સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણી પહેલા BJPમાં મોટા ફેરફારની તૈયારી
આ ચૂંટણીમાં જોવા મળશે BJPનું ક્લીન-અપ અભિયાન?
શું જૂના ચહેરાઓને બદલે નવા ઉમેદવારોની થઈ રહી છે ચર્ચા?
શું ખરેખર ઘરભેગા થશે ભાજપના 50% કોર્પોરેટરો?
AMC Election 2026: આ વખતની ચૂંટણીમાં ભાજપે પણ પોતાની રણનીતિમાં મોટો બદલાવ કર્યો છે. હવે AI ટેકનોલોજીના યુગમાં યંગસ્ટર્સનો જમાનો છે. એવામાં સોશિયલ મીડિયા, Video, Reels, લાઈક, વ્યૂ, ફોલોઅર્સ, સબસ્ક્રાઈબર્સ આ બધા શબ્દોનો જેને મતલબ પણ ખબર નથી એવા લોકોને ટિકિટ આપવાનો કોઈ મતલબ નથી. એ વાત ભાજપ પણ બરાબર સમજી ગયું છે. ત્યારે હવે આ તમામ પાસાઓને ધ્યાનમાં રાખીને પક્ષ મોટી ઉથલપાથલ કરી શકે છે. હાલ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને રાજકીય ગરમાવો વધતો જાય છે. અમદાવાદ મહાનગરપાલિકામાં BJP દ્વારા મોટા પાયે ફેરફારોની તૈયારી શરૂ થઈ છે. સૂત્રો મુજબ, પક્ષ 50%થી વધુ વર્તમાન કોર્પોરેટરોની ટિકિટ કાપી શકે છે, જે શહેરની રાજનીતિમાં મોટો ઉથલપાથલ સર્જી શકે છે. ભાજપે કહી દીધું છે કે, તે ઉમેદવારોને રિપીટ નહિ કરે. ભાજપે નો રિપીટ થિયરી અપનાવી છે. જેથી આ કારણે જ સ્ટેન્ડિંગ કમિટિના ચેરમેન, ડેપ્યુટી મેયર, અને વિવિધ કમિટીના ચેરમેનના જ પત્તા કપાઈ શકે છે.
શા માટે લેવાઈ રહ્યો છે આ નિર્ણય?
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા BJP સંગઠન દ્વારા ઉમેદવારોના પ્રદર્શન અને લોકપ્રિયતાનો રિવ્યૂ શરૂ કરવામાં આવ્યો છે. પક્ષના નેતાઓ માનતા થયા છે કે કેટલાક વિસ્તારોમાં વર્તમાન કોર્પોરેટરો પ્રત્યે લોકોમાં અસંતોષ જોવા મળી રહ્યો છે. આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને, પક્ષ ‘પરફોર્મન્સ આધારિત ટિકિટ વિતરણ’ની રણનીતિ અપનાવી શકે છે. એટલે કે, જે કોર્પોરેટરોનું કામ સંતોષજનક નથી, તેમની જગ્યાએ નવા અને સક્રિય ચહેરાઓને તક આપવામાં આવશે.
50%થી વધુ કોર્પોરેટરો પર લટકતી તલવાર
માહિતી અનુસાર, અમદાવાદ મહાનગરપાલિકાના 50%થી વધુ વર્તમાન કોર્પોરેટરોની ટિકિટ કપાઈ શકે છે. આ આંકડો ખૂબ મોટો માનવામાં આવે છે, કારણ કે તે પક્ષના આંતરિક માળખામાં મોટા ફેરફાર તરફ ઈશારો કરે છે. આ નિર્ણયથી ઘણા વર્તમાન કોર્પોરેટરોમાં ચિંતાનો માહોલ છે. ઘણા નેતાઓ પોતાના ક્ષેત્રમાં ફરીથી સક્રિય બની રહ્યા છે અને લોકસંપર્ક વધારવાનો પ્રયાસ કરી રહ્યા છે.
નવા ચહેરાઓને તક આપવાનો પ્રયાસ
BJP આ વખતે યુવાનો અને નવા ચહેરાઓને વધુ તક આપવા માંગે છે. પક્ષ માને છે કે નવા ઉમેદવારો વધુ ઊર્જા અને નવી વિચારો સાથે મેદાનમાં ઉતરી શકે છે, જે ચૂંટણીમાં ફાયદાકારક સાબિત થઈ શકે છે. આ સાથે, મહિલાઓ અને વિવિધ સમાજના પ્રતિનિધિત્વને પણ પ્રાથમિકતા આપવામાં આવશે તેવો સંકેત મળી રહ્યો છે.
પક્ષની રણનીતિ: એન્ટી-ઇન્કમ્બન્સીનો સામનો
ઘણા વિસ્તારોમાં એન્ટી-ઇન્કમ્બન્સી (સત્તા વિરોધી લહેર)નો સામનો કરવા માટે BJP આ પગલું લઈ રહી છે. લાંબા સમયથી એક જ ચહેરા પર લોકોમાં અસંતોષ વધી શકે છે, જેને ધ્યાનમાં રાખીને પક્ષ નવા વિકલ્પો શોધી રહ્યો છે. આ રણનીતિથી પક્ષ મતદારોમાં નવો સંદેશ મોકલવા માંગે છે કે તે બદલાવ માટે તૈયાર છે.
અમદાવાદ ભાજપમાંથી આ વખતની ચૂંટણીમાં કોના-કોના પત્તા કપાઈ શકે છે?
નરોડા, સરદારનગર, કુબેરનગર, વેજલપુર, બાપુનગર, નારણપુરા, બોડકદેવ અને ખાડિયા સહિતના અમદાવાદના વોર્ડમાં આ વખતે ભાજપ દ્વારા મોટી ઊથલપાથલ થાય તેવી પ્રબળ સંભાવના છે. જેમાં ખાસ કરીને નામોની વાત કરીએ તો જે નામે હાલ ચર્ચામાં છે જેના પત્તા કપાઈ શકે છે તે નીચે મુજબ છે. ખાસ કરીને ઉમંગ નાયક (ખાડીયા), કાંતિભાઈ પટેલ (બોડકદેવ), દેવાંગ દાણી (બોડકદેવ), જશુભાઈ ચૌહાણ (શાહીબાગ), જયેશ પટેલ (નારણપુરા), ગીતાબેન પટેલ (નારણપુરા), ભરત પટેલ (ચાંદલોડીયા), હીરાભાઈ પરમાર (ચાંદલોડીયા), જતીન પટેલ (ઘાટલોડીયા), રાકેશ બ્રહ્મભટ્ટ (ચાંદખેડા), દિનેશ કુશવાહ (સરસપુર), ચેતન પરમાર (ખોખરા), સિધ્ધાર્થ પરમાર (રામોલ) અને મૌલિક પટેલ (રામોલ) સહિતના કુલ 50 ટકા જેટલાં અમદાવાદ ભાજપના કોર્પોરેટરોના પત્તા કપાય તેવી શક્યતા છે.
અમદાવાદ મહાનગરપાલિકામાં અનેક કોર્પોરેટરના પત્તા કપાઈ શકે છે. જેમાં વયમર્યાદા, રોસ્ટર અને ત્રણ ટર્મનો નિમય લાગુ પડી શકે છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં 21 વર્ષથી ભાજપ સત્તા સ્થાને છે. ત્યારે અમદાવાદના 48 વોર્ડ માટે ઉમેદવારોની પસંદગી શરૂ થઈ ગઈ છે. ત્યારે આ વખતે ભાજપમાં મોટું પરિવર્તન થઈ શકે છે. આ પરિવર્તન ભાજપના જ નિયમોને કારણે આવી શકે છે. આ વખતે ચૂંટણીમાં ભાજપના જ નિયમોને કારણે 50 ટકા થી વધુ કોર્પોરેટરની ટિકિટ કપાઈ શકે છે.
આ પણ વાંચોઃ શું હોય છે સેન્સ લેવાની પ્રક્રિયા? : દર વખતે ચૂંટણી પહેલાં રાજકીય પક્ષો કેમ કરે છે Sense Process?
રાજકીય અસર: વિરોધ પક્ષ માટે તક?
BJPના આ નિર્ણયથી વિરોધ પક્ષોને પણ રાજકીય લાભ મળી શકે છે. જો મોટા પાયે ટિકિટ કપાશે, તો અસંતોષિત નેતાઓ અન્ય પક્ષોમાં જોડાઈ શકે છે, જે ચૂંટણીના સમીકરણોને અસર કરી શકે છે. તે છતાં, BJP સંગઠન પોતાની આંતરિક વ્યવસ્થા મજબૂત બનાવીને આ સ્થિતિને સંભાળવાનો પ્રયાસ કરી રહ્યું છે.
આ નિર્ણય અમદાવાદની રાજકીય પરિસ્થિતિમાં મોટો ફેરફાર લાવી શકે છે. શહેરમાં નવા નેતૃત્વનો ઉદય થઈ શકે છે. પક્ષની અંદર સ્પર્ધા અને દબાણ વધશે એ ખતરો પણ આની સાથે જોડાયેલો છે. ચૂંટણીના પરિણામો પર સીધી અસર પડશે. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં આ નિર્ણય BJP માટે ‘ગેમ ચેન્જર’ સાબિત થઈ શકે છે.





