Home National Cbi Team London Nirav Modi Extradition Final Stage News Legal Options Exhausted Uk Court

ભાગેડું નીરવ મોદીની ઘરવાપસી નક્કી? : CBIની સ્પેશિયલ ટીમ લંડન પહોંચી, ગમે ત્યારે ભારત લવાય તેવી શક્યતા

Nirav Modi
Published by: Nirali Gohil
Last Updated: Apr 15, 2026, 08:52 AM IST

Nirav Modi India Return: પંજાબ નેશનલ બેંક (PNB) માં કરોડો રૂપિયાનું કૌભાંડ આચરી વિદેશ ભાગી ગયેલા ભાગેડુ હીરા વેપારી નીરવ મોદીને ભારત લાવવાની પ્રક્રિયા હવે તેના અંતિમ તબક્કામાં પહોંચી હોવાનું જણાય છે. સૂત્રો દ્વારા મળતી લેટેસ્ટ વિગતો મુજબ, સેન્ટ્રલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટિગેશન (CBI) ની એક ઉચ્ચ સ્તરીય ટીમ હાલમાં લંડનમાં છે. આ મુલાકાત બાદ એવી પ્રબળ અટકળો તેજ થઈ છે કે નીરવ મોદીનું પ્રત્યાર્પણ હવે માત્ર ગણતરીના દિવસોની જ વાત છે. બ્રિટનમાં તેની પાસે રહેલા તમામ કાયદાકીય વિકલ્પો લગભગ સમાપ્ત થઈ ચૂક્યા છે, જેનાથી ભારત સરકાર માટે રસ્તો સાફ થયો છે.

CBIની સ્પેશિયલ ટીમનું લંડન મિશન: પ્રત્યાર્પણની અંતિમ તૈયારી

સૂત્રોના જણાવ્યા અનુસાર, CBIની આ સ્પેશિયલ ટીમે લંડનમાં બ્રિટિશ સત્તાવાળાઓ અને ક્રાઉન પ્રોસિક્યુશન સર્વિસ (CPS) ના ઉચ્ચ અધિકારીઓ સાથે મહત્વની બેઠકો યોજી છે. આ બેઠકનો મુખ્ય એજન્ડા નીરવ મોદીના પ્રત્યાર્પણ માટે જરૂરી અંતિમ દસ્તાવેજોની ચકાસણી અને સુરક્ષા વ્યવસ્થાને આખરી ઓપ આપવાનો છે. આ ઓપરેશન એટલું ગુપ્ત અને મહત્વનું છે કે CBIની ટીમ આવતીકાલે એટલે કે 16 એપ્રિલના રોજ ભારત પરત ફરશે અને પોતાનો રિપોર્ટ સોંપશે, ત્યારબાદ 'ફાઇનલ ઓપરેશનલ ફેઝ' શરૂ કરવામાં આવશે.

આ પણ વાંચો: VMCની ચૂંટણીમાં કોંગ્રેસનો હાઈવોલ્ટેજ ડ્રામા : ગાયબ થયેલા ઉમેદવાર સીધા ફોર્મ પરત ખેંચવા પહોંચ્યા! મામલતદાર કચેરીએ ભારે હોબાળો

ECHR માં અંતિમ લડાઈ: હવે બચવું મુશ્કેલ

ભારત આવતા બચવા માટે નીરવ મોદીએ અંતિમ હથિયાર તરીકે ફ્રાન્સના સ્ટ્રાસબર્ગમાં આવેલી યુરોપિયન કોર્ટ ઓફ હ્યુમન રાઈટ્સ (ECHR) ના દરવાજા ખખડાવ્યા છે. જોકે, જાણકારોનું માનવું છે કે ત્યાં પણ તેને મોટી રાહત મળે તેવી શક્યતા ઓછી છે. આગામી બે સપ્તાહની અંદર ECHR માં આ મામલે સુનાવણી થઈ શકે છે, જ્યાં ભારત તરફથી CBI પણ પોતાની મજબૂત દલીલો રજૂ કરશે. બ્રિટનની સ્થાનિક અદાલતોમાં નીરવ મોદીની તમામ દલીલો પહેલા જ ફગાવી દેવામાં આવી છે.

2019થી લંડનની જેલમાં બંધ: 11 વખત જામીન અરજી રદ

ઉલ્લેખનીય છે કે, હીરા વેપારી નીરવ મોદી માર્ચ 2019 થી લંડનની વેન્ડ્સવર્થ જેલમાં બંધ છે. ભારત સરકારની વિનંતી પર બ્રિટિશ એજન્સીઓએ તેની ધરપકડ કરી હતી. જેલમાં ગયા બાદ નીરવ મોદીએ જેલમાંથી બહાર આવવા માટે એડીચોટીનું જોર લગાવ્યું હતું, પરંતુ બ્રિટિશ કોર્ટે તેની જામીન અરજી એક કે બે વાર નહીં પણ પૂરી 11 વખત રદ કરી છે. કોર્ટે તેને 'ફ્લાઇટ રિસ્ક' (ભાગી જવાની શક્યતા) ગણીને જેલમાં જ રાખવાનો આદેશ આપ્યો હતો.

PNB કૌભાંડ અને ભારત સરકારની મોટી જીત

જો નીરવ મોદીને ભારત લાવવામાં સફળતા મળે છે, તો તે કેન્દ્ર સરકાર અને તપાસ એજન્સીઓ માટે અત્યાર સુધીની સૌથી મોટી રાજદ્વારી અને કાયદાકીય જીત ગણાશે. કરોડો રૂપિયાના બેંક ફ્રોડના આરોપીને કાયદાના કટહેરામાં લાવવાથી અન્ય ભાગેડુ ગુનેગારોમાં પણ ફફડાટ ફેલાશે. હાલ તો સમગ્ર દેશની નજર CBIની ટીમ પર છે, જે લંડનથી પરત ફરીને પ્રત્યાર્પણની તારીખ પરથી પડદો ઉઠાવી શકે છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now