પતિ-પત્ની વચ્ચેના સંબંધો, ઘરેલું મતભેદો અને ભારતીય દંડ સંહિતાની કલમ 498A હેઠળ ‘ક્રૂરતા’ની વ્યાખ્યાને લઈને સુપ્રીમ કોર્ટે એક મહત્વપૂર્ણ અને દૂરગામી અસર ધરાવતો ચુકાદો આપ્યો છે. સર્વોચ્ચ અદાલતે સ્પષ્ટ કર્યું છે કે લગ્નજીવનમાં થતી સામાન્ય નારાજગી, થોડા દિવસોની અબોલા સ્થિતિ અથવા પરસ્પર વાતચીતમાં અસ્થાયી વિરામને માત્ર તેના આધારે ‘ક્રૂરતા’ ગણાવી શકાતી નથી. કોર્ટે નોંધ્યું કે દરેક વૈવાહિક મતભેદને ફોજદારી ગુનાના દાયરામાં લાવવો યોગ્ય નથી. આ ચુકાદો તમિલનાડુના એક ચર્ચાસ્પદ કેસમાં આપવામાં આવ્યો છે, જેમાં પત્નીની આત્મહત્યા બાદ પતિને IPCની કલમ 498A હેઠળ દોષિત ઠેરવીને ત્રણ વર્ષની સજા ફટકારવામાં આવી હતી. ટ્રાયલ કોર્ટ અને ત્યારબાદ મદ્રાસ હાઈકોર્ટે પણ આ સજાને યથાવત રાખી હતી. જોકે, સુપ્રીમ કોર્ટે બંને અદાલતોના નિર્ણયોને રદ કરીને પતિને નિર્દોષ જાહેર કર્યો છે.
શું હતો સમગ્ર મામલો?
કેસના રેકોર્ડ મુજબ, મહિલાએ પોતાના પિયરમાં ફાંસી લગાવીને આત્મહત્યા કરી હતી. ફરિયાદ પક્ષે આરોપ મૂક્યો હતો કે લગ્ન પછી પતિ અને તેના પરિવાર તરફથી વધુ દહેજની માંગણી કરવામાં આવતી હતી. પરિવારનો દાવો હતો કે લગ્ન સમયે 3 લાખ રૂપિયા રોકડા, 20 તોલા સોનાના દાગીના અને અન્ય સામાન આપવામાં આવ્યો હોવા છતાં વધુ માંગણીઓ ચાલુ રહી હતી. પ્રોસિક્યુશનનો મુખ્ય આરોપ એવો હતો કે પત્ની પિયર ગઈ બાદ પતિએ લગભગ 13 દિવસ સુધી તેની સાથે ફોન પર કોઈ વાતચીત કરી નહોતી. આ ઉપેક્ષા અને માનસિક તણાવના કારણે પત્ની ભાંગી પડી હતી અને અંતે આત્મહત્યા કરી હતી. આ દલીલને આધારે પતિ સામે ક્રૂરતાનો આરોપ મજબૂત કરવામાં આવ્યો હતો. કેસમાં પતિ ઉપરાંત સાસુ, સસરા અને અન્ય પરિવારજનોને પણ આરોપી બનાવવામાં આવ્યા હતા. જોકે ટ્રાયલ દરમિયાન અન્ય સભ્યો સામે પૂરતા પુરાવા ન મળતા તેઓ મુક્ત થઈ ગયા હતા. માત્ર પતિને જ IPC કલમ 498A હેઠળ દોષિત ઠેરવવામાં આવ્યો હતો.
સુપ્રીમ કોર્ટે શું કહ્યું?
જસ્ટિસ જે. કે. મહેશ્વરી અને જસ્ટિસ અતુલ એસ. ચંદુરકરની ખંડપીઠે કેસના તમામ પુરાવા અને સાક્ષીઓની જુબાનીનું વિગતવાર મૂલ્યાંકન કર્યું. કોર્ટે નોંધ્યું કે પતિ વિરુદ્ધનો મુખ્ય આરોપ માત્ર એટલો હતો કે તેણે થોડા દિવસ પત્ની સાથે વાતચીત કરી નહોતી અને પત્ની પિયર જવાથી તે નારાજ હતો. સુપ્રીમ કોર્ટે સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું કે વૈવાહિક જીવનમાં મતભેદો અને ક્યારેક વાતચીતમાં વિરામ આવવો અસામાન્ય બાબત નથી. માત્ર થોડા દિવસ વાત ન કરવી એ પોતે જ એવી ગંભીર ક્રૂરતા ગણાવી શકાય નહીં કે જેના કારણે ફોજદારી જવાબદારી ઊભી થાય. કોર્ટે જણાવ્યું કે માનસિક ક્રૂરતાનું મૂલ્યાંકન દરેક કેસની હકીકતો અને સંજોગોને ધ્યાનમાં રાખીને કરવું પડે છે અને તેના માટે કોઈ એકસરખો માપદંડ લાગુ થઈ શકતો નથી.
