Surat News: દેશના ટેક્સટાઇલ હબ ગણાતા સુરત શહેરમાં વેપારીઓ સાથે થતી કરોડોની છેતરપિંડી અટકાવવા માટે સુરત શહેર પોલીસ હવે ફૂલ એક્શન મોડમાં આવી ગઈ છે. પોલીસ કમિશનર અનુપમસિંહ ગહલૌત અને અધિક પોલીસ કમિશનર બલરામ મીણાના માર્ગદર્શન હેઠળ સુરત પોલીસે વેપારીઓની સુરક્ષા અને ન્યાય માટે ખાસ ઝુંબેશ હાથ ધરી છે.
‘સંવાદ સેતુ’ દ્વારા વેપારીઓની સમસ્યાઓનું નિવારણ
ગત તા. ૦૬/૦૪/૨૦૨૬ના રોજ સલાબતપુરા સ્થિત ધમણવાલા હોલ ખાતે પોલીસ અને વેપારીઓ વચ્ચે એક ભવ્ય ‘સંવાદ સેતુ’ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં સુરતની અલગ-અલગ ટેક્સટાઇલ માર્કેટના ૨૦૦થી વધુ વેપારીઓ હાજર રહ્યા હતા. પોલીસના ઉચ્ચ અધિકારીઓએ વેપારીઓને છેતરપિંડી (Fraud) થી કેવી રીતે બચવું અને પેમેન્ટ બાબતે કઈ તકેદારી રાખવી તે અંગે વિશેષ માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. આ સાથે જ માર્કેટમાં આગજનીના બનાવો અટકાવવા માટે પણ જરૂરી સૂચનાઓ આપવામાં આવી હતી.
માત્ર ૨ દિવસમાં ૧૬ ગુના દાખલ
આ સંવાદ કાર્યક્રમ દરમિયાન વેપારીઓએ નીડરતાથી પોતાની રજૂઆતો કરી હતી. પોલીસ વિભાગને અંદાજે ૪૫ થી ૫૦ જેટલી અરજીઓ મળી હતી. આ મામલે પોલીસે ત્વરિત કાર્યવાહી કરતા માત્ર બે જ દિવસમાં પ્રાથમિક તપાસ પૂર્ણ કરી શહેરના વિવિધ પોલીસ સ્ટેશનોમાં કુલ ૧૬ ગુનાઓ દાખલ કર્યા છે. દાખલ થયેલા કેસોમાં ₹૨ લાખથી લઈને ₹૨ કરોડ સુધીની છેતરપિંડી થઈ હોવાનું સામે આવ્યું છે. હાલમાં અન્ય ૨૫ જેટલી અરજીઓ પર પણ તપાસ તેજ ગતિએ ચાલી રહી છે.
આરોપીઓને પકડવા ૬ ટીમો અન્ય રાજ્યોમાં રવાના
છેતરપિંડી આચરીને ફરાર થઈ ગયેલા ગઠિયાઓને પકડવા માટે સુરત પોલીસે કમર કસી છે. પોલીસની ૬ થી વધુ સ્પેશિયલ ટીમો બનાવીને અલગ-અલગ રાજ્યોમાં રવાના કરવામાં આવી છે, જેમાં રાજસ્થાન, મહારાષ્ટ્ર, હરિયાણા, દિલ્હી-ગુડગાંવ અને પશ્ચિમ બંગાળ (કોલકાતા)નો સમાવેશ થાય છે.
આ પણ વાંચો: આ વર્ષે વરસાદ ખેંચાશે? : અલ નીનોની અસરથી નબળા ચોમાસાની આગાહી, જાણો કયા મહિનામાં કેટલો પડશે વરસાદ
ગુનેગારો સામે ‘પાસા’ (PASA) નું શસ્ત્ર ઉગામશે પોલીસ
સુરત પોલીસે ગુનેગારોને કડક ચેતવણી આપતા જણાવ્યું છે કે, જે તત્વો વારંવાર ટેક્સટાઇલ ઉદ્યોગને નુકસાન પહોંચાડે છે અને વેપારીઓના પરસેવાની કમાણી હડપ કરી જાય છે, તેમની સામે ‘પાસા’ (PASA) હેઠળ કાર્યવાહી કરવામાં આવશે. અગાઉ પણ આવા કિસ્સાઓમાં કડક પગલાં લેવાયા છે અને ભવિષ્યમાં પણ સુરતના આર્થિક કરોડરજ્જુ સમાન ટેક્સટાઇલ ઉદ્યોગને સુરક્ષિત રાખવા પોલીસ પ્રતિબદ્ધ છે.
આ કાર્યક્રમમાં ઝોન-૧, ૨, ૩ ના ડીસીપી તેમજ સલાબતપુરા, ઉધના, ગોડાદરા, સારોલી અને વરાછા સહિતના વિસ્તારોના એસીપી અને પીઆઈ ખાસ ઉપસ્થિત રહ્યા હતા.





