Ban on meat advertising : આજકાલ આખી દુનિયા ગ્લોબલ વોર્મિંગ અને આબોહવા પરિવર્તન એટલે કે ક્લાઇમેટ ચેન્જની સમસ્યાનો સામનો કરી રહી છે. આ ગંભીર સમસ્યાથી બચવા માટે હવે વૈશ્વિક સ્તરે ખૂબ જ અનોખા અને કડક પગલાં લેવામાં આવી રહ્યા છે. આ અંતર્ગત યુરોપ, ઉત્તર અમેરિકા, ઓસ્ટ્રેલિયા અને એશિયાના 50થી વધુ મોટા શહેરોએ માંસ (મીટ)માંથી બનતી પ્રોડક્ટ્સની જાહેર જાહેરાતો પર પ્રતિબંધ મૂકી દીધો છે અથવા તેને મર્યાદિત કરી દીધી છે. અહીં એ સમજવું જરૂરી છે કે આ શહેરોએ માંસના વેચાણ કે ખાવા પર પ્રતિબંધ નથી લગાવ્યો, પરંતુ તેના પ્રચાર પર રોક લગાવી છે. આ પ્રતિબંધ ખાસ કરીને બર્ગર, ફ્રાઇડ ચિકન, સોસેજ અને નગેટ્સ જેવી વધુ કાર્બન ઉત્સર્જન કરતી પ્રોડક્ટ્સની જાહેરાતો પર લગાવવામાં આવ્યો છે.
જાહેરાતો બંધ કરવા પાછળનું સાચું કારણ
વૈજ્ઞાનિકો અને પર્યાવરણ માટે કામ કરતી સંસ્થાઓનું કહેવું છે કે માંસના ઉત્પાદનથી પર્યાવરણને મોટું નુકસાન થાય છે. પશુપાલન ઉદ્યોગ, ખાસ કરીને બીફ (ગાયનું માંસ) અને પોર્ક (ભૂંડનું માંસ)ના ઉત્પાદન દરમિયાન મોટા પ્રમાણમાં મિથેન અને કાર્બન ડાયોક્સાઇડ જેવા હાનિકારક ગ્રીનહાઉસ વાયુઓ હવામાં ભળે છે. આ વાયુઓ પૃથ્વીનું તાપમાન વધારે છે જેના કારણે ક્લાઇમેટ ચેન્જની સમસ્યા વકરી રહી છે. આ નુકસાનને અટકાવવા જાહેરાતો પર રોક લગાવવામાં આવી રહી છે.
લોકોમાં નવી લાઈફસ્ટાઈલ લાવવાનો પ્રયાસ
ઘણા શહેરોની સરકારો આ પ્રતિબંધને એક સારા પરિવર્તન તરીકે જોઈ રહી છે. જે રીતે દુનિયાભરમાં તમાકુ અને સિગારેટનું સેવન ઘટાડવા માટે તેની જાહેરાતો પર કડક નિયમો બનાવવામાં આવે છે, તે જ રીતે માંસની જાહેરાતો ઓછી કરવા પાછળનો હેતુ પણ એવો જ છે. સરકારો આશા રાખે છે કે જો લોકોને આવી જાહેરાતો ઓછી દેખાશે, તો તેઓ વનસ્પતિ આધારિત એટલે કે પ્લાન્ટ-બેઝ્ડ ભોજન તરફ વધુ આકર્ષિત થશે અને ગ્રીન લાઈફસ્ટાઈલ અપનાવશે.
એમસ્ટરડેમ અને હાર્લેમ શહેરનો મોટો લક્ષ્યાંક
આ વૈશ્વિક ઝુંબેશમાં નેધરલેન્ડનું હાર્લેમ શહેર દુનિયાનું એવું પ્રથમ શહેર બન્યું હતું જેણે માંસની જાહેરાતો પર જાહેર પ્રતિબંધ લગાવ્યો હતો. તેની સાથે જ નેધરલેન્ડનું પાટનગર એમસ્ટરડેમ આ પ્રકારનો પ્રતિબંધ લગાવનારી દુનિયાની પ્રથમ રાજધાની બની છે. એમસ્ટરડેમ શહેરે એક મોટો લક્ષ્યાંક રાખ્યો છે કે વર્ષ 2050 સુધીમાં ત્યાંના ઓછામાં ઓછા 50 ટકા રહેવાસીઓ પોતાના રોજિંદા ભોજનમાં શાકાહારી અથવા વનસ્પતિમાંથી મળતા ખાદ્ય પદાર્થોનો ઉપયોગ કરતા થઈ જાય.
