Home National Bihar Plumber Account 294 Crore Balance Mystery

પ્લમ્બરના ખાતામાં અચાનક જમા થયા ₹294.80 કરોડ : સમગ્ર ગામમાં ચર્ચાનો વિષય બન્યો કેસ

પ્લમ્બરની પ્રતિકારાત્મક છબી
Image Credit: AI
Published by: Niraj Chokshi
Last Updated: Jun 06, 2026, 01:30 AM IST

બિહારના ગયા જિલ્લાના બોધગયા વિસ્તારના મસ્તપુરા ગામમાં રહેતા એક સામાન્ય પ્લમ્બર વિકાસ કુમાર અચાનક જ સમગ્ર રાજ્યમાં ચર્ચાનો વિષય બની ગયા છે. કારણ એ છે કે તેમના બેંક ખાતામાં એક જ દિવસમાં કરોડો રૂપિયાની રકમ દેખાઈ. માસિક માત્ર 10 થી 12 હજાર રૂપિયાની આવક ધરાવતા વિકાસના જિયો પેમેન્ટ્સ બેંક ખાતામાં પહેલા ₹94 કરોડ અને ત્યારબાદ થોડા કલાકોમાં જ ₹294.80 કરોડનું બેલેન્સ દેખાતા સમગ્ર વિસ્તારમાં આશ્ચર્ય અને કુતૂહલનો માહોલ સર્જાયો છે.

મળતી માહિતી અનુસાર વિકાસ કુમાર રોજિંદી મજૂરી આધારિત પ્લમ્બિંગનું કામ કરે છે. તેમના પરિવારની આર્થિક સ્થિતિ સામાન્ય છે અને બેંક ખાતામાં સામાન્ય રીતે મર્યાદિત જ રકમ રહેતી હોય છે. ઘટનાના દિવસે પણ તેમના ખાતામાં માત્ર આશરે ₹1,300 જેટલી જ રકમ હતી. તેમાંમાંથી ₹1,200 તેમણે ટ્રાન્સફર કરી દીધા હતા અને ખાતામાં માત્ર ₹100 જેટલી જ રકમ બચી હતી.

મોબાઇલમાં દેખાયું કરોડોનું બેલેન્સ

4 જૂનની સવારે વિકાસ કુમારે પોતાના મોબાઇલ ફોન દ્વારા બેંક ખાતું ચેક કર્યું ત્યારે તેમને સ્ક્રીન પર લગભગ ₹94 કરોડનું બેલેન્સ દેખાયું. શરૂઆતમાં તેમણે તેને ટેકનિકલ ખામી અથવા એપ્લિકેશનની ભૂલ ગણાવી હતી. પરંતુ જ્યારે ફરી તપાસ કરતાં પણ એ જ રકમ દેખાઈ, ત્યારે તેમને શંકા થઈ.

વિકાસ વધુ ખાતરી કરવા માટે નજીકના એક સાયબર કેફે પહોંચ્યા. ત્યાં બાયોમેટ્રિક ફિંગરપ્રિન્ટ દ્વારા ખાતામાં લોગ ઇન કરવામાં આવ્યું. આ વખતે જે માહિતી સામે આવી તે વધુ ચોંકાવનારી હતી. ખાતામાં બેલેન્સ વધીને ₹294.80 કરોડ દર્શાવવામાં આવી રહ્યું હતું. આ આંકડો જોઈને વિકાસ પોતે પણ ગભરાઈ ગયા હતા. તેમણે જણાવ્યું કે આટલી મોટી રકમ તેમના જીવનમાં ક્યારેય કલ્પના પણ કરી નહોતી. કોઈ અજાણી અથવા શંકાસ્પદ પ્રવૃત્તિથી બચવા માટે તેમણે ખાતામાંથી કોઈ પ્રકારનું ટ્રાન્ઝેક્શન કે ઉપાડ કરવાનો પ્રયાસ કર્યો નહોતો.

આ પણ વાંચો: શું પત્ની સાથે 13 દિવસ સુધી ફોન પર વાત ન કરવી એ ‘ક્રૂરતા’ ગણાય? : વૈવાહિક અબોલા પર સુપ્રીમ કોર્ટે આપ્યો મહત્વનો ચુકાદો

ગામમાં લોકોની ભીડ જામી

આ ઘટનાની જાણ થોડા જ સમયમાં સમગ્ર ગામમાં ફેલાઈ ગઈ. વિકાસના ઘરની બહાર લોકોની ભીડ જમા થવા લાગી. ઘણા લોકો આ ઘટનાને ચમત્કાર સમજી રહ્યા હતા, જ્યારે કેટલાક લોકો ટેકનિકલ ભૂલ અથવા સાયબર ગડબડ હોવાનું માની રહ્યા હતા.

