Home Gujarat Bjp Election Committee Meeting Candidate Selection New Rules Gujarat Local Body Election 2026

આ વખતે ભલભલા દિગ્ગજોના કપાશે પત્તા : જાણો ચૂંટણીમાં ઉમેદવારોની પસંદગી માટે ભાજપે બનાવ્યા નવા નિયમો

bjp election candidate selection new rules
Published by: Bhadreshkumar Mistry
Last Updated: Apr 02, 2026, 11:54 AM IST

Gujarat BJP Candidate Selection New Rules: ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની બ્યુગૂલ વાગી ચૂક્યું છે. ચૂંટણી પંચે ચૂંટણીની તારીખો જાહેર કરતાની સાથે જ આદર્શ આચારસંહિતા પણ લાગૂ થઈ ચુકી છે. એવામાં હવે ચૂંટણીમાં દમખમ દેખાડવા રાજકીય પક્ષોએ પોત-પોતાની તૈયારીઓ પણ કરી લીધી છે. ત્યારે ભાજપે ચૂંટણીમાં ઉમેદવારોની પસંદગી માટે આ વખતે કડક ધારાધોરણો નક્કી કર્યા છે. સાથે જ એવો પણ નિર્ધાર કર્યો છેકે, જે ઉમેદવાર આ કડક માપદંડો પર ખરો ઉતરશે તેને જ મોકો મળશે, બાકી ભલભલા દિગ્ગજોના પણ આ વખતે પત્તા કપાશે. ચૂંટણીમાં ઉમેદવારોની પસંદગી માટેના ભાજપના આ નવા નિયમોથી હાલ ચૂંટણી લડવા આતુર બનેલા પક્ષના કાર્યકરો અને આગેવામાં હડકંપ મચી ગયો છે.

ભાજપ ચૂંટણી સમિતિની બેઠકમાં મહત્વપૂર્ણ નિર્ણયો

ગુજરાતમાં આવનારી ચૂંટણીને ધ્યાનમાં રાખીને ભાજપની ચૂંટણી સમિતિની મહત્વપૂર્ણ બેઠક ગાંધીનગરમાં યોજાઈ હતી. આ બેઠકમાં ઉમેદવાર પસંદગી અંગે અનેક મહત્વપૂર્ણ નિર્ણયો લેવામાં આવ્યા હતા. પાર્ટીના ટોચના નેતાઓ અને સંગઠનના જવાબદાર પદાધિકારીઓ હાજર રહ્યા હતા, જ્યાં ચૂંટણી માટેની વ્યૂહરચના પર વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી. આ બેઠકનો મુખ્ય ઉદ્દેશ યોગ્ય અને જીતનાર ઉમેદવારોની પસંદગી માટે સ્પષ્ટ માર્ગદર્શિકા તૈયાર કરવાનો હતો, જેથી ચૂંટણીમાં વધુ મજબૂત સ્થિતિ ઉભી કરી શકાય.

ઉમેદવાર પસંદગી માટે સ્પષ્ટ માપદંડ નક્કી

બેઠકમાં ઉમેદવાર પસંદગી માટે કેટલાક સ્પષ્ટ માપદંડ નક્કી કરવામાં આવ્યા હતા. પાર્ટી દ્વારા ખાસ ધ્યાન રાખવામાં આવી રહ્યું છે કે એવા ઉમેદવારોને ટિકિટ આપવામાં આવે, જે લોકો વચ્ચે લોકપ્રિય હોય અને સ્થાનિક સ્તરે સક્રિય રીતે કામ કરતા હોય. ઉમેદવારની પસંદગીમાં તેના ભૂતકાળના કાર્ય, પ્રદર્શન, અને જનતા સાથેના જોડાણને મહત્વ આપવામાં આવશે. સાથે જ, જીતવાની ક્ષમતા (winning ability) પણ એક મહત્વપૂર્ણ પરિબળ તરીકે માનવામાં આવી રહી છે. સાથે જ સ્થાનિક કક્ષાએ ઉમેદવારની લોકપ્રિયતા, રાજકીય દ્રષ્ટિએ જ્ઞાતિગત સમીકરણો, પક્ષ પ્રત્યેની વફાદારી તેમજ સોશિયલ મીડિયા પર તેના ફોલોઅર્સ સુધીની બાબતોને પણ ઉમેદવારની પસંદગી કરતી વખતે ભાજપ ધ્યાને લેશે. જગદિશ વિશ્વકર્માની આગેવાની વાળી ભાજપની ટીમ ગુજરાતમાં હવે પર્ફોમન્સવાઈઝ જ કામ થશે. પક્ષની આંતરિક મીટિંગમાં પણ પ્રદેશ પ્રમુખ જગદિશ વિશ્વકર્મા કહી ચૂક્યા છેકે, ચૂંટણીમાં ઉમેદવારી માટે કોઈની ઓળખાણ નહીં ચાલે. માત્ર તમારું કરેલું કામ જ તમને કામ લાગશે.

સેન્સ પ્રક્રિયાને આપવામાં આવશે પ્રાથમિકતા

ઉમેદવાર પસંદગી માટે ભાજપ આ વખતે પણ “સેન્સ પ્રક્રિયા”ને પ્રાથમિકતા આપશે. આ પ્રક્રિયા દ્વારા સ્થાનિક કાર્યકરો અને નેતાઓ પાસેથી અભિપ્રાય મેળવીને યોગ્ય ઉમેદવાર નક્કી કરવામાં આવશે. આ પગલાથી પાર્ટી ગ્રાઉન્ડ લેવલની વાસ્તવિક સ્થિતિને સમજવાનો પ્રયત્ન કરી રહી છે, જેથી ટિકિટ વિતરણ વધુ પારદર્શક અને અસરકારક બની શકે.

