બિહારમાં વિધાનસભા ચૂંટણી પહેલા શરૂ કરાયેલા મતદાર ચકાસણી અભિયાન (SIR)માં એક મોટો ખુલાસો થયો છે. ચૂંટણી પંચે કહ્યું છે કે બિહારની મતદાર યાદીમાં મોટી સંખ્યામાં વિદેશી નાગરિકોના નામ છે, જેમાં નેપાળ, મ્યાનમાર અને બાંગ્લાદેશના નાગરિકોનો સમાવેશ થાય છે. ડોર ટુ ડોર ચકાસણીમાં એ પણ ખુલાસો થયો છે કે આ વિદેશીઓ પાસે મતદાર કાર્ડ, આધાર કાર્ડ અને રેશન કાર્ડ પણ છે. ચૂંટણી પંચે કહ્યું છે કે, SIR નો હેતુ ગેરકાયદેસર મતદારોને મતદાર યાદીમાંથી દૂર કરવાનો છે. મતદાર ચકાસણીના નામે ચાલી રહેલા રાજકારણ વચ્ચે, આ હકીકતે રાજકીય વર્તુળોમાં ખળભળાટ મચાવી દીધો છે કારણ કે કોંગ્રેસ સહિત મહાગઠબંધનના તમામ પક્ષો આ અભિયાનનો વિરોધ કરી રહ્યા છે.
SIR હેઠળ 80.11 ટકા ફોર્મ સબમિટ થયા!
સમાચાર એજન્સીના જણાવ્યાનુસાર, ચૂંટણી પંચે કહ્યું છે કે, 30 સપ્ટેમ્બરે પ્રકાશિત થનારી અંતિમ મતદાર યાદીમાંથી આ તમામ લોકોના નામ દૂર કરવામાં આવશે. પંચે એમ પણ કહ્યું છે કે, દેશભરમાં મતદાર ચકાસણી હાથ ધરવામાં આવશે જેથી ખોટા માધ્યમથી કાર્ડ મેળવીને મતદાર બનેલા વિદેશી ઘુસણખોરોને મતદાર યાદીમાંથી દૂર કરવામાં આવે. જે માટે તેમના જન્મ સ્થળની ચકાસણી કરવામાં આવશે. ચૂંટણી પંચે દાવો કર્યો છે કે શનિવાર સુધીમાં બિહારમાં જારી કરાયેલા SIR હેઠળ 80.11 ટકા મતદારોએ પોતાના ફોર્મ સબમિટ કર્યા છે. ફોર્મ સબમિટ કરવાની પ્રક્રિયા નિર્ધારિત સમયમર્યાદા (25 જુલાઈ) સુધીમાં પૂર્ણ કરવામાં આવશે. બિહારમાં આ વર્ષે ઓક્ટોબર-નવેમ્બરમાં વિધાનસભા ચૂંટણીઓ યોજાવાની છે. જેને ધ્યાનમાં રાખીને, મતદાર સુધારણાનો મુદ્દો દેશના રાજકીય ગલિયારાઓમાં ચર્ચાનો વિષય બની ગયો છે. વિરોધ પક્ષો તેને રોકવા માટે સુપ્રીમ કોર્ટમાં ગયા હતા. કોર્ટે તેને રોકવાનો ઇનકાર કર્યો હતો જ્યારે ચૂંટણી પંચને કેટલીક સૂચનાઓ આપી હતી.
ગરમા ગરમ રાજકારણ વચ્ચે 'ઠંડી સ્પષ્ટતા'!
તમને જણાવી દઈએ કે, બિહારમાં ચાલી રહેલા મતદાર ચકાસણી અભિયાનને રોકવા માટે 9 જુલાઈએ બિહાર બંધનું એલાન કરવામાં આવ્યું હતું જેમાં વિપક્ષી પક્ષોના નેતાઓ અને કાર્યકરો રસ્તા પર ઉતરી આવ્યા હતા. લોકસભામાં વિપક્ષી નેતા રાહુલ ગાંધી પણ પટના પહોંચ્યા હતા અને તેજસ્વી યાદવ અને મુકેશ સાહની સાથે બંધમાં જોડાયા હતા, જ્યારે NDA સરકાર શરૂઆતથી જ કહી રહી હતી કે ગેરકાયદેસર અને વિદેશી મતદારોને બાકાત રાખવા માટે SIR જરૂરી છે. મતદાર યાદીમાં વિદેશી મુદ્દો સામે આવ્યા પછી, NDA ને મજબૂતી મળી છે અને તે ઈન્ડિયા ગઠબંધન માટે ખરાબ સમાચાર છે.





