Home Gujarat Breaking News Gujarat Local Body Election Voter List Announcement 2026

ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણીનો કાઉન્ટડાઉન શરૂ : આજે સાંજે થઈ શકે છે સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણીની જાહેરાત, 5 વાગ્યે ચૂંટણી પંચની પ્રેસ કોન્ફરન્સ

gujarat local body election
Published by: Vishal Dave
Last Updated: Apr 01, 2026, 09:53 AM IST

Gujarat Local Body Election: ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્ય સંસ્થાઓની ચૂંટણીને લઈને લાંબા સમયથી ચાલી રહેલી રાહ હવે પૂર્ણ થવાની નજીક છે. સ્પેશિયલ ઈન્ટેન્સિવ રિવિઝન (SIR) પ્રક્રિયા પૂર્ણ થયા બાદ આજે સાંજે લગભગ 5 વાગ્યે રાજ્ય ચૂંટણી પંચ દ્વારા ફાઈનલ મતદાર યાદી જાહેર કરવામાં આવશે. આ યાદી જાહેર થતાં જ ચૂંટણી પ્રક્રિયાને ગતિ મળશે અને આવતીકાલ સુધીમાં ચૂંટણીની તારીખો જાહેર થઈ શકે છે તેવી મજબૂત શક્યતા છે.

રાજ્ય ચૂંટણી પંચે આજે સાંજે 5 વાગ્યે પ્રેસ કોન્ફરન્સ બોલાવી છે, જેમાં સમગ્ર ચૂંટણી કાર્યક્રમ- મતદાનની તારીખો, નામાંકન પ્રક્રિયા અને પરિણામોની સમયરેખા-વિશે વિગતવાર માહિતી આપવામાં આવી શકે છે. આ જાહેરાત સાથે જ રાજ્યમાં ચૂંટણી આચારસંહિતા લાગુ થવાની શક્યતા છે, જેનાથી રાજકીય ગતિવિધિઓમાં વધુ તેજી આવશે.

બે તબક્કામાં યોજાઈ શકે ચૂંટણી:

આ વખતની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી બે તબક્કામાં યોજાવાની શક્યતા છે. પ્રથમ તબક્કામાં રાજ્યની 15 મહાનગરપાલિકાઓમાં મતદાન યોજાઈ શકે છે. આ મહાનગરપાલિકાઓમાં અમદાવાદ, સુરત, વડોદરા અને રાજકોટ જેવા મોટા શહેરોનો સમાવેશ થાય છે, જ્યાં રાજકીય સ્પર્ધા હંમેશા જોરદાર રહેતી હોય છે. બીજા તબક્કામાં ગ્રામ્ય અને અર્ધશહેરી વિસ્તારોને આવરી લેવામાં આવશે, જેમાં 34 જિલ્લા પંચાયત, 260 તાલુકા પંચાયત અને 84 નગરપાલિકાઓ માટે મતદાન યોજાઈ શકે છે. આ વિસ્તારોમાં સ્થાનિક મુદ્દાઓ અને વિકાસના પ્રશ્નો ચૂંટણીના કેન્દ્રમાં રહેવાના છે. ચૂંટણીના આ વ્યાપક માળખાને કારણે રાજ્યભરમાં રાજકીય પ્રવૃત્તિઓ તેજ બની ગઈ છે અને દરેક પક્ષ પોતાના મતદારો સુધી પહોંચવા માટે અલગ અલગ રણનીતિ અપનાવી રહ્યો છે.

રાજકીય પક્ષોમાં તેજ તૈયારીઓ:

ચૂંટણી પંચ દ્વારા સત્તાવાર જાહેરાત પહેલા જ રાજકીય પક્ષોએ તૈયારી શરૂ કરી દીધી છે. ઉમેદવારોની પસંદગી, સંગઠન મજબૂત બનાવવું અને સ્થાનિક સ્તરે મતદારો સાથે સીધો સંપર્ક સાધવો-આ બધું ઝડપથી આગળ વધી રહ્યું છે. ખાસ કરીને ભારતીય જનતા પાર્ટીએ વિવિધ જિલ્લાઓ અને મહાનગરોમાં નિરીક્ષકોને મોકલી ‘સેન્સ’ પ્રક્રિયા શરૂ કરી છે, જેમાં સંભવિત ઉમેદવારો વિશે માહિતી એકત્રિત કરવામાં આવી રહી છે. બીજી તરફ કોંગ્રેસ અને અન્ય પ્રાદેશિક પક્ષો પણ પોતાના સંગઠનને સક્રિય બનાવી રહ્યા છે. સ્થાનિક નેતાઓને જવાબદારીઓ સોંપાઈ રહી છે અને ચૂંટણી પ્રચાર માટે માળખું તૈયાર થઈ રહ્યું છે.

2021ની ચૂંટણીનો સંદર્ભ અને આ વખતેનો ફેરફાર:

ગુજરાતમાં છેલ્લી વખત સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી 2021માં યોજાઈ હતી. તે વખતે 23 જાન્યુઆરીએ ચૂંટણી કાર્યક્રમ જાહેર થયો હતો. મહાનગરપાલિકાની ચૂંટણી 26 ફેબ્રુઆરી સુધીમાં પૂર્ણ થઈ હતી, જ્યારે જિલ્લા અને તાલુકા પંચાયત તેમજ નગરપાલિકાની ચૂંટણી 5 માર્ચ સુધીમાં પૂર્ણ થઈ હતી. પરંતુ આ વખતે પરિસ્થિતિ થોડું અલગ રહી છે. SIR પ્રક્રિયા હાથ ધરવામાં આવતા ચૂંટણી સમયસર યોજાઈ શકી નહોતી, જેના કારણે કેટલાક વિસ્તારોમાં વહીવટદારોની નિમણૂંક કરવાની ફરજ પડી હતી. હવે આ પ્રક્રિયા પૂર્ણ થતા ચૂંટણીનો રસ્તો સાફ થયો છે.

સ્થાનિક ચૂંટણીમાં મુખ્ય મુદ્દાઓ શું રહેશે?

આ વખતેની ચૂંટણીમાં શહેરી વિસ્તારોમાં ઇન્ફ્રાસ્ટ્રક્ચર, ટ્રાફિક, પાણી અને સ્વચ્છતા જેવા મુદ્દાઓ મહત્વના રહેશે. જ્યારે ગ્રામ્ય વિસ્તારોમાં કૃષિ, પીવાનું પાણી, રસ્તાઓ અને રોજગાર જેવા પ્રશ્નો મુખ્ય રહેશે. મહિલાઓ અને યુવાનોનો મત પણ નિર્ણાયક બની શકે છે, કારણ કે આ વર્ગોને ધ્યાનમાં રાખીને પક્ષો ખાસ અભિયાન ચલાવી રહ્યા છે.

ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ રાજ્યની શાસન વ્યવસ્થાનો મહત્વપૂર્ણ ભાગ છે. આ સંસ્થાઓ સીધા જ લોકોના દૈનિક જીવન સાથે જોડાયેલી હોય છે. જેમ કે પાણી, સફાઈ, રસ્તા અને સ્થાનિક વિકાસ. ચૂંટણીના પરિણામો રાજ્યની રાજકીય દિશા પણ નક્કી કરી શકે છે, ખાસ કરીને આવનારી મોટી ચૂંટણીઓ માટે. ફાઈનલ મતદાર યાદી જાહેર થવી એ ચૂંટણી પ્રક્રિયાનો સૌથી મહત્વપૂર્ણ તબક્કો છે, કારણ કે તે જ નક્કી કરે છે કે કેટલા અને કયા મતદારો મતદાનમાં ભાગ લેશે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now
ખંભાળીયામાં સાંસદ પૂનમ માડમનો ભક્તિમય અંદાજ
ગુજરાતમાં ત્રિપલ રેન સિસ્ટમ સક્રિય, આગામી ચાર દિવસ ભારે
ઈંડામાંથી બહાર આવતા જ પક્ષીને મળી 'Z+' સિક્યોરિટી!
વડોદરામાં ફરી નદીની બહાર આવ્યો મગર
ઈસુદાન ગઢવીની અટકાયત મુદ્દે AAP નો હંગામો