આ પણ ખાસ વાંચોઃ શું હોય છે સેન્સ લેવાની પ્રક્રિયા? : દર વખતે ચૂંટણી પહેલાં રાજકીય પક્ષો કેમ કરે છે Sense Process?

યુવા અને મહિલાઓને મળશે તક

બેઠકમાં આ મુદ્દા પર પણ ખાસ ચર્ચા કરવામાં આવી હતી કે પાર્ટી વધુ યુવા નેતાઓ અને મહિલાઓને તક આપે. ભાજપ આગામી ચૂંટણીમાં નવા ચહેરાઓને આગળ લાવવા માટે પ્રયત્નશીલ છે. આ સાથે જ, સામાજિક સમીકરણને ધ્યાનમાં રાખીને અલગ-અલગ વર્ગોના પ્રતિનિધિત્વને પણ પ્રાથમિકતા આપવામાં આવશે. આ પગલું પાર્ટીની વિસ્તૃત સ્વીકાર્યતા વધારવામાં મદદરૂપ બની શકે છે.

આ પણ ખાસ વાંચોઃ ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનો શંખનાદ : જાણી લો મતદાન, પરિણામ અને મહત્વની તારીખોની વિગતો

આંતરિક સમન્વય અને સંગઠન મજબૂત બનાવવા પર ભાર

ચૂંટણી પહેલાં સંગઠનને વધુ મજબૂત બનાવવા માટે બેઠકમાં આંતરિક સમન્વય પર ભાર મૂકવામાં આવ્યો હતો. પાર્ટી નેતાઓએ કાર્યકરોને એકતા જાળવી રાખવા અને મતદારો સુધી પહોંચ વધારવા માટે સૂચના આપી હતી. આ ઉપરાંત, દરેક સ્તરે કાર્યકરોને સક્રિય બનાવીને ચૂંટણી માટે તૈયારી વધુ ઝડપી બનાવવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો.

આ પણ ખાસ વાંચોઃ ગુજરાતમાં આજથી આચારસંહિતાનો અમલ શરૂ : જાણો શું છે આચાર સંહિતા, જાહેરાતોથી લઈને રેલી સુધી શું કરી શકાય અને શું નહીં?

કેમ મહત્વપૂર્ણ છે આ બેઠક?

ભાજપની ચૂંટણી સમિતિની આ બેઠક માત્ર એક સામાન્ય મિટિંગ નથી, પરંતુ તે ચૂંટણી માટેની સંપૂર્ણ રણનીતિનો આધાર છે. અહીં લેવામાં આવેલા નિર્ણયો સીધા જ ઉમેદવાર પસંદગી અને ચૂંટણી પરિણામોને અસર કરશે. આ બેઠકથી સ્પષ્ટ થાય છે કે ભાજપ ચૂંટણી માટે સંપૂર્ણ રીતે તૈયાર છે અને કોઈપણ પ્રકારની ખામી ન રહે તે માટે પહેલાથી જ આયોજન કરી રહ્યું છે. આ વખતની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં ભાજપ પણ કોઈપણ પ્રકારે કાચુ ના કપાય તેની પુરતી તકેદારી રાખી રહ્યું છે.

શું અસર પડશે આ નિર્ણયોની?

આ નિર્ણયોથી પાર્ટીમાં સ્પષ્ટતા આવશે અને ઉમેદવાર પસંદગી પ્રક્રિયા વધુ વ્યવસ્થિત બનશે. યોગ્ય ઉમેદવાર પસંદ થવાથી ચૂંટણીમાં જીતવાની સંભાવના વધશે. પરંતુ બીજી તરફ, ટિકિટ ન મળતા કેટલાક દાવેદારોમાં અસંતોષ પણ ઉભો થઈ શકે છે. આવી સ્થિતિમાં પાર્ટીને આંતરિક સંતુલન જાળવવું પડકારરૂપ બની શકે છે. આ તમામ પરિબળોને ધ્યાનમાં રાખતા સ્પષ્ટ થાય છે કે આગામી દિવસોમાં ગુજરાતની રાજનીતિ વધુ સક્રિય અને રસપ્રદ બનવાની છે.

ઉલ્લેખનીય છેકે, ભાજપ દ્વારા છેલ્લા પાંચ વર્ષ થી સરલ એપ્લીકેશન અને નમો એપ્લિકેશન પર ડેટા એકત્ર કરવામાં આવ્યો હતો. સરલ એપમાં સક્રિય સભ્ય થી લઈ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ અને ફોલોઅર્સની વિગત, બુથ નંબર, વિધાનસભા સહિતની વિગત હોવાથી તમામ ઉમેદવારોના ડેટા ડિજિટલ રીતે પ્રદેશ ભાજપ ચકાસણી કરશે. એવી પણ માહિતી સામે આવી છેકે, ભાજપ દ્વારા આ વખતે ચૂંટણી લડવા ઈચ્છતા ઉમેદવારોની સોશિયલ મીડિયા પ્રોફાઈલની વિગતો પણ ખાસ મંગાવવામાં આવી છે. ઉમેદવારી માટે ઈચ્છા ધરાવતા વ્યક્તિના પરિચય પત્ર(ફોર્મ)માં સોશ્યલ મીડિયા એકાઉન્ટની વિગતો માંગવામાં આવી છે. જેમાં કેટલા ફોલોઅર્સ છે તેની પણ વિગત લખવી ફરજિયાત રાખવામાં આવી છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now