સ્થાનિક લોકો વિકાસને સતત પ્રશ્નો પૂછતા રહ્યા કે આટલા પૈસા ક્યાંથી આવ્યા અને શું ખરેખર ખાતામાં ઉપલબ્ધ છે. કેટલાક લોકો તો મજાકમાં એવા પ્રશ્નો પણ પૂછતા જોવા મળ્યા કે આવા ખાતા કેવી રીતે મેળવવામાં આવે. ઘટનાએ સોશિયલ મીડિયા પર પણ ચર્ચા જગાવી દીધી છે.

આ પણ વાંચો: 'તમે શું જોઈ રહ્યાં છો? ગોળી મારી દો!' : ખાન સાહેબે તેમના સુરક્ષા ગાર્ડ્સને કહ્યું, અને પટના હચમચી ગયું

રૂપિયા ક્યાંથી આવ્યા તે હજુ રહસ્ય

હાલ સુધી આ કરોડો રૂપિયાની રકમ ખાતામાં કેવી રીતે દર્શાવવામાં આવી તે અંગે કોઈ સત્તાવાર સ્પષ્ટતા સામે આવી નથી. પ્રાથમિક રીતે બેંકિંગ સિસ્ટમમાં ટેકનિકલ ખામી, ડેટા સિંક્રોનાઇઝેશનની ભૂલ અથવા અન્ય કોઈ સોફ્ટવેર સંબંધિત સમસ્યાની શક્યતા પર ચર્ચા થઈ રહી છે.

પરંતુ આટલી વિશાળ રકમ સામાન્ય ખાતામાં દેખાવાની ઘટના અત્યંત અસામાન્ય હોવાથી મામલો ગંભીરતાથી લેવામાં આવી રહ્યો છે. બેંક અધિકારીઓ અને સંબંધિત એજન્સીઓ સમગ્ર ઘટનાની તપાસ કરી રહી છે. જો આ કોઈ ટેકનિકલ ખામી હશે તો તેને સુધારવાની કાર્યવાહી હાથ ધરાશે, જ્યારે કોઈ અન્ય કારણ હશે તો તેની પણ તપાસ કરવામાં આવશે.

આ પણ વાંચો: ભારત બનાવી રહ્યું છે દરિયાનું 'મહાકિલર' : ચીન-પાકિસ્તાન માટે વધશે ચિંતા, જાણો કેટલો શક્તિશાળી છે નેવીનો Project 18

પોલીસ પણ તપાસમાં જોડાઈ

ઘટનાની જાણ થતાં સ્થાનિક પોલીસ પણ સક્રિય બની છે. અધિકારીઓએ જણાવ્યું છે કે કેસના તમામ સંભવિત પાસાઓની તપાસ કરવામાં આવી રહી છે. પોલીસ એ પણ તપાસી રહી છે કે ક્યાંક આ સાયબર ફ્રોડ, ડેટા મેનિપ્યુલેશન અથવા બેંકિંગ સિસ્ટમની ગડબડ સાથે સંબંધિત મામલો તો નથી ને.

અગાઉ પણ બની ચૂકી છે આવી ઘટનાઓ

ભારતમાં અગાઉ પણ કેટલીક વખત વિદ્યાર્થીઓ, મજૂરો અથવા સામાન્ય નાગરિકોના ખાતામાં અચાનક લાખો કે કરોડો રૂપિયાનું બેલેન્સ દેખાવાની ઘટનાઓ સામે આવી છે. મોટા ભાગના કેસોમાં પાછળથી જાણવા મળ્યું હતું કે તે બેંકિંગ સિસ્ટમની ટેકનિકલ ભૂલ, સર્વર સમસ્યા અથવા ડેટા અપડેટ સંબંધિત ખામીના કારણે બન્યું હતું. બોધગયાની આ ઘટના પણ હાલમાં રહસ્ય બની રહી છે. હવે સૌની નજર બેંક અને તપાસ એજન્સીઓના સત્તાવાર નિવેદન પર છે કે આખરે એક સામાન્ય પ્લમ્બરના ખાતામાં ₹294.80 કરોડનું બેલેન્સ કેવી રીતે દેખાયું.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now