક્ષના સમર્થનમાં લાગેલા નારાઓથી સમગ્ર વાતાવરણ ગુંજી ઉઠ્યું હતું.

આ પણ વાંચો: સુરતમાં ટેક્સટાઇલ વેપારીઓ સાથે છેતરપિંડી કરનારાઓ હવે ખેર નથી : પોલીસનો ‘એક્શન પ્લાન’ શરૂ

ડેડીયાપાડામાં માનવ મહેરામણ અને ભવ્ય રોડ શો

સાગબારા બાદ ડેડીયાપાડા તાલુકામાં પણ દ્રશ્યો કંઈક આવા જ હતા. ડેડીયાપાડામાં એક ભવ્ય રોડ શોનું આયોજન કરવામાં આવ્યું હતું. આ રોડ શોમાં હજારો કાર્યકરો અને સમર્થકો જોડાયા હતા. હજારોના આ 'માનવ મહેરામણ'ને સંબોધતા અને તેમની વચ્ચેથી પસાર થતા ચૈતર વસાવાએ લોકોનું અભિવાદન ઝીલ્યું હતું. રસ્તાઓ પર ભીડ એટલી હતી કે જાણે માનવ કીડીયારું ઉભરાયું હોય તેવા દ્રશ્યો સર્જાયા હતા.

ચૈતર વસાવાનો જીતનો હુંકાર

રેલી અને રોડ શો બાદ મીડિયા સાથે વાત કરતા ધારાસભ્ય ચૈતર વસાવાએ અત્યંત આત્મવિશ્વાસ વ્યક્ત કર્યો હતો. તેમણે જણાવ્યું હતું કે આજે જે રીતે જનતાનો પ્રેમ અને સમર્થન જોવા મળી રહ્યું છે, તે સ્પષ્ટ કરે છે કે લોકો પરિવર્તન ઈચ્છે છે. ડેડીયાપાડા અને સાગબારાના લોકોના આશીર્વાદ અમારી સાથે છે. અમને સંપૂર્ણ વિશ્વાસ છે કે આ વખતે પણ જનતા અમને જંગી બહુમતીથી વિજયી બનાવશે."

આ પણ વાંચો: સ્થાનિક સ્વરાજની ચૂંટણી ટાણે નેતાઓના ‘કાચિંડા’ વેડા! : સોખડાના પૂર્વ સદસ્યે 48 કલાકમાં બે વાર પક્ષપલ્ટો કરી રાજકારણ ગરમાવ્યું

  • લોકપ્રિયતા: આદિવાસી પટ્ટામાં ચૈતર વસાવાની પકડ મજબૂત હોવાનું ફરી સાબિત થયું.

  • સ્થાનિક પ્રશ્નો: પ્રચાર દરમિયાન સ્થાનિક રોજગારી, શિક્ષણ અને જળ-જંગલ-જમીનના મુદ્દાઓ કેન્દ્ર સ્થાને રહ્યા.

  • યુવા જોશ: રેલીમાં મોટી સંખ્યામાં યુવા કાર્યકરો ઉત્સાહભેર જોડાયેલા જોવા મળ્યા હતા.

આ ભવ્ય રેલી અને શક્તિ પ્રદર્શન બાદ હવે આ વિસ્તારના રાજકીય સમીકરણો તેજ બન્યા છે. વિરોધ પક્ષો માટે પણ ચૈતર વસાવાનો આ લોકસંપર્ક મોટો પડકાર સાબિત થઈ શકે છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now