અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) ના વર્ષ 2026-27 ના બજેટ દરમિયાન રાજકીય ગરમાવો જોવા મળી રહ્યો છે. ખાસ કરીને જમાલપુર-ખાડિયા વિસ્તારના ધારાસભ્ય ઈમરાન ખેડાવાલા દ્વારા કતલખાનાના મુદ્દે કરવામાં આવેલા નિવેદન બાદ ભાજપના પૂર્વ ધારાસભ્ય ભૂષણ ભટ્ટે મોરચો સંભાળ્યો છે. ભૂષણ ભટ્ટે પોસ્ટર દ્વારા આક્ષેપ કર્યો છે કે કોંગ્રેસ શહેરના વિકાસના બદલે વિવાદની રાજનીતિ કરી રહી છે.
આ પોસ્ટરમાં કોંગ્રેસના ધારાસભ્ય ઇમરાન ખેડાવાલાને કેન્દ્રમાં રાખીને તેમની અને પાર્ટીની માનસિકતા અંગે સવાલ ઉઠાવવામાં આવ્યા છે. પોસ્ટરમાં દર્શાવવામાં આવ્યું છે કે કોંગ્રેસ વિકાસની જગ્યાએ વિવાદ આધારિત રાજકારણને પ્રોત્સાહન આપે છે. સાથે જ કેટલાક મુદ્દાઓ જેમ કે કતલખાના, શહેરી નીતિઓ અને સામાજિક મુદ્દાઓને લઈને પણ આક્ષેપો કરવામાં આવ્યા છે. જોકે, આ દાવાઓની સ્વતંત્ર પુષ્ટિ ઉપલબ્ધ નથી અને તે રાજકીય અભિપ્રાય તરીકે જોવામાં આવે છે.
પોસ્ટર રાજકારણ અને વધતી તીવ્રતા
ચૂંટણી નજીક આવતા ભાજપ અને કોંગ્રેસ બંને પક્ષો વચ્ચે આક્ષેપ-પ્રતિઆક્ષેપનો માહોલ વધુ ગરમાયો છે. ભાજપના આ પોસ્ટરમાં મુદ્દાઓ પાડીને કોંગ્રેસ પર આરોપ મૂકવામાં આવ્યો છે. જે નીચે મુજબ છે:
કોંગ્રેસના ધારાસભ્ય ઈમરાન ખેડાવાલા અને તેમની પાર્ટીની માનસિકતા હવે સ્પષ્ટ રીતે બાહર આવી રહી છે.
જ્યારે ભારતીય જનતા પાર્ટી પોતાના સંકલ્પપત્રમાં શહેરના અધૂરા વિકાસકાર્યોને પૂર્ણ કરવાની પ્રતિબદ્ધતા દર્શાવે છે, ત્યારે કોંગ્રેસે પોતાના સંકલ્પપત્ર દ્વારા હલકી અને વિવાદ આધારિત રાજનીતિને આગળ ધપાવવાની દિશા પસંદ કરી છે.
ઈમરાન ખેડાવાલા અને કોંગ્રેસ દ્વારા એવું કહેવામાં આવી રહ્યું છે કે તેમની સરકાર મ્યુનિસિપલ કોર્પોરેશનમાં આવશે તો કતલખાનું બનાવશે. આ મુદ્દે મેં અગાઉ પણ સ્પષ્ટતા કરી છે અને આજે ફરીથી કરી રહ્યો છું કે કેટલાક બિલ્ડરોને બચાવવા અને આ મુદ્દાથી નામદાર હાઈકોર્ટનું ધ્યાન ભટકાવવા માટે આવા નિવેદનો કરવામાં આવી રહ્યા છે.
જ્યારે હું ધારાસભ્ય તરીકે સેવા આપી રહ્યો હતો, ત્યારે તેઓ દ્વારા જ મારા લેટરપેડ પર લખાયેલ પત્ર આજે પણ છે, જેમાં આ જ જગ્યાએ પાર્ટી પ્લોટ બનાવવા માટેની માંગ કરવામાં આવી હતી.