માત્ર માંસ જ નહીં અન્ય વસ્તુઓ પર પણ રોક
પર્યાવરણને બચાવવાની આ લડત માત્ર ખાવા-પીવાની જાહેરાતો પૂરતી મર્યાદિત નથી. દુનિયાના ઘણા શહેરોએ ફોસિલ ફ્યુઅલ (પેટ્રોલ-ડીઝલ)થી ચાલતા વાહનો, હવાઈ મુસાફરી અને લક્ઝરી ક્રૂઝ વેકેશન જેવી પ્રવૃત્તિઓની જાહેરાતો પર પણ પ્રતિબંધ લગાવ્યો છે. આ તમામ વસ્તુઓને પર્યાવરણમાં વધુ કાર્બન ઉત્સર્જન કરવા માટે જવાબદાર માનવામાં આવે છે.
આ ઝુંબેશમાં નેધરલેન્ડ દેશ સૌથી આગળ
પર્યાવરણ સુરક્ષાની આ આખી પહેલમાં નેધરલેન્ડ દેશ આખી દુનિયામાં કેન્દ્રસ્થાને છે. નેધરલેન્ડના એમસ્ટરડેમ, હાર્લેમ, યુટ્રેક્ટ, નિજમેગન, ધ હેગ, આલ્મેરે, જ્વોલ, બ્લોમેન્ડાલ અને લીડેન જેવા અનેક શહેરોએ પોતાના ત્યાં વધુ કાર્બન પેદા કરતી પ્રોડક્ટ્સના પ્રચારને ઓછો કરવા માટે ખૂબ જ કડક નીતિઓ બનાવી છે.
દુનિયાભરના મોટા દેશોનો મળ્યો સપોર્ટ
આ પર્યાવરણીય ઝુંબેશ હવે માત્ર યુરોપ પૂરતી મર્યાદિત નથી રહી પરંતુ સમગ્ર વિશ્વમાં ફેલાઈ ગઈ છે. અમેરિકાના લોસ એન્જલસ, વેસ્ટ હોલીવુડ, કેમ્બ્રિજ, સોમરવિલે, હોબોકેન અને બર્કલે જેવા શહેરોએ આ પહેલને ટેકો આપ્યો છે. યુનાઇટેડ કિંગડમ (UK)માં પણ એડિનબર્ગ, બેલફાસ્ટ, શેફિલ્ડ અને નોરવિચ જેવા શહેરો આમાં જોડાયા છે. આ ઉપરાંત કેનેડા, સ્પેન, પોર્ટુગલ, ઓસ્ટ્રેલિયા, સ્વીડન, ફ્રાન્સ, યુગાન્ડા અને મેક્સિકોના શહેરો પણ આ મુવમેન્ટને સપોર્ટ કરી રહ્યા છે.
ભારતના આ શહેરોએ પણ આપ્યો સાથ
આ વૈશ્વિક પ્રયાસોમાં ભારત પણ પાછળ નથી. ભારતના ઉદયપુર, ગોપાલપુર, ઠાણે, અમરાવતી, રાજકોટ, જામનગર, મુંદ્રા, ભુજ, ભુજપુર અને ગાંધીનગર જેવા પ્રખ્યાત શહેરોએ આબોહવા સુરક્ષાના ભાગરૂપે 'પ્લાન્ટ બેઝ્ડ ટ્રીટી' (Plant Based Treaty)ને પોતાનું સત્તાવાર સમર્થન જાહેર કર્યું છે. આ શહેરો પણ હવે પર્યાવરણને અનુકૂળ ભોજન અને લાઈફસ્ટાઈલને પ્રોત્સાહન આપી રહ્યા છે.





