Kutch Bhuj Roadshow: સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનો પ્રચાર હવે તેના અંતિમ તબક્કામાં પહોંચી ગયો છે, ત્યારે કચ્છના ભુજમાં રાજકીય માહોલ ચરમસીમાએ જોવા મળ્યો હતો. ગુજરાતના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ ભુજની મુલાકાત દરમિયાન એક ભવ્ય રોડ-શો યોજીને ભાજપનું શક્તિ પ્રદર્શન કર્યું હતું. ભુજના જ્યુબેલી સર્કલથી શરૂ થયેલા આ રોડ-શોમાં મોટી સંખ્યામાં જનમેદની ઉમટી પડી હતી. હોસ્પિટલ રોડ અને બસ સ્ટેન્ડ સહિતના મુખ્ય માર્ગો પર કેસરીયો માહોલ જોવા મળ્યો હતો અને નાગરિકોએ હર્ષ સંઘવીનું ભવ્ય સ્વાગત કરી જનસમર્થન જાહેર કર્યું હતું.
રોડ-શો બાદ આયોજિત સભામાં હર્ષ સંઘવીએ વિપક્ષો પર આકરા પ્રહારો કર્યા હતા. તેમણે કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીને આડે હાથ લેતા જણાવ્યું હતું કે, ગુજરાતની જનતાએ પંજો અને ઝાડુને સાફ કરવાનો સંકલ્પ કરી લીધો છે. તેમણે કટાક્ષ કરતા કહ્યું કે, "કોંગ્રેસીયા, આપીયા, પાપીયા અને તાપિયા - આ બધાએ ભેગા થઈને ગુજરાતને ગાળો આપવાની ફેશન બનાવી લીધી છે, પરંતુ જનતા તેમને ઓળખી ગઈ છે." તેમણે કચ્છના વિકાસ અને સુરક્ષાના મુદ્દે ભાજપને વિજયી બનાવવા લોકોને અપીલ કરી હતી.
"તમારા તહેવારો બગાડનારાઓને ઘૂસવા ન દેતા" - હર્ષ સંઘવી
હર્ષ સંઘવીએ નવરાત્રી અને અન્ય હિન્દુ તહેવારોનો ઉલ્લેખ કરીને ભાવાત્મક અપીલ કરી હતી. તેમણે કહ્યું કે, "જો એકાદ વોર્ડ કે જિલ્લા પંચાયતમાં ભૂલથી પણ કોંગ્રેસનો ઉમેદવાર જીતી ગયો, તો તે વિસ્તારમાં આખી રાત નવરાત્રી રમવામાં મુશ્કેલી પડશે. આ લોકો મદદ કરવાને બદલે વાંધા ઉઠાવશે અને તમારા તહેવારો બગાડશે. જો આવું થશે, તો મારે તેમને ઠોકવા માટે ખાસ ગાંધીનગરથી આવવું પડશે." આ નિવેદનથી સભામાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો.
આ પણ વાંચો: "ખાનદાન જોઈને મતદાન કરો" : પરસોત્તમ રૂપાલાએ વરાછામાં સભા ગજવી, વિપક્ષને આડેહાથ લીધું
દાદાનું બુલડોઝર અને અતિક્રમણ પર આકરા પ્રહાર
રાજ્યમાં ચાલી રહેલી બુલડોઝર કાર્યવાહીનો ઉલ્લેખ કરતા નાયબ મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે, જે જગ્યાઓ નાગરિકો માટે રક્ષિત હતી, તેના પર ગેરકાયદેસર રીતે મહેલો, દરગાહ, મજાર અને મસ્જિદો બનાવી દેવાઈ હતી. તેમણે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે, "દાદાના બુલડોઝર" એ આવી તમામ ગેરકાયદેસર મિલકતો પર ફરી વળીને લૂખા તત્વો સામે કડક કાર્યવાહી કરી છે. લૂખ્ખાગીરી કરનારાઓ સામે પોલીસ હવે કડકાઈથી કામ લઈ રહી છે અને રાજ્યની સુરક્ષા સાથે કોઈ બાંધછોડ કરવામાં આવશે નહીં.
ચૂંટણીના અંતિમ દિવસોમાં પ્રચાર તેજ: CM અને DyCM મેદાને
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના પ્રચારના હવે માત્ર બે દિવસ બાકી રહ્યા છે ત્યારે ભાજપે પૂરી તાકાત લગાવી દીધી છે. એક તરફ કચ્છમાં હર્ષ સંઘવીએ મોરચો સંભાળ્યો છે, તો બીજી તરફ આજે 23 એપ્રિલે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સુરતના પાટીદાર બહુલ વિસ્તાર એવા વરાછામાં સીમાડા નાકાથી હીરાબાગ સુધી ભવ્ય બાઈક રેલી યોજવાના છે. આ ઉપરાંત, હર્ષ સંઘવી પોતે સાંજે રાજકોટમાં પણ ભવ્ય રોડ-શો કરવાના છે. ભાજપના આ હાઈ-પ્રોફાઈલ પ્રચારને પગલે રાજ્યભરમાં લોખંડી બંદોબસ્ત ગોઠવી દેવાયો છે.