આજે ધારાસભ્ય બન્યા પછી વારંવાર કતલખાનાનો મુદ્દો ઉઠાવીને તેઓ જનતાનું ધ્યાન ભટકાવવાનો પ્રયત્ન કરી રહ્યા છે.
ચૂંટણીનો સમય વિકાસ આધારિત રાજનીતિ કરવાનો હોય છે, વિવાદ ઉભા કરવાનો નહીં.
"કયાંક તમારી નજર અને કયાંક તમારો ઈશારો."
મારી ક્યાંક તૈયારી છે જાહેરમંચ ઉપર વાત કરવાની તમારી તૈયારી છે.?

આ પણ વાંચો: મનપાની ચૂંટણીમાં કોંગ્રેસ જીતશે તો અમદાવાદમાં કતલખાનું બનાવવાનું વચન! : MLA ઇમરાન ખેડાવાલાનું મોટું નિવેદન
ધારાસભ્ય ઇમરાન ખેડાવાલાના આક્ષેપ
તમને જણાવી દઈએ કે, 22-04-2026 કોંગ્રેસના ધારાસભ્ય ઇમરાન ખેડાવાલાએ ભાજપ પર આકરા પ્રહાર કરતા જણાવ્યું હતું કે, મ્યુનિસિપલ કમિશનરે મંજૂરી આપી હોવા છતાં ભાજપે માત્ર રાજકીય રોટલા શેકવા આ પ્રોજેક્ટ રદ કરાવ્યો છે. તેમણે દાવો કર્યો હતો કે જમાલપુરમાં કોંગ્રેસની પેનલ જીતશે તો સ્લોટર હાઉસ (કતલખાનું) બનાવશે. અમદાવાદમાં કોમનવેલ્થ અને ઓલિમ્પિક ગેમ્સ યોજાવાની હોવાથી અદ્યતન સ્લોટર હાઉસની જરૂરિયાત છે. ભાજપ પાસે વિકાસના મુદ્દા નથી એટલે પાકિસ્તાન અને ચિકનની લારીઓ જેવા વિષયો લાવી લોકોને ભ્રમિત કરે છે.
‘વિકસિત અમદાવાદ’નો સંકલ્પ
મેયર પ્રતિભા જૈને ભગવદ ગીતાના શ્લોક ‘યોગઃ કર્મસુ કૌશલમ્’ સાથે બજેટ પ્રવચન આપ્યું હતું. જેમાં શહેરના વિકાસ માટે નીચે મુજબની મહત્વની જાહેરાતો કરાઈ.
ટેક્સમાં રાહત: એડવાન્સ પ્રોપર્ટી ટેક્સ ભરનારને 12% અને ઓનલાઈન પેમેન્ટ પર વધુ 1% મળી કુલ 15% સુધીનું રિબેટ મળશે.
પર્યાવરણ: ઇલેક્ટ્રિક વાહનોને આજીવન વ્હીકલ ટેક્સમાં 100% મુક્તિ. સાબરમતી નદી પર ફ્લોટિંગ સોલાર પેનલ્સ માટે રૂ. 50 કરોડની ફાળવણી.
આરોગ્ય: SVP હોસ્પિટલમાં AMC કર્મચારીઓને કેશલેસ સુવિધા અને પૂર્વ વિસ્તારમાં રૂ. 50 કરોડના ખર્ચે નવી સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલ.
શિક્ષણ અને પરિવહન: શિક્ષણ માટે રૂ. 1,205 કરોડ અને 2030 સુધી તમામ AMTS બસોને ઇલેક્ટ્રિક બનાવવાનું લક્ષ્ય.
આવાસ: 'ઝીરો સ્લમ સિટી' અંતર્ગત 50 હજાર નવા આવાસના DPR તૈયાર કરાશે.





