ગુજરાત પ્રદેશ ભાજપા મીડિયા વિભાગની અખબારી યાદી જણાવે છે કે, આજે મહારાષ્ટ્રની મહાનગરપાલિકાઓની ચૂંટણીમાં ભાજપા અને સાથી પક્ષોની મહાયુતિને પ્રચંડ બહુમતિ સાથે જનતાએ આશીર્વાદ આપ્યા છે ત્યારે ગુજરાત પ્રદેશ ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ કાર્યાલય ‘કમલમ‘ ખાતે પ્રદેશ મહામંત્રી અજય બ્રહ્મભટ્ટની ઉપસ્થિતિમાં ભાજપા અગ્રણીઓ અને કાર્યકરોએ ‘ભારતમાતા કી જય‘ ના પ્રચંડ જયનાદ સાથે ફટાકડા ફોડી તેમજ મોં મીઠું કરી મહાયુતિની ભવ્ય જીતની ઉજવણી કરી હતી.
આ પ્રસંગે પ્રદેશ ભાજપાના મુખ્ય પ્રવકતા ડૉ. અનિલ પટેલે મીડિયાને સંબોધન કરતા પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદીના નેતૃત્વ અને મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ અને સાથી પક્ષોની કામગીરી પર સમર્થન દર્શાવી પ્રચંડ જનાદેશ આપવા બદલ મહારાષ્ટ્રની જનતાનો આભાર વ્યક્ત કર્યો હતો અને જણાવ્યું હતું કે જનતાએ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના ‘વિકસિત ભારત 2047‘ના નિર્માણના સંકલ્પને સમર્થન દર્શાવ્યું છે, આ ડબલ એન્જિન સરકારની જીત છે. જનતાએ કોંગ્રેસ અને ઉદ્વવ સેનાની નકારાત્મક રાજનીતિને નકારી કાઢી મોદી અને ફડણવીસના નેતૃત્વ પર મહોર મારી છે.
અમદાવાદમાં ઉજવણી
આ સાથે અમદાવાદના ખાનપુર વિસ્તારમાં પણ મહારાષ્ટ્ર રાજ્યની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં ભાજપાએ મેળવેલા ભવ્ય વિજયની ઉજવણી પ્રદેશના અગ્રણી નેતાઓની ઉપસ્થિતિમાં ભાજપા કાર્યકર્તાઓ દ્વારા ઉત્સાહપૂર્વક કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે કાર્યકર્તાઓમાં ભારે ઉત્સાહ જોવા મળશે અને વિજયની ખુશી એકત્રિત રીતે ઉજવવામાં આવી હતી.
નર્મદા જિલ્લામાં ઉત્સાહભેર ઉજવણી
મુંબઈ મહાનગરપાલિકા (BMC)ની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીના ઐતિહાસિક અને ભવ્ય વિજયને વધાવવા માટે આજે નર્મદા જિલ્લાના મુખ્ય મથક રાજપીપળા ખાતે ભાજપ કાર્યકરો દ્વારા ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી.
રાજપીપળા સ્થિત કમલમ કાર્યાલય ખાતે ભાજપ કાર્યકરો અને આગેવાનો એકત્રિત થયા હતા. આ પ્રસંગે આતશબાજી કરી અને એકબીજાનું મોઢું મીઠું કરાવી આ જીતની ખુશી વ્યક્ત કરવામાં આવી હતી. ભાજપના વિજયને સંગઠનના મજબૂત નેતૃત્વ, વિકાસલક્ષી નીતિઓ અને જનતાના વિશ્વાસનો વિજય ગણાવવામાં આવ્યો હતો.
આ અવસરે કાર્યકરોએ “ભારતીય જનતા પાર્ટી ઝિંદાબાદ” અને “વિકાસના રાજની જીત” જેવા નારા લગાવી આનંદ વ્યક્ત કર્યો હતો. આગેવાનોએ જણાવ્યું હતું કે મુંબઈમાં મળેલી આ જીત દેશભરમાં ભાજપ પ્રત્યે વધતા વિશ્વાસનું પ્રતિબિંબ છે અને આવનારા સમયમાં ભાજપ વધુ મજબૂતી સાથે જનસેવામાં કાર્યરત રહેશે.
ઉજવણી દરમિયાન ભાજપના આગેવાનો, કાર્યકરો તેમજ સમર્થકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.




















