કેન્દ્રીય મંત્રી કિરેન રિજિજુએ રવિવારે જણાવ્યું હતું કે, સરકાર ચોમાસા સત્ર દરમિયાન ઓપરેશન સિંદૂર, પહેલગામ આતંકવાદી હુમલા જેવા મહત્વપૂર્ણ મુદ્દાઓ પર ચર્ચા કરવા માટે સંપૂર્ણપણે તૈયાર છે. આ સત્ર સોમવાર, 21 જુલાઈથી શરૂ થશે. તેમણે ખાતરી આપી હતી કે કેન્દ્ર સરકાર કોઈપણ મુદ્દાથી પાછળ હટશે નહીં અને સંસદને સુચારૂ રીતે ચલાવવા માટે પ્રતિબદ્ધ છે. રિજિજુએ સર્વપક્ષીય બેઠક બાદ આ વાત કહી હતી. સર્વપક્ષીય બેઠક બાદ પત્રકારો સાથે વાત કરતા, જ્યારે રિજિજુને યુએસ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના યુદ્ધવિરામના દાવા પર વિપક્ષના વલણ વિશે પ્રશ્ન કરવામાં આવ્યો, ત્યારે રિજિજુએ કહ્યું કે સરકાર તેનો જવાબ ફક્ત સંસદમાં જ આપશે, બહાર નહીં.
17 બિલ રજૂ કરવાની યોજના
તેમણે એમ પણ કહ્યું કે જ્યારે પણ કોઈ મોટો મુદ્દો ઉઠાવવામાં આવે છે ત્યારે વડા પ્રધાન નરેન્દ્ર મોદી હંમેશા સંસદમાં હાજર રહે છે. રિજિજુના મતે સરકાર ચોમાસુ સત્રમાં 17 બિલ રજૂ કરવાની યોજના બનાવી રહી છે અને ચર્ચા દરમિયાન બધા પ્રશ્નોના જવાબ આપવામાં આવશે.
સર્વપક્ષીય બેઠકમાં 51 પક્ષોએ ભાગ લીધો
તેમણે કહ્યું, "અમે ખુલ્લા દિલે ચર્ચા માટે તૈયાર છીએ. અમે સંસદીય નિયમો અને પરંપરાઓનું સન્માન કરીએ છીએ" સર્વપક્ષીય બેઠકમાં 51 પક્ષોના 54 પ્રતિનિધિઓ હાજર રહ્યા હતા, જેમાં બધા પક્ષો - NDA, UPA (ઇન્ડિયા બ્લોક) અને સ્વતંત્ર સાંસદોએ - પોતાના મુદ્દાઓ રજૂ કર્યા અને ચર્ચાની માંગ કરી "આપણે અલગ અલગ વિચારધારાઓના હોઈ શકીએ છીએ, પરંતુ સંસદને યોગ્ય રીતે ચલાવવાની જવાબદારી સરકાર અને વિપક્ષ બંનેની છે" મંત્રી રિજિજુએ કહ્યું હતું.
જસ્ટિસ યશવંત વર્મા સામે મહાભિયોગ પ્રસ્તાવ
કિરેન રિજિજુએ કહ્યું કે, સાંસદોએ જસ્ટિસ યશવંત વર્મા સામે મહાભિયોગની માંગણી કરી છે. 100થી વધુ સાંસદોએ તેના પર હસ્તાક્ષર કર્યા છે. સરકાર આ ચોમાસુ સત્રમાં જ પ્રસ્તાવ લાવશે, પરંતુ તેની રજૂઆતની તારીખ હજુ નક્કી કરવામાં આવી નથી. તેમણે કહ્યું, "મહાભિયોગ પ્રસ્તાવ લાવવામાં આવશે. સમયરેખા પછીથી જણાવવામાં આવશે."





