Home Gujarat Vadodara Sokhda Kiransinh Rathod Party Switch Bjp Congress Vadodara News

સ્થાનિક સ્વરાજની ચૂંટણી ટાણે નેતાઓના ‘કાચિંડા’ વેડા! : સોખડાના પૂર્વ સદસ્યે 48 કલાકમાં બે વાર પક્ષપલ્ટો કરી રાજકારણ ગરમાવ્યું

કિરણસિંહ રાઠોડ
Play Video
Published by: Viral Patel
Last Updated: Apr 09, 2026, 12:08 PM IST

Vadodara News: ચૂંટણીનો માહોલ જામતા જ નેતાઓ માટે વિચારધારા કરતા પોતાની ટિકિટ અને સત્તા વધુ મહત્વની બની જતી હોય છે. કાચિંડાની જેમ રંગ બદલતા નેતાઓનો વધુ એક કિસ્સો સોખડા જિલ્લા પંચાયત બેઠક પરથી સામે આવ્યો છે. સોખડા જિલ્લા પંચાયતના પૂર્વ સદસ્ય કિરણસિંહ રાઠોડના ‘યુ-ટર્ન’ એ રાજકીય આલમમાં ચર્ચા જગાવી છે. માત્ર બે દિવસના ગાળામાં બે વાર પક્ષ પલટો કરીને તેમણે પક્ષ પ્રત્યેની વફાદારીના લીરેલીરા ઉડાડ્યા છે.

મંગળવારે ભાજપને ‘ભરોસા વગરની’ કહી કોંગ્રેસમાં જોડાયા

ઘટનાની વિગત એવી છે કે, કિરણસિંહ રાઠોડ બે વર્ષ પહેલા ભાજપમાં જોડાયા હતા. પરંતુ અચાનક ગત મંગળવારે તેમણે કેસરીયો ખેસ ઉતારી પંજાનો સાથ પકડ્યો હતો. કોંગ્રેસમાં જોડાતી વખતે તેમણે ભાજપ પર આકરા પ્રહારો કરતા જણાવ્યું હતું કે, "ભાજપ સરકાર ભરોસા વગરની છે અને અહીં જનતાના કોઈ કામ થતા નથી." ટિકિટ મેળવવાના તરકટ સાથે તેમણે વિરોધ પક્ષનો આશરો લીધો હતો.

આ પણ વાંચો: ગુજરાત સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ભાજપે પત્તા ખોલ્યા : સુરેન્દ્રનગર અને અરવલ્લી માટે ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર, જાણો કોને મળી ટિકીટ, જુઓ લિસ્ટ

બુધવારે જ્ઞાન લાધ્યું: "મારી ભૂલ થઈ ગઈ, ભાજપ તો ટ્રિપલ એન્જિન સરકાર"

કોંગ્રેસમાં જોડાયાના હજુ ૨૪ કલાક પણ પૂરા નહોતા થયા ત્યાં જ કિરણસિંહના તેવર બદલાઈ ગયા. બુધવારે તેઓ ફરી પાછા ભાજપના શરણે આવ્યા હતા. પક્ષ પલટા પાછળ તેમણે વિચિત્ર બહાનું કાઢતા કહ્યું કે, "કોંગ્રેસ પોતાનું કમિટમેન્ટ પાળતી નથી." ગઈકાલ સુધી જે ભાજપમાં કામ નહોતા થતા, તે જ ભાજપ આજે તેમને "ટ્રિપલ એન્જિન" સરકાર તરીકે શ્રેષ્ઠ લાગવા માંડી. તેમણે જાહેરમાં સ્વીકાર્યું કે, "મારી ભૂલ થઈ ગઈ હતી," અને ફરી કેસરીયો ધારણ કર્યો.

મતદારોમાં રોષ અને રમુજ

રાજકીય સમીક્ષકોનું માનવું છે કે આ માત્ર ટિકિટ મેળવવા માટેનું દબાણ લાવવાનું એક ગતકડું હતું. જોકે, આ પ્રકારના વલણથી પાયાના કાર્યકરો અને મતદારોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. સોશિયલ મીડિયા પર પણ લોકો નેતાઓની આ નીતિમત્તા વગરની રાજનીતિ પર સવાલો ઉઠાવી રહ્યા છે.

  • મંગળવારે: "ભાજપમાં કામ થતા નથી" - કિરણસિંહ

  • બુધવારે: "ભાજપ ટ્રિપલ એન્જિન સરકાર છે" - કિરણસિંહ

  • કારણ: ટિકિટની ખેંચતાણ અને સત્તાની લાલસા.

આ પણ વાંચો: સાયબર ગુનેગારોની હવે ખેર નથી! : DGP ડૉ. કે.એલ.એન રાવે પોલીસ ઇન્સ્પેક્ટરોને આપ્યો ‘પ્રોએક્ટિવ’ મંત્ર, 1930 હેલ્પલાઇન બનશે વધુ મજબૂત

ચૂંટણી સમયે આયાતી નેતાઓ અને પક્ષપલટુઓ માટે જે રીતે લાલ જાજમ બિછાવવામાં આવે છે, તેનાથી પક્ષના નિષ્ઠાવાન કાર્યકરોમાં પણ કચવાટ જોવા મળી રહ્યો છે. હવે જોવાનું એ રહે છે કે, જનતા આવા 'રંગ બદલતા' નેતાઓ પર કેટલો ભરોસો મૂકે છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now