Home Gujarat Vadodara Central University Student Given Expiry Glucose Bottle Doctor Nurse Suspended

વડોદરા સેન્ટ્રલ યુનિવર્સિટીમાં ગંભીર બેદરકારી : બીમાર વિદ્યાર્થિનીને એક્સપાયરી ડેટના ગ્લુકોઝના બાટલા ચડાવતા હોબાળો, ડૉક્ટર અને નર્સ સસ્પેન્ડ

Vadodara Central University Medical Negligence Expiry Medicine
Published by: Nirali Gohil
Last Updated: Apr 23, 2026, 05:53 AM IST

Vadodara News: વડોદરાની સેન્ટ્રલ યુનિવર્સિટીમાં માનવ જિંદગી સાથે ચેડાં કરતી એક અત્યંત ગંભીર ઘટના સામે આવી છે. શૈક્ષણિક સંકુલમાં આવેલી મેડિકલ સુવિધાના સ્ટાફની બેદરકારીને કારણે એક વિદ્યાર્થિનીનો જીવ જોખમમાં મુકાયો હતો. ફૂડ પોઇઝનિંગના કારણે સારવાર માટે આવેલી વિદ્યાર્થિનીને મેડિકલ સ્ટાફે તારીખ વીતી ગઈ હોય (Expiry Date) તેવા ગ્લુકોઝના બાટલા ચડાવી દીધા હતા. આ ઘટનાની જાણ થતાં જ કેમ્પસમાં ભારે હોબાળો મચી ગયો હતો અને વિદ્યાર્થીઓએ મેડિકલ સ્ટાફ વિરુદ્ધ આક્રોશ વ્યક્ત કર્યો હતો.

આ મામલે યુનિવર્સિટી વહીવટી તંત્રે ત્વરિત એક્શન લેતા જવાબદાર ડૉક્ટર પ્રશીલ શાહ અને નર્સ શ્વેતા ઝાલાને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરી દીધા છે. મેનેજમેન્ટે આ ઘટનાની તપાસ માટે એક ઉચ્ચસ્તરીય કમિટીની રચના કરી છે, જે રિપોર્ટ સોંપશે. આ ઘટનાએ યુનિવર્સિટીમાં વિદ્યાર્થીઓની સુરક્ષા અને સ્વાસ્થ્ય સેવાઓની ગુણવત્તા સામે અનેક સવાલો ઉભા કર્યા છે. હાલમાં વિદ્યાર્થિનીની હાલત સ્થિર હોવાનું જણાવાયું છે, પરંતુ આ બેદરકારીને કારણે વાલીઓમાં પણ ચિંતાની લાગણી ફેલાઈ છે.

કેવી રીતે સામે આવી આ ગંભીર બેદરકારી?

સેન્ટ્રલ યુનિવર્સિટીમાં અભ્યાસ કરતી એક વિદ્યાર્થિનીને અચાનક ફૂડ પોઇઝનિંગ થતા તેને કેમ્પસમાં આવેલી હેલ્થ સેન્ટર ખાતે ખસેડવામાં આવી હતી. અહીં ફરજ પરના નર્સ દ્વારા તેને ગ્લુકોઝના બાટલા ચડાવવામાં આવ્યા હતા. અડધો બાટલો શરીરમાં ઉતરી ગયા બાદ, વિદ્યાર્થિનીની સાથે રહેલા અન્ય વિદ્યાર્થીઓની નજર અચાનક બોટલ પર છાપેલી એક્સપાયરી ડેટ પર ગઈ હતી. આ જોઈને સૌના હોશ ઉડી ગયા હતા કારણ કે તે દવાની બોટલની વાપરવાની મુદત લાંબા સમય પહેલા જ પૂરી થઈ ચૂકી હતી.

ડૉક્ટરનો બિનજવાબદાર જવાબ: "માત્ર પાણી જ હતું, કંઈ નહીં થાય"

જ્યારે સજાગ વિદ્યાર્થીઓએ આ જીવલેણ ભૂલ અંગે ડૉક્ટર પ્રશીલ શાહને પૂછપરછ કરી, ત્યારે ડૉક્ટરે પોતાની ભૂલ સુધારવાને બદલે અત્યંત ઉદ્ધત વર્તન કર્યું હતું. ડૉક્ટરે એવું કહીને પોતાનો બચાવ કરવાનો પ્રયાસ કર્યો કે, "બાટલામાં માત્ર પાણી જ હતું, તેનાથી કંઈ ખાસ નુકસાન ન થાય." એક જવાબદાર તબીબ પાસેથી આવા બિનવ્યાવસાયિક જવાબ સાંભળીને વિદ્યાર્થીઓનો રોષ બેવડાયો હતો. તબીબની આ માનસિકતાએ સંસ્થાના મેડિકલ એથિક્સ પર મોટા સવાલો ઊભા કર્યા છે.

આ પણ વાંચો: સંસ્કારી નગરીમાં નશાના કાળા ધંધાનો પર્દાફાશ : ડમી ગ્રાહક મોકલી નશાકારક સીરપ ઝડપી લેવાઈ

વિદ્યાર્થીઓનો વિરોધ અને તંત્રની કડક કાર્યવાહી

આ ઘટનાના વિરોધમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ એકઠા થયા હતા અને નર્સ શ્વેતા ઝાલા તથા ડૉક્ટર પ્રશીલ શાહ વિરુદ્ધ સૂત્રોચ્ચાર કર્યા હતા. વિદ્યાર્થીઓની માંગ હતી કે માનવ જિંદગી સાથે રમતા આવા સ્ટાફ સામે કડક પગલાં લેવામાં આવે. યુનિવર્સિટી તંત્રએ મામલાની ગંભીરતા સમજીને તપાસ સમિતિની રચના કરી છે. જ્યાં સુધી તપાસ પૂર્ણ ન થાય ત્યાં સુધી બંને જવાબદારોને ફરજ મુક્ત (Suspend) કરવામાં આવ્યા છે. ભવિષ્યમાં આવી ઘટના ન બને તે માટે યુનિવર્સિટીના મેડિકલ સ્ટોકની પણ તપાસ કરવામાં આવી રહી છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now