પટના: બિહારના રાજકારણમાં આજે એક નવો અધ્યાય લખાવા જઈ રહ્યો છે. પટનાના ઐતિહાસિક ગાંધી મેદાનમાં સમ્રાટ ચૌધરીના નેતૃત્વવાળી એનડીએ (NDA) સરકારનો ભવ્ય શપથગ્રહણ સમારોહ યોજાવા જઈ રહ્યો છે. આ કાર્યક્રમમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી, કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અને ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ સહિતના દિગ્ગજ નેતાઓ મંચ પર ઉપસ્થિત રહેશે. સમ્રાટ ચૌધરી મુખ્યમંત્રી તરીકે શપથ લેશે અને તેમની સાથે 32 મંત્રીઓનું મજબૂત મંત્રીમંડળ પણ આકાર લેશે.
આ મંત્રીમંડળ વિસ્તરણમાં સત્તાધારી ગઠબંધન દ્વારા જ્ઞાતિ સમીકરણો અને સંગઠનાત્મક મજબૂતી પર વિશેષ ભાર મૂકવામાં આવ્યો છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, ભાજપ અને જેડીયુ (JDU) વચ્ચે મંત્રીપદની સમાન વહેંચણી કરવામાં આવી છે, જેમાં બંને પક્ષના 16-16 મંત્રીઓનો સમાવેશ થઈ શકે છે. આ શપથગ્રહણ બિહારમાં આવનારી ચૂંટણીઓ અને રાજકીય સ્થિરતા માટે અત્યંત મહત્વનો માનવામાં આવી રહ્યો છે.
32 મંત્રીઓ લેશે શપથ: ભાજપ-જેડીયુનું 50-50 ફોર્મ્યુલા
બિહાર મંત્રીમંડળના આ વિસ્તરણમાં ભાજપ અને જેડીયુના ક્વોટામાંથી કુલ 32 ધારાસભ્યોને મંત્રી પદ માટેના ફોન આવવાના શરૂ થઈ ગયા છે. ભાજપ તરફથી વિજય કુમાર સિંહા અને નીતિશ મિશ્રા જેવા દિગ્ગજ નેતાઓ સહિત 15 નામો નક્કી કરવામાં આવ્યા છે. જ્યારે જેડીયુ તરફથી શ્રવણ કુમાર અને લેસી સિંહ જેવા જૂના ચહેરાઓ સાથે શ્વેતા ગુપ્તા જેવા નવા ચહેરાઓને તક આપીને મહિલા નેતૃત્વને પણ મહત્વ આપવામાં આવ્યું છે.
બિહારમાં સમ્રાટ ચૌધરીની સરકારમાં નવા મંત્રીઓનું જાતિગત સમીકરણઃ
ભાજપ
EBC- 5
OBC- 2
દલિત- 2
સવર્ણ- 5
JDU
EBC- 4
OBC- 3
દલિત- 3
સવર્ણ- 1
મુસ્લિમ- 1
LJP(R)
દલિત- 1
સવર્ણ- 1
HAM
દલિત- 1
RLM
EBC- 1
ભાજપ નેતા સુવેન્દુ અધિકારીના PAનો હત્યારો ઝડપાયો: હિસ્ટ્રીશીટરને કોણે આપી હતી સોપારી? બંગાળ હત્યાકાંડમાં ખુલી શકે છે મોટા નામો
સૌથી મોટો ઉલટફેર: નીતિશ કુમારના પુત્ર નિશાંત કુમારની એન્ટ્રી?
આ શપથગ્રહણ સમારોહમાં સૌથી વધુ ચર્ચા પૂર્વ મુખ્યમંત્રી નીતિશ કુમારના પુત્ર નિશાંત કુમારની થઈ રહી છે. રાજકીય વર્તુળોમાં એવી પ્રબળ શક્યતા જોવા મળી રહી છે કે નિશાંત કુમાર પણ મંત્રી પદના શપથ લઈ શકે છે. જો આવું થશે, તો બિહારના રાજકારણમાં આ એક મોટો વળાંક સાબિત થશે, કારણ કે નિશાંત અત્યાર સુધી સક્રિય રાજકારણથી દૂર રહ્યા છે.
મિત્ર પક્ષોને પણ મળ્યું સ્થાન: HAM અને LJPR ના નેતાઓનો સમાવેશ
NDA ગઠબંધનને મજબૂત રાખવા માટે નાના ઘટક પક્ષોને પણ મંત્રીમંડળમાં યોગ્ય સ્થાન અપાયું છે. જીતનરામ માંઝીની પાર્ટી 'હમ' (HAM) માંથી સંતોષ સુમન અને ચિરાગ પાસવાનની પાર્ટી 'એલજેપીઆર' (LJPR) માંથી બે નેતાઓને મંત્રી પદ માટે કોલ આવ્યા છે. આમ, દલિત અને પછાત વર્ગના મતોને અંકે કરવા માટે ગઠબંધને પૂરી તૈયારી કરી લીધી છે.
મણિપુરમાં સુરક્ષા દળોની મોટી કાર્યવાહી: એરપોર્ટ બ્લાસ્ટના આરોપી સહિત પ્રતિબંધિત સંગઠનોના અનેક કેડરોની ધરપકડ, હથિયારોનો જથ્થો જપ્ત
પીએમ મોદી અને અમિત શાહની હાજરીમાં શક્તિ પ્રદર્શન
ગાંધી મેદાનમાં આયોજિત આ સમારોહ માત્ર શપથગ્રહણ નથી, પરંતુ NDAનું મોટું શક્તિ પ્રદર્શન પણ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતે મંચ પર હાજર રહીને સમ્રાટ ચૌધરીની નવી સરકારને આશીર્વાદ આપશે. આ કાર્યક્રમને પગલે પટનામાં કડક સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી છે અને સમગ્ર બિહારમાંથી કાર્યકર્તાઓ ગાંધી મેદાનમાં ઉમટી પડ્યા છે.