પુરાવાની અછત બની નિર્ણાયક
ચુકાદામાં કોર્ટે એક મહત્વપૂર્ણ મુદ્દો ઉઠાવ્યો કે પ્રોસિક્યુશન દ્વારા 13 દિવસ સુધી કોઈ વાતચીત થઈ નહોતી તે દાવાને સમર્થન આપતા કોલ રેકોર્ડ્સ અથવા અન્ય ટેકનિકલ પુરાવા રજૂ કરવામાં આવ્યા નહોતા. માત્ર મૌખિક નિવેદનોના આધારે આરોપ સાબિત થઈ શકે નહીં. ફોજદારી કાયદામાં આરોપ સાબિત કરવાની સંપૂર્ણ જવાબદારી પ્રોસિક્યુશન પર હોય છે અને તે ‘શંકાથી પર’ પુરવાર થવો જરૂરી છે. પતિએ પોતાની બચાવ દલીલમાં જણાવ્યું હતું કે તેણે પત્ની સાથે સંપર્ક કરવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ ફોનમાં સમસ્યા હોવાથી વાતચીત થઈ શકી નહોતી અને તેણે પત્નીના પિતાનો સંપર્ક કર્યો હતો. કોર્ટે આ દલીલની પણ નોંધ લીધી.
મસકટ જવાના મુદ્દે પણ સ્પષ્ટતા
કેસ દરમિયાન એવો આરોપ પણ મૂકવામાં આવ્યો હતો કે પતિ પત્નીને પોતાના સાથે મસકટ લઈ જવા ઇચ્છતો નહોતો, જેના કારણે પત્ની માનસિક રીતે વ્યથિત થઈ હતી. પરંતુ સુપ્રીમ કોર્ટે નોંધ્યું કે ઉપલબ્ધ પુરાવા મુજબ પત્ની પાસપોર્ટ અને વિઝા સંબંધિત જરૂરી પ્રક્રિયા પૂર્ણ ન કરી શકવાને કારણે મસકટ જઈ શકી નહોતી. તેથી આ મુદ્દે પતિને જવાબદાર ઠેરવવા માટે કોઈ આધારભૂત સામગ્રી ઉપલબ્ધ નહોતી.
ચુકાદાનું કાનૂની મહત્વ
કાનૂની નિષ્ણાતોના મતે આ ચુકાદો IPC કલમ 498A હેઠળના કેસોમાં મહત્વપૂર્ણ માર્ગદર્શક બની શકે છે. કોર્ટે ફરી એકવાર સ્પષ્ટ કર્યું છે કે લગ્નજીવનમાં થતી સામાન્ય અણબનાવ, નાની-મોટી તકરાર અથવા થોડા સમયની અબોલા સ્થિતિને આપમેળે ‘ક્રૂરતા’ તરીકે ગણાવી શકાતી નથી. ક્રૂરતા સાબિત કરવા માટે ગંભીર, સતત અને સ્પષ્ટ પુરાવા જરૂરી છે. આ ચુકાદો એ સિદ્ધાંતને પણ મજબૂત બનાવે છે કે ફોજદારી સજા માત્ર અનુમાન કે ધારણાના આધારે નહીં પરંતુ મજબૂત અને વિશ્વસનીય પુરાવાના આધારે જ થઈ શકે. પરિણામે, સુપ્રીમ કોર્ટે પતિની સજા રદ કરીને તેને નિર્દોષ જાહેર કર્યો અને જો તેનો પાસપોર્ટ જપ્ત કરવામાં આવ્યો હોય તો પરત આપવાનો પણ નિર્દેશ કર્યો.





