Sohrabuddin encounter case: વર્ષોથી ચર્ચિત અને રાજકીય રીતે અત્યંત સંવેદનશીલ ગણાતા સોહરાબુદ્દીન શેખ એન્કાઉન્ટર કેસમાં બોમ્બે હાઈકોર્ટે આજે મોટો ચુકાદો આપ્યો છે. હાઈકોર્ટે આ કેસમાં સંડોવાયેલા તમામ 22 આરોપીઓને નિર્દોષ જાહેર કર્યા છે. નીચલી અદાલત એટલે કે CBI સ્પેશિયલ કોર્ટે અગાઉ પુરાવાના અભાવે તમામ આરોપીઓને મુક્ત કરવાનો જે નિર્ણય લીધો હતો, તેને હાઈકોર્ટે યોગ્ય ઠેરવીને બહાલી આપી છે. આ કેસમાં હાઈકોર્ટે સ્પષ્ટપણે જણાવ્યું હતું કે, CBI દ્વારા રજૂ કરવામાં આવેલા પુરાવાઓ અને સાક્ષીઓની જુબાનીઓ આરોપીઓનો ગુનો સાબિત કરવા માટે પૂરતા નથી. નોંધનીય છે કે આ કેસમાં અગાઉ સોહરાબુદ્દીનના ભાઈ દ્વારા નીચલી અદાલતના ચુકાદાને પડકારવામાં આવ્યો હતો, જેની લાંબી સુનાવણી બાદ આજે અંતિમ ચુકાદો આવ્યો છે. આ નિર્ણય સાથે જ એક દાયકા કરતા પણ વધુ સમયથી ચાલી રહેલી આ કાયદાકીય લડાઈનો મહદઅંશે અંત આવ્યો છે.
પુરાવાના અભાવે નિર્દોષ છૂટકારો
બોમ્બે હાઈકોર્ટે પોતાના ચુકાદામાં અવલોકન કર્યું હતું કે, ટ્રાયલ કોર્ટના નિષ્કર્ષમાં કોઈ ભૂલ નથી. કેસની તપાસ કરી રહેલી એજન્સી (CBI) એ સાબિત કરવામાં નિષ્ફળ રહી છે કે સોહરાબુદ્દીન શેખ, તેની પત્ની કૌસર બી અને તુલસીરામ પ્રજાપતિની હત્યા પાછળ કોઈ પૂર્વ આયોજિત કાવતરું હતું. અદાલતે એ પણ નોંધ્યું હતું કે ઘણા સાક્ષીઓ હોસ્ટાઈલ (પોતાની જુબાનીથી ફરી ગયા) થયા હોવાથી કેસ નબળો પડ્યો હતો.
મોદી-શાહની હાજરીમાં સમ્રાટની તાજપોશી: નીતિશના પુત્રએ પણ લીધા મંત્રીપદના શપથ, આજથી બિહારમાં ચાલશે ભાજપ સરકારનું રાજ
શું હતો સમગ્ર મામલો?
વર્ષ 2005માં ગુજરાત અને રાજસ્થાન પોલીસની સંયુક્ત કાર્યવાહીમાં સોહરાબુદ્દીન શેખનું એન્કાઉન્ટર થયું હતું. પોલીસનો દાવો હતો કે સોહરાબુદ્દીન લશ્કર-એ-તૈયબા જેવી આતંકવાદી સંસ્થાઓ સાથે જોડાયેલો હતો અને તે કોઈ મોટું કાવતરું ઘડી રહ્યો હતો. જોકે, પાછળથી આ એન્કાઉન્ટરને 'ફેક' ગણાવવામાં આવ્યું હતું અને તેની તપાસ CBIને સોંપવામાં આવી હતી. આ કેસમાં શરૂઆતમાં અમિત શાહ સહિત અનેક મોટા રાજકીય નેતાઓ અને ઉચ્ચ પોલીસ અધિકારીઓના નામ પણ ઉછળ્યા હતા, પરંતુ પુરાવા ન મળતા તેઓને અગાઉ જ ડિસ્ચાર્જ કરવામાં આવ્યા હતા.
ભાજપ નેતા સુવેન્દુ અધિકારીના PAનો હત્યારો ઝડપાયો: હિસ્ટ્રીશીટરને કોણે આપી હતી સોપારી? બંગાળ હત્યાકાંડમાં ખુલી શકે છે મોટા નામો
નીચલી અદાલતના ચુકાદાને પડકારાયો હતો
ડિસેમ્બર 2018માં સ્પેશિયલ CBI કોર્ટે તમામ 22 આરોપીઓને મુક્ત કર્યા હતા. આ આરોપીઓમાં મોટાભાગના ગુજરાત અને રાજસ્થાન પોલીસના નિચલા સ્તરના કર્મચારીઓ અને અધિકારીઓ હતા. આ ચુકાદા વિરુદ્ધ સોહરાબુદ્દીનના ભાઈ રુબાબુદ્દીને હાઈકોર્ટમાં અરજી કરી હતી. રુબાબુદ્દીને દલીલ કરી હતી કે નીચલી અદાલતે પુરાવાઓની અવગણના કરી છે, પરંતુ હાઈકોર્ટે આ દલીલોને ગ્રાહ્ય રાખી નહોતી.
મણિપુરમાં સુરક્ષા દળોની મોટી કાર્યવાહી: એરપોર્ટ બ્લાસ્ટના આરોપી સહિત પ્રતિબંધિત સંગઠનોના અનેક કેડરોની ધરપકડ, હથિયારોનો જથ્થો જપ્ત
કાયદાકીય લડાઈનો અંત?
આજના આ ચુકાદા બાદ કાયદાકીય નિષ્ણાંતો માની રહ્યા છે કે હવે આ કેસમાં સુપ્રીમ કોર્ટમાં જવાનો વિકલ્પ ખુલ્લો છે. જોકે, હાઈકોર્ટના મજબૂત અવલોકનો બાદ હવે આ કેસમાં કોઈ મોટો વળાંક આવવાની શક્યતાઓ ઓછી જણાઈ રહી છે. આરોપીઓ માટે આ મોટી રાહત સમાન છે, જેઓ લાંબા સમયથી કાયદાકીય કટોકટીમાં ફસાયેલા હતા.





