ગુજરાત પ્રદેશ ભાજપા મીડિયા વિભાગની અખબારી યાદી જણાવે છે કે, સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના અનુસંધાને બોટાદ ખાતે ગુજરાતના માનનીય મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં ભવ્ય ‘વિકાસ સંકલ્પ સભા’નું યોજાઈ હતી. વિશાળ જનમેદનીને સંબોધતા મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે, પહેલા ચૂંટણી દરમિયાન જાતિ અને ધર્મના આધારે વૈમનસ્ય ફેલાવીને રાજકારણ કરવામાં આવતું હતું, પરંતુ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાહેબે દેશને આમાંથી મુક્ત કરીને વિકાસ આધારિત રાજકારણની શરૂઆત કરી છે. ભાજપનો કાર્યકર્તા 365 દિવસ જનતા વચ્ચે રહે છે, જ્યારે વિપક્ષ પક્ષના લોકો ચૂંટણી સમયે જ દેખાય છે.
રાજ્યની આર્થિક પ્રગતિ અંગે તેમણે જણાવ્યું હતું કે, તત્કાલીન મુખ્યમંત્રી અને વર્તમાન પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા શરૂ કરાયેલી વાઇબ્રન્ટ ગુજરાત સમિટના પરિણામે આજે ગુજરાત દેશનું ગ્રોથ એન્જિન અને સૌથી વધુ રોજગાર આપતું રાજ્ય બન્યું છે. તેમણે ઉમેર્યું કે, ભાજપના શાસન પહેલાં રાજ્યમાં માત્ર 1.81 લાખ MSMEs હતા, જે આજે વધીને 27 લાખથી વધુ થયા છે. રાજ્યનું બજેટ કોંગ્રેસ શાસનમાં રૂ.30,000 કરોડ હતું, જે આજે વધીને રૂ.4,00,000 કરોડ સુધી પહોંચી ગયું છે
આયુષ્માન ભારત યોજનાની મહત્તા સમજાવતા મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે, આયુષ્માન કાર્ડ દ્વારા ₹10 લાખ સુધીની નિઃશુલ્ક સારવાર ઉપલબ્ધ હોવાથી ગરીબ અને મધ્યમ વર્ગના પરિવારો પર આર્થિક બોજ ઘટ્યો છે. તેમણે વધુમાં ઉમેર્યું કે, આ યોજના અંતર્ગત 70 વર્ષથી વધુ વયના તમામ વડીલોને કોઈ આવકમર્યાદા સિવાય આવરી લેવામાં આવ્યા છે. તેમણે પ્રધાનમંત્રી સ્વનિધિ યોજનાનો ઉલ્લેખ કરતાં જણાવ્યું હતું કે, આ યોજના દ્વારા નાના રેંકડીવાળાઓ અને સ્ટ્રીટ વેન્ડર્સને કોઈપણ પ્રકારના મોર્ગેજ વગર સહેલાઈથી ધિરાણ મળે છે, જેનાથી અગણિત લોકો વ્યાજનાં વિષ ચક્રમાંથી મુક્ત થયા છે